Western Times News

Gujarati News

ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં માત્ર એક મહિલાને સ્થાન મળ્યું

(એજન્સી)અમદાવાદ, ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે આઠ કેબિનેટ મંત્રી, બે રાજ્યકક્ષાના( સ્વતંત્ર હવાલો) તથા ૬ રાજ્યમંત્રીઓએ શપથ લીધા છે.

આ ટીમમાં એક માત્ર મહિલા મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગત સરકારમાં ભૂપેન્દ્ર પટેલની ટીમમાં બે મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. આ વખતે ગત સરકારના ૧૦ મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું નથી.

તે ઉપરાંત કુબેરસિંહ ડિડોર, ભાનુબેન બાબરીયા, મુળુભાઈ બેરા, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, પ્રફૂલ્લ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિને સ્થાન આપવામાં આવ્યું છે.

ભાનુબેન બાબરીયા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય તરીકે સતત બીજીવાર ચૂંટાઈને આવ્યા છે.  2012માં પ્રથમ વાર રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય બન્યા હતાં.  રાજકોટ વોર્ડ નંબર એકના કોર્પોરેટર તરીકે 2019માં ચૂંટાયા હતા.  ભાનુબેન બાબરીયાના સસરા માધુભાઈ બાબરીયા પણ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય હતા.  ભાનુબેન બાબરીયાના પતિ મનહરભાઈ બાબરીયા પણ ભાજપના સક્રિય અગ્રણી છે.  રાજકોટ ગ્રામ્ય અનામત બેઠકમાં સતત બીજી વખત ચૂંટાઈને આવ્યા છે

સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો હવાલો ભાનુબેન બાબરિયાને સોંપાયો છે. ગાંધીનગર સેક્ટર 17 ખાતે આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરે ભાનુબેન બાબરિયાએ ભાવપૂર્ણ દર્શન કર્યા અને સૌની સુખાકારી – હિતકારી માટે દાદાના ચરણોમાં પ્રાર્થના કરી.

૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ વિજય રૂપાણી સરકારને અચાનક બદલીને ભાજપ હાઈકમાન્ડે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યાં હતાં. તે સમયે સરકારની કેબિનેટમાં ૨૫ મંત્રીઓ હતાં. જેમાં ૧૦ કેબિનેટ, ૫ રાજ્યકક્ષા ( સ્વતંત્ર હવાલો) અને ૯ રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ કરાયો હતો.

આ વખતે ભૂપેન્દ્ર પટેલની ટીમમાં ૧૬ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં આઠ કેબિનેટ, બે રાજ્યકક્ષા ( સ્વંતંત્ર હવાલો) અને ૬ રાજ્યમંત્રીઓનો સમાવેશ કરાયો છે. ગત ટર્મમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના ૧૦ મંત્રીઓને આ વખતે કેબિનેટ કે રાજ્યકક્ષામાં સ્થાન મળ્યું નથી.

જેમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, માર્ગ-મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી, વન પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી કિરીટસિંહ રાણા, મહિલા મંત્રીઓમાં મનિષા વકિલ અને નિમિષા સુથાર સહિત ગજેન્દ્રસિંહ પરમાર, વિનુ મોરડિયા અને દેવા માલમનું આ વખતના મંત્રી મંડળમાં પત્તુ કપાયું છે.

ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની બીજી ટર્મમાં સુરત અને દક્ષિણ ગુજરાતનો દબદબો ફરી એક વાર રહ્યો છે. મુખ્યમંત્રી સહિતના ૧૭ મંત્રી ના નેનો મંત્રી મંડળમાં સુરત શહેર જિલ્લા અને દક્ષિણ ગુજરાતના પાંચ ધારાસભ્યનો સમાવેશ કરાયો છે. અનેક પડકારો છતાં પણ ભાજપનો ગઢ સાબિત થઈ રહેલા સુરતના હવે મંત્રી મંડળમાં દક્ષિણ ગુજરાતનું વજન ફરી એક વાર વધી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.