Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પશ્ચિમ રેલવે સોમનાથ રેલવે સ્ટેશનને વિશ્વસ્તરીય સ્ટેશનમાં પરિવર્તિત કરશે

અમદાવાદ, રેલવે સ્ટેશનોને માત્ર સેવાના એક સાધન રૂપે જ નહીં, પણ એક મિલકત તરીકે પરિવર્તિત કરવાનો અને વિકસાવવાનો માનનીય વડાપ્રધાનના દૃષ્ટિકોણ અનુસાર ભારતીય રેલવેએ દેશભરમાં ૨૦૪ સ્ટેશનોની પુનઃવિકાસ માટે પસંદગી કરી છે, જેમાંથી ત્રણ સ્ટેશનોના પુનઃવિકાસની કામગીરી શરૂ થઇ ગઇ છે. જ્યારે ૪૩ સ્ટેશનોનું કામ ચાલી રહ્યું છે. રેલવે મંત્રાલયે રેલવે સ્ટેશનોને આધુનિક સગવડોથી ભરપૂર વિશ્વસ્તરીય ટર્મિનલો રૂપે વિકસિત કરવાને વધારે મહત્ત્વ આપ્યું છે જેથી રેલવેના સામાન્ય યાત્રીઓને આરામદાયક, સુવિધાજનક અને સુખમય રેલયાત્રાનો અનુભવ થઇ શકે.

પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગે જાહેર કરેલ એક અખબારી જાહેરાત અનુસાર રેલવે સ્ટેશન કોઇ પણ શહેરમાં આગમન માટેનું કેન્દ્રીય બિંદુ છે. સ્ટેશનોના પુનઃવિકાસનો મૌલિક વિચાર શહેરનો પણ અભિન્ન વિકાસ કરવો અને શહેરના કેન્દ્ર જેવી જગ્યા સાથે શહેરનું ખાસ સ્થાન બનાવવાનો છે. રેલવે ટ્રેકની બંને બાજુએ સ્ટેશન બિલ્ડિંગની સાથે શહેરના બંને છેડાને જાેડવામાં આવશે. દરેક સ્ટેશન પર પ્લેટફોર્મ પર એક વિશાળ રૂફ પ્લાઝા હશે, જેમાં રીટેઇલ, કાફેટેરિયા અને મનોરંજનની સગવડો જેમ કે ફૂડ કોર્ટ, વેઇટિંગ લાઉન્જ, સ્થાનિક ઉત્પાદનો માટે કેઓસ્ટ માટેની જગ્યા વગેરે જેવી તમામ સગવડો એક જ સ્થળે મળી રહેશે.

યાત્રીઓને વધારે સારી સગવડ આપવા માટે, દિવ્યાંગ અનુકૂળ સગવડો પર ખાસ ધ્યાન આપીને યોગ્ય સાઇનેઝ, લિફ્ટ/એસ્કેલેટર/ટ્રાવેલેટર હશે. પૂરતી પાર્કિંગ સગવડની સાથે આગમન-પ્રસ્થાનને અલગ કરવામાં આવશે અને વાહનવ્યવહાર સુચારુ રૂપે થઇ શકશે. તે સાથે જ પરિવહનના અન્ય સાધનો જેવા કે, મેટ્રો, બસ વગેરેની પણ સતત કનેક્ટિવિટી માટે સ્કાઇવોક, ટ્રાવેલેટર વગેરે દ્વારા સમાન બનાવવામાં આવશે.

સાચે જ એ ગર્વની વાત છે કે ગુજરાતમાં આવેલ પશ્ચિમ રેલવેના ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન ભારતીય રેલવે પ્રથમ એવું સ્ટેશન છે, જેને વિશ્વસ્તરીય સ્ટેશન રૂપે પુનઃવિકસિત કરવામાં આવ્યું છે અને બીજા બે સ્ટેશન મધ્યપ્રદેશમાં ભોપાલ પાસે રાની કમલાપતિ અને કર્ણાટકના બેંગ્લુરુમાં સર. એમ. વિશ્વેશ્વરૈયા ટર્મિનલ છે. આ ઉપરાંત, પશ્ચિમ રેલવેના છ સ્ટેશનો એટલે કે સોમનાથ, સૂરત, ઉધના, સાબરમતી, ન્યૂ ભુજ અને અમદાવાદ સ્ટેશનોના પુનઃવિકાસનું કામ ચાલી રહ્યું છે.

પશ્ચિમ રેલવેમાં પુનઃવિકાસ કરવામાં આવી રહેલા સ્ટેશનો અંગે ઉલ્લેખનીય બાબત એ છે કે સોમનાથ સ્ટેશનના પુનઃવિકાસનું કાર્ય શરૂ થઇ ગયું છે અને તે ઝડપથી આગળ વધી રહ્યું છે. આ કામગીરી પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના ગતિશક્તિ યુનિટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સોમનાથ સ્ટેશનને ૧૫૭.૪ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે એક આધુનિક સ્ટેશન રૂપે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે અને તેની કામગીરી માર્ચ, ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. સપ્ટેમ્બર, ૨૦૨૨થી આ સ્ટેશનને કામગીરી માટે બંધ કરવામાં આવ્યું છે અને હાલમાં સ્ટેશનના બિલ્ડિંગને પાડવાની કામગીરી ચાલે છે. તે સાથે જ પાયાનું ખોદકામ પણ ચાલુ છે.
સોમનાથ સ્ટેશનને વાસ્તુશિલ્પ સાથે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે જેનાથી એ નિશ્ચિત થશે કે સમગ્ર સ્ટેશનનો આગળનો ભાગ, ફિનિશિંગ, રંગ, સામગ્રી, તેની રચના અને સમગ્ર રૂપ અને અનુભવ દ્વારા એક સમાન લાગે. મુખ્ય સ્ટેશન ભવનની છત પર ૧૨ શિખર હશે જે ૧૨ જ્યોતિર્લિંગોનું પ્રતિનિધિત્વ કરતા હશે અને આગળનો ભાગ પણ શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર જેવો દેખાતો હશે. તેની ડિઝાઇન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના વિવિધ પાસાંને પ્રતિબિંબિત કરશે અને પ્રાચીન તેમ જ આધુનિક વાસ્તુકલાનું સુંદર મિશ્રણ હશે.
સોમનાથ રેલવે સ્ટેશનને વિવિધ સુખ-સગવડો અને સુવિધાઓ માટે પૂરતા ક્ષેત્રો સાથે મનોરમ્ય રીતે ડિઝાઇન કરેલા સ્ટેશન રૂપે અપગ્રેડ અને પુનઃવિકસિત કરવામાં આવી રહ્યું છે. આ યોજનમાં અલગ અલગ આવવા-જવાના યાત્રી પ્લાઝા, સ્ટેશનના પ્લેટફોર્મ ભીડથી મુક્ત અને સરળતાથી અંદર આવવા-બહાર જવાની વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે. પ્લેટફોર્મ પરની ભીડ ઓછી કરવા માટે મુસાફરો માટે સગવડોથી ભરપૂર કોનકોર્સ-વેઇટિંગ રૂમ હશે. આખું સ્ટેશન વાઇ-ફાઇ કવરેજ ધરાવતું હશે. ઊર્જા, પાણી તથા અન્ય સંસાધનોના યોગ્ય ઉપયોગ, ઊર્જાનો નવીનતાભર્યો ઉપયોગ વગેરે સગવડોની સાથે સ્ટેશન ભવન ગ્રીન બિલ્ડિંગ હશે. બેટરી ચાર્જ કરવાની સુવિધા અને બેટરી સંચાલિત વાહનોના સંચાલનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers