દવાઓની સંગ્રહખોરી ન કરવીઃકેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ
(એજન્સી)અમદાવાદ, ચીન સહિતના દેશોમાં કોરોનાએ ફરી માથું ઉંચકતા હાહાકાર મચ્યો છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશનું આરોગ્ય તંત્ર એલર્ટ પર છે. તેવામાં કેમિસ્ટ એસોસિએશનના ચેરમેનનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
કોરોનાના વધતા કેસ સામે ગુજરાતમાં પૂરતો દવાનો સ્ટોક છે. જેથી કોઈએ પણ બિનજરૂરી દવાઓનો સંગ્રહ કરવાની જરૂર નથી. કોરોના ફરી રિટર્ન થતા સમગ્ર દુનિયામાં ભયભીત બની છે. ભારતમાં અને ગુજરાતમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. સરકારી આરોગ્ય તંત્રની સાથે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.
ગુજરાતના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં દવાઓની વ્યવસ્થા પૂરતી કરવામાં આવી છે. જેમાં એજિથ્રોમાઇસિન, શિફેક્શિન, એમઓક્સિલીન સહિતની દવાઓ ઉપલબ્ધ છે.
દરેક મેડિકલ સ્ટોર પર દવાઓનો પૂરતો સ્ટોક છે. દવાઓની ખોટી સંગ્રહખોરી ન કરવા તેઓએ સૂચન કર્યું છે. જરૂરિયાત મુજબ દવાઓનો સ્ટોક રાખવા મેડિકલ સ્ટોરના માલિકોને સૂચના આપવામાં આવી છે.
કોરોનામાં ઉપયોગી એન્ટિબાયોટિક ઇન્જેક્શનનો જથ્થો પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. એન્ટિએલર્જિક ટેબ્લેટ પણ રાજ્યમાં પૂરતા પ્રમાણમાં હોવાનું તેમણે જણાવ્યું છે. માત્ર દવાઓ જ નહીં, બજારમાં માસ્કનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવા મેડિકલ સ્ટોરના માલિકોને સૂચના આપવામાં આવી છે.
મહત્વનું છે કે, કોરોનાની પહેલી, બીજી અને ત્રીજી લહેરમાં લોકોએ દવાઓનો બિનજરૂરી સ્ટોક કરી લીધો હોવાની ઘટનાઓ બની હતી અને તેના કારણે માર્કેટમાં દવાઓનો સ્ટોકની અછત જાેવા મળી હતી. હવે જ્યારે ફરી કોરોના માથું ઊંચકી રહ્યો છે, ત્યારે તંત્ર પહેલેથી જ એલર્ટ છે. ત્યારે અત્યારથી જ દવાઓની સંગ્રહખોરી ન કરવા અને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે.