Western Times News

Gujarati News

ધુતરાષ્ટ્ર ના બનો …!

પોતાના બાળકની ભૂલો છાવરવા માટે માતાપિતા જયારે પોતાની આંખો બંધ કરી દે છે … ત્યારે રાજા ધુતરાષ્ટ્ર ઉપર જે જે આરોપો લાગ્યા તેવાજ આરોપો માતા પિતા પર લાગે છે .પુત્ર દુર્યોધનને ખુશ કરવાં પિતાએ દિશાહીન રાજા ,અવિવેકી શિષ્ય ,લાલચી ભાઈ ,પુત્રમોહમાં અંધ પિતા ….તમામ આરોપો સ્વીકાર્યા . તેથીજ આજદિન સુધી કોઈ માતાપિતાએ પોતાના પુત્રનું નામ ધુતરાષ્ટ્ર નથી રાખ્યું . પોતાનું બાળક દરેકને વ્હાલું હોય પણ , એના માટે નીતિમત્તાની તમામ હદો વટાવી નાખવી કોઈપણ સંજાેગોમાં સ્વીકાર્ય નથી .પિતાની ફરજ અદા કરતાં પહેલાં એક યોગ્ય અને સંવેદનાસભર મનુષ્ય બનવું વધારે જરૂરી છે .

ધુતરાષ્ટ્ર એટલે મહાભારત ગ્રંથનું એક એવું પાત્ર જેણે ,પોતાનાં સપના પુરા કરવાં પોતાના પુત્રની બલિ ચઢાવી . ધુતરાષ્ટ્ર એટલે એક એવું પાત્ર જેણે ,પોતાનાં પુત્ર દુર્યોધનના અવગુણોને છાવરવા પોતાના અંતરાત્માના અવાજને પણ ના સાંભળ્યો . ધુતરાષ્ટ્ર એટલે એક એવું પાત્ર જેણે પોતાના ગુરુ અને વડીલોની સલાહને અવગણી માત્ર પોતાનાં પુત્રની વાત માની અને એને મોતની નજીક ધકેલ્યો .પોતાનાં સંતાનોની ભૂલોને છાવરવાના બદલે એને સમજાવવાનો પ્રયત્ન કરવો જાેઈએ …. છતાંયે જાે એ એની ખોટી વાતને વળગી રહે તો એને એની વાતમાં કદાપિ સાથ કે મંજૂરી ના આપવી જાેઈએ .

બાળકોની દુનિયા એમનાં સપનાઓથી શણગારેલી હોય છે .એમની દુનિયામાં એના માતા -પિતાના સપનાઓનું સ્થાન કાંઈ ખાસ હોતું નથી .માતાપિતા જેટલું વહેલું સમજે એટલું સારું ….વધતી ઉંમરે બાળકનો સાથ અને સહકાર ઇચ્છતા , મોટાભાગે દરેક માતાપિતાને નિરાશા સાંપડે છે . મારાં નિજી અનુભવ મુજબ બાળકોના જીવનમાં કિશોર અવસ્થા પછી એમના મિત્રોનો અભિપ્રાય એમના માટે વધારે મહત્વનો બની જાય છે .બાળકોના આચાર -વિચાર પર મિત્રોના જીવનની અસર ઘેરી થવાં લાગે છે .બાળકને આવા સંજાેગોમાં કાંઈપણ સમજાવવું ખુબ જ અઘરું છે .ખોટી સોબતના કારણે બાળક અધોગતિના માર્ગે ચાલી નીકળે ત્યારે …. બહુ ઓછા માતાપિતાને એને પાછું વાળી શકે છે .

કેટલીક વાર માતા અને પિતા પોતે પોતાનાં બાળકો સામે પોતાને વધુ સારા સાબિત કરવાની દોડમાં અંદરોઅંદર ઝગડવાં લાગે છે અને પોતે બાળકને વધુ પ્રેમ કરે છે તે સાબિત કરવાં માટેની દોડ લાગે છે .પોતાને વધારે યોગ્ય માતા કે પિતા સાબિત કરવાં જતા ,એક -બીજાની છબી બગાડતા એક ક્ષણ માટે પણ વિચાર નથી કરતાં .આ ઉપરાંત
એકબીજાના નેગેટિવ પોઇંટ્‌સની વારંવાર બાળક સામે ચર્ચા કરતાં બાળક માતા અને પિતા બન્નેને રિસ્પેક્ટ આપવાનું બંધ કરે છે અને બન્ને ઉપરથી વિશ્વાસ ખોઈ બેસે છે .તે પોતાનું મનનું ધાર્યું કરવાં લાગે છે .

બાળકને માતા અને પિતા માંથી જે ઓછી રોકટોક કરતું હોય અને આર્થિક રીતે વધુ મદદ કરતું હોય એની તરફ ઝૂકવા માંડે છે .મોટા ભાગે બાળકને બગાડવામાં માતા અને પિતા માંથી એકનો ભાગ સૌથી વધુ હોય છે …. મહાભારતમાં દુર્યોધન ,માતા ગાંધારીની વાત સહેજ પણ ગંભીરતાથી લેતો નહોતો , અને તે પોતાનાં મોહમાં લિપ્ત થયેલા પિતા ધુતરાષ્ટ્રની વધુને વધુ નજીક ખેંચાતો ગયો હતો …..કારણકે તેની તમામ જીદ પિતા દ્વારા જ પુરી કરવામાં આવતી હતી .પિતા પાસે યેનકેન પ્રમાણે પોતાનું મનનું ધાર્યું કરાવનાર દુર્યોધને ,કોઈ પરિણામની ચિંતા કર્યા વગર જે જે કાર્યો કર્યા …..તેથી એનો અંત નિશ્ચિત બની ગયો હતો .

પિતા ધુતરાષ્ટ્રએ બાળપણથી પોતાના પુત્રને પોતાની પાસે જે છે ,એ વહેંચીને આનંદિત રહેવું એવી ભાવનાનું રોપણ કર્યું હોતતો ,મહાભારતનું યુદ્ધ થયું જ ના હોત .
બાળકમાં શેરિંગની ભાવના બાળપણથી જ રોપવી ખુબ અગત્યની છે .બાળક જયારે આનાકાની કરે ત્યારે એને શેરિંગ કેમ કરવું જાેઈએ એ ઊંડાણપૂર્વક સમજાવવું જાેઈએ .આ વાત ન સમજાનાર બાળક એકલપેટું બની જાય છે અને તેના મિત્રોમાં તે ભળી શકતું નથી .તે પોતાના ભાઈબહેન સાથે અથવા પિત્રાઈ ભાઈબહેન સાથે પણ કશુંજ શેર નથી કરતો હોતો .માતાપિતા પણ બાળકની જીદ સામે હારી જાય છે … ત્યારે …..બહુ નાની ઉંમરમાં બાળક પોતાની નિર્દોષતા અને ભોળપણ ગુમાવી દે છે ,એનામાં કોઈપણ યુક્તિ કે પ્રયુક્તિ કરીને માતાપિતા પાસે પોતાનું ધાર્યું કરાવવાની કુટનીતિના બીજ રોપાઈ જાય છે .

બાળકને સત્ય અને અસત્યનો પરિચય કરાવનાર માતા કે પિતા ભલે બાળકને કડવાં લાગે …પણ એ એના જીવનના સાચા શિલ્પી બનીને રહેશે .બાળકની વિચારધારા અને જીવનમાં આગળ વધવાની રીતને વધુ સુંદર અને સુગમ બનાવવાનું કામ માતાપિતાનું કામ છે .એ રીતમાં બાળક બીજાકોઇનું પડાવી લેવાની વૃત્તિ અને કોઈને અન્યાય કરવાની વૃત્તિને ના અનુસરે એનું ધ્યાન અવશ્ય રાખવું જાેઈએ .

નાનપણથી બાળકની તમામ જીદ પુરી કરતાં અને જરૂર કરતાં વધુ સગવડો આપશો તો ,બાળકને પાંગળું બનતાં કોઈ નહીં રોકી શકે .જે જે વસ્તુ કાંઈ પણ મહેનત કર્યા વગર મળે છે ,તેની કોઈ કિંમત બાળકને મન હોતી નથી એ હકીકત છે .બાળક દુનિયાની દરેક પરીક્ષામાં કે દોડ માં પ્રથમ આવે અથવા સફળ થાય એવું તો દરેક માતા પિતા ઇચ્છતા હોય જ ,
પરંતુ , સફળતાની કિંમત બાળક પુરેપુરી ચૂકવે પછી જ એને પામે એ જાેવાની જવાબદારી માતાપિતાની જરૂર છે . જીવનમાં મહાભારત જેવા યુદ્ધોનો સામનો ના કરવો હોય તો ,
માતાપિતા એ રાજાધુતરાષ્ટ્રની જેમ મનની આંખો બંધ ના રાખવી જાેઈએ અને બાળકને સાચા -ખોટાની સમજણ આપી એને સમાજની ભૂમિ પર યોગ્ય વ્યક્તિ બનવાની પ્રેરણા આપી ઉતારવો જાેઈએ . મહાભારત જેવા મહાન ગ્રંથમાંથી મળતાં મહત્વના બોધ માંથી આ એક અગત્યનો બોધ છે .જે આજના સમયમાં દરેક માતાપિતાએ જીવનમાં ઉતારવાં જેવો છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.