Western Times News

Gujarati News

50 પ્રેરણાદાયી મહિલાઓને વિમેનલીડ ઇન્ડિયા ફેલોશીપ એનાયત

રિલાયન્સ ફાઉન્ડેશન અને વાઈટલ વોઈસ દ્વારા અપાયેલી ફેલોશિપનો હેતુ નેતૃત્વને મજબૂત બનાવવા અને સપોર્ટ સિસ્ટમ પૂરી પાડવાનો છે

• શિક્ષણ, ગ્રામીણ પરિવર્તન, વિકાસ માટે રમતગમત અને કળા, સંસ્કૃતિ તથા વારસાના જતનના ક્ષેત્રે કામ કરવા માટે વિમેનલીડ ઈન્ડિયા ફેલોના પ્રારંભિક લાભકર્તાને પસંદ કરાયા

• 10 મહિનાના પ્રોગ્રામ દ્વારા ફેલોને અભ્યાસક્રમ પૂરો પાડવામાં આવશે અને વૈશ્વિક નેતાઓ તથા પ્રેરણાત્મક પ્રતિભાઓના નેટવર્ક સાથેનું આદાન પ્રદાન પૂરું પાડવામાં આવશે.

• ફેલોશિપનો હેતુ મહિલા નેતૃત્વ દ્વારા ભારતના વિકાસની ઇકોસિસ્ટમને બહેતર બનાવવાનો છે

મુંબઈ, ભારતમાં સામાજિક પરિવર્તન લાવનારી મહિલા આગેવાનોને સક્ષમ અને સુવિધા પૂરી પાડનારી એક નવી પહેલના ભાગરૂપે એક ફેલોશિપ અને તેની સાથે પૂરી પાડવામાં આવનારી મજબૂત સપોર્ટ સિસ્ટમ આ મહિલાઓની ક્ષમતાને મજબૂત બનાવશે.

રિલાયન્સ ફાઉન્ડેશન અને વાઈટલ વોઈસ ગ્લોબલ પાર્ટનરશિપ દ્વારા શરૂ કરાયેલી સંયુક્ત પહેલ એટલે કે પ્રારંભિક વિમેનલીડ ઈન્ડિયા ફેલોશિપ માટે ભારતના સામાજિક ક્ષેત્રની 50 પ્રેરણાદાયી મહિલાઓની પસંદગી કરવામાં આવી છે.

ભારતમાં મહિલા નેતૃત્વ માટે મહત્વાકાંક્ષી એવા તાકીદના એજન્ડાને આગળ ધપાવવા માટે આ ફેલોશિપ પરિવર્તન લાવનારી મહિલાઓ, સામાજિક સાહસિકો અને સામાજિક ક્ષેત્રના આગેવાનોને સશક્ત બનાવવા તેમનામાં રોકાણ કરે છે. એ સાથે તેમની સામાજિક પહેલને અર્થપૂર્ણ રીતે વિકસાવવા અને સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસના લક્ષ્યોને હાંસલ કરવા માટે એક સપોર્ટ સિસ્ટમ પૂરી પાડે છે.

શિક્ષણ, ગ્રામીણ પરિવર્તન, વિકાસ માટે રમતગમત અને કળા, સંસ્કૃતિ તથા વારસાની થીમ મુજબના તેમના કાર્યો માટેના પ્રારંભિક સમૂહની ફેલો તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ગતિશીલ અને આંતર-પેઢીગત સમૂહ દેશના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં પાયાના સ્તરે કામ કરતા વિવિધ સામાજિક ક્ષેત્રની સંસ્થાઓમાંથી આવે છે. ફેલોના આ સમૂહમાં દક્ષિણ દરિયાકાંઠાના ગામડાઓમાં કચરાના વ્યવસ્થાપનથી લઈને ઉત્તર-પૂર્વ ભારતમાં પોસાય તેવા ઊર્જા સ્ત્રોતો સુધીના વિવિધ મુદ્દાઓ અને ભૌગોલિક ક્ષેત્રો પર કામ કરતી ઉદ્યોગસાહસિક મહિલાઓનો સમાવેશ થાય છે.

દસ મહિનાના સમયગાળા દરમિયાન ફેલોશિપ આ મહિલા નેતાઓને અભ્યાસક્રમ પૂરો પાડવા ઉપરાંત વૈશ્વિક નેતાઓ અને પ્રભાવકોના નેટવર્ક સાથે આદાન પ્રદાન અને આધુનિક તાલીમ પૂરા પાડશે જે સામૂહિક રીતે તેમના જ્ઞાન અને કૌશલ્યોને વધારવામાં મદદ કરશે – તેમાં ઉચ્ચ સામુદાયિક પ્રભાવ હાંસલ કરવા માટેની તમામ જરૂરિયાતોનો પણ સમાવેશ થાય છે.

ફેલોશિપ એવોર્ડ અંગે બોલતાં રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષા શ્રીમતી નીતા એમ. અંબાણીએ જણાવ્યું કે, “પ્રથમ વિમેનલીડ ઈન્ડિયા ફેલોશિપ માટે પસંદ કરાયેલી અનુકરણીય એવી 50 મહિલાઓને મારા અભિનંદન. તેમની પ્રેરણાદાયી યાત્રાઓ અને પરિવર્તનશીલ દીર્ઘદૃષ્ટિ વિશે જાણીને આનંદ થયો. હું આશા રાખું છું કે આ ફેલોશિપ એક બળ પૂરું પાડનારી બનશે જે ભારતભરના સમુદાયો સાથેના તેમના ઉત્કૃષ્ટ કાર્યને વધુ મજબૂત અને વિસ્તૃત બનાવશે. રિલાયન્સ ફાઉન્ડેશન વિમેનલીડ ઈન્ડિયા ફેલોને ટેકો આપવા અને તેમના કાર્યોનો એક ભાગ બનવાની આ અતુલ્ય પહેલમાં વાઈટલ વોઈસ સાથે ભાગીદારી કરવા બદલ ગર્વ અનુભવે છે.”

“હું આ 50 મહિલા આગેવાનોને તેમના સમુદાયમાં લોકો જે પડકારોનો સામનો કરી રહ્યા છે તેનો સામનો કરીને આગળ વધવા બદલ તેમની પ્રશંસા કરું છું. વિમેનલીડ ઈન્ડિયા ફેલોશિપ શું છે તેના તેઓ ઝળહળતા ઉદાહરણો છે અને વાઈટલ વોઈસ તેમની સફરનો એક ભાગ બની રહ્યું છે તેનાથી હું અત્યંત ગર્વની લાગણી અનુભવ્યા વગર રહી શકતી નથી. અમે ફેલોના આ પ્રારંભિક સમૂહમાં લાંબાગાળાનું રોકાણ કરવા માટે ઉત્સાહી છીએ, તેમના માટે અમે માનીએ છીએ કે તેમની શક્તિનો ઉપયોગ લાખો અન્ય લોકોને સશક્ત બનાવવા માટે કરવામાં આવશે,” તેમ વાઇટલ વોઇસીસના સ્થાપક, પ્રેસિડેન્ટ અને સીઇઓ એલીસ નેલ્સને કહ્યું હતું. “આ પ્રતિષ્ઠિત ફેલોશિપમાં ભારતની આગામી પેઢીની મહિલા આગેવાનોને આવકારવા માટે અમે રિલાયન્સ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરવા માટે રોમાંચિત છીએ.”

વિમેનલીડ ઈન્ડિયા ફેલોશિપ સહભાગી-કેન્દ્રિત અભિગમ અપનાવશે, ફેલોને સામાન્ય તેમજ થીમ આધારિત માર્ગદર્શન પૂરું પાડશે. આગામી મહિનાઓમાં આ કાર્યક્રમ વિવિધ વિષયોના ક્ષેત્રો સાથે જોડાવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે, જ્યાં તેઓ ભારતીય અને વૈશ્વિક અનુભવોમાંથી, એકબીજા સાથે અને એકબીજા પાસેથી શીખી શકશે. બહુપક્ષીય અને આંતરશાખાકીય અભિગમ અપનાવીને વિમેનલીડ ઈન્ડિયા ફેલોશિપનો ઉદ્દેશ્ય મહિલા નેતૃત્વ દ્વારા ભારતના વિકાસના ક્ષેત્રની ઈકોસિસ્ટમને મજબૂત કરવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.