Western Times News

Latest News in Gujarat

ભણવા બાબતે ઠપકો આપતા ૧૪ વર્ષીય કિશોર ઘર છોડી ભાગ્યો

માતાએ રોકવાનો પ્રયત્ન કરતાં ઘરનો દરવાજા લોક કરી દીધો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : કાગડાપીઠ પોલીસની હદમાંથી અપહરણ થયેલા બાળકોના અપહરણકારો મળી આવ્યા નથી. એ પછી એક જ દિવસમાં ત્રણેક જેટલા બાળકોના અપહરણની ફરીયાદ પણ નોંધાઈ હતી. આ ઘટનાઓ હજુ તાજી જ છે ત્યાં બીજી એક વધુ ઘટના શાહપુરમાં બનવા પામી છે. શાહપુરમાંથી વધુ એક ૧૪ વર્ષના બાળકના અપહરણની ફરીયાદ આવતા ચકચાર મચી જવા પામી છે. અને પોલીસે સક્રિય થઈને બાળકની શોધ કરી છે.

આ ઘટનાની વિગત એવી છે કે ધવલભાઈ મહેતા (૪ર) શાહપુર ખાતે રહે છે. તેમને સંતાનમાં બ દિકરા છે. મોટો ૧૪ વર્ષીય અનુરાગ, કે જે ગાંધીનગરના અમિયાપુર ખાતે અભ્યાસ કરે છે.

એ ત્રણેક મહિનાથી ઘરે જ હતો. દરમ્યાનમાં શનિવારે ધવલભાઈ પોતાની કાપડની દુકાને હાજર હતા એ વખતે તેમની પત્નીએ ફોન કરીને જણાવ્યુ હતુ કે અનુરાગ પોતાનો થેલો પેક કરીને ઘરેથી ક્યાંક જતો રહ્યો છે. ધવલભાઈ તાબડતોબ ઘરે પહોંચી ગયા હતા.

જ્યારે તેમને જાણવા મળ્યુ હતુ કે અનુરાગ પોતાના કપડાં થેલામાં પેક કરીને ક્યાંક જતો રહ્યો હતો. માતા રીન્કુબેને પૂછપરછ કરતાં હું ઘર છોડી જાઉં છું. તેમ કહી ઘરનો દરવાજા બહારથી લોક કરીને જતો રહ્યો હતો. આ ઘટના બાદ તેમણે પોલીસને જાણ કરી હતી.ે ફરીયાદમાં ઉલ્લેખ કરાયા મુજબ અગાઉ પણ અનુરાગને ભણવા બાબતે ઠપકો આપતાં તે ઘર છોડીને ભાગી ગયો હતો. પરંતુ જાતે પરત આવી ગયો હતો.