Western Times News

Gujarati News

મોરબીમાં ગમે તે જીતે, તો પણ જીતના ઢોલ નહિ વાગે

મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે મતગણતરી થવાની છે, જાકે મત ગણતરી બાદ પરિણામ ભાજપ કે કોંગ્રેસ તરફી આવશે તે નિશ્ચિત છે, પણ જે પરિણામ હોય તે બંને પક્ષના ઉમેદવારો દ્વારા તેમના આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારોને મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને બેન્ડવાજા અને આતિશબાજી ન કરવા માટે થઈને અપીલ કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે. જે પૈકીની મોરબી માળિયા વિધાનસભા બેઠકના વિસ્તારમાં સવા મહિના પહેલા ઝુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના બની હતી અને તેમાં ૧૩૫ નિર્દોષ લોકોના મૃત્યુ નિપજયા હતા અને તે માહોલની વચ્ચે ચૂંટણી યોજાઈ હતી.

જેમાં પણ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પોતાના ચૂંટણી પ્રચારમાં ઘણો સયંમ રાખવામાં આવ્યો હતો. જાકે આવતીકાલે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પોલીટેકનિક કોલેજ ખાતે મત ગણતરી થવાની છે. ત્યારે મતગણતરી બાદ ભાજપ કે કોંગ્રેસ જે કોઈ તરફે ચૂંટણીનું પરિણામ આવે ત્યારે ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા અને કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા

તેમના આગેવાનો હોદ્દેદારોને ટેકેદારોને જુલતાપુલની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને શાંતિપૂર્ણ રીતે વિજય સરઘસ કાઢવા માટે કહેવામાં આવ્યું છે. વિજય સરઘસમાં કોઈપણ જગ્યાએ આતશબાજી અને ઢોલ નગારા ન કરવા અપીલ કરાઈ. સાથે જ બેન્ડવાજા પણ નહિ વાગે તેવી અપીલ હાલમાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે.

મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા, ભાજપના ઉમેદવાર અને જયંતિભાઇ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર છે ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ આ વિશે કહ્યું કે, ચૂંટણીનું પરિણામ હજી બાકી છે. મોરબી દુર્ઘટનામાં અનેક લોકોએ સ્વજનો ગુમાવ્યા છે. કોઈનો ભાઈ, તો કોઈની બહેન, કોઈની દીકરી મૃત્યુ પામી છે.

ચૂંટણીના પરિણામ બાદ હાર નહિ, મીઠાઈ નહિ, ઢોલ નગારા નહિ, ફટાકડા નહિ ફોડવાનો નિર્ણય લીધો છે. જીતીશું તો પણ સાદગીથી રેલી કાઢીશું. વિજય સરઘસ બાદ જાહેરસભા યોજીશું, અને શાંતિથી બધા ઘરે જશે. બીજા દિવસે હવન કરીને બધા ભેગા થશું.

આ સાથે જ કાંતિ અમૃતિયાએ ભાજપની જીતની આશા વ્યક્ત કરી હતી. તેઓએ ભાજપની ૧૨૫ સીટ પાક્કી હોવાનું જણાવ્યું હતું, સાથે જ મોરબીની તમામ બેઠકો પર ભગવો લહેરાશે તેવી આશા વ્યક્ત કરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.