Western Times News

Gujarati News

વેદાંત દર્શનના આધારે ભારતમાં વિવિધ સંપ્રદાયોની સ્થાપના થઈ

પ્રાચીન દર્શનશાસ્ત્ર અને સ્વામિનારાયણ દર્શન

તત્ત્વજ્ઞાન સાધક શાસ્ત્રોને દર્શનશાસ્ત્ર કહેવામાં આવે છે. જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધો વિશે અભ્યાસ કરનાર શાસ્ત્રને દર્શનશાસ્ત્ર કહેવામાં આવે છે. હિન્દુ દર્શનનું મૂળ વેદ-ઉપનિષદ છે. વેદપ્રણીત પ્રધાન છ દર્શન હતા.  ૧. કપિલ મુનિ સ્થાપિત સાંખ્ય દર્શન, ૨. પતંજલિ ઋષિનું યોગ દર્શન, ૩. કણાદ મુનિનું  વૈશેષિક દર્શન, ૪. ગૌતમ મુનિનું ન્યાય દર્શન, ૫. જૈમિનીનું  કર્મ  મીમાંસા દર્શન ૬. મહર્ષિ વ્યાસનું વેદાંત દર્શન

વેદાંત દર્શનના આધારે ભારતમાં વિવિધ સંપ્રદાયોની સ્થાપન થઈ છે. જે વેદાંત દર્શનની શાખાઓ છે. જેમાં પ્રથમ આદિ શંકરાચાર્યનું અદ્વૈત દર્શન, રામાનુજાચાર્યનું વિશિષ્ટા દ્વૈત દર્શન, નિમ્બાર્કાચાર્ય દ્વૈતાદ્વૈત દર્શન, મધ્વાચાર્યનું દ્વૈત દર્શન, ચૈતન્યમહાપ્રભુનું અચિંત્યભેદા ભેદ દર્શન, આ જ શ્રુંખલામાં પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણે વૈદિક અને સનાતન એવા સ્વતંત્ર અક્ષરપુરુષોત્તમ દર્શનની ભેટ આપી છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણ ઉદબોધેલું સ્વામિનારાયણ દર્શન એટેલે કે અક્ષરપુરષોતમ દર્શન જેનું આ પૃથ્વી પર મૂર્તિમંત પ્રવર્તન બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે કર્યું. અને આ દર્શનનું વિશ્વમાં  પ્રવર્તન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કર્યું. આ દર્શનનું શાસ્ત્રીય રીતે પ્રતિપાદન કરતાં મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી પ્રસ્થાનત્રયી ભાષ્યોની રચના કરી છે.

પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શન એક વૈદિક સનાતન દર્શન છે. તેમજ એક વિશિષ્ટ, મૌલિક અને અન્ય દર્શનોથી વિલક્ષણ દર્શન છે. પ્રસ્થાનત્રયી સ્વામિનારાયણ ભાષ્યના નિર્માણથી અક્ષરપુરુષોત્તમ દર્શન યાવત્ચંદ્રદિવાકરૌ રહેશે તે નિર્વિવાદ સત્ય છે.

સ્વામી ભદ્રેશદાસજી દ્વારા આ એક વિશિષ્ટ સિદ્ધાંતપ્રવર્તક યુગકાર્ય સંપન્ન થયું છે. આદિ શંકરાચાર્યની જેમ તેઓની શાસ્ત્રપ્રણયન શૈલી સરળ, સ્પષ્ટ, અર્થગંભીર, પ્રસાદમધુર, દ્વેષાદિ દોષરહિત તથા સ્વસિદ્ધાંત સ્થાપન માટે સમર્થ છે એવી આ ગ્રંથોનું અવલોકન કરનાર સર્વે વિદ્વાનોની અનુભૂતિ છે.

સંપૂર્ણ પ્રસ્થાનત્રયીના ભાષ્યોનું પ્રણયન કરનાર મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય ઇત્યાદિ આચાર્યોની પંક્તિમાં પ્રવેશ કરવા માટે સર્વથા યોગ્ય છે. આથી તેઓ ભાષ્યકાર મહાચાર્યની પદવી શોભાવી રહ્યા છે એવો અમારા સર્વ વિદ્વાનોનો હૃદયનો અભિપ્રાય છે.

આ અક્ષરપુરુષોતમ દર્શન પ્રતિપાદન કરનાર  મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીનો ટૂંકો પરિચય

પૂજ્ય ભદ્રેશસ્વામી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહરાજના વરદ હસ્તે 1981 માં દીક્ષા ગ્રહણ કરી.. વર્ષ 2005 માં કર્ણાટક યુનિવર્સિટી માંથી ભગવત ગીતા ઉપર પીએચ. ડી. કર્યું. વર્ષ 2007 માં સ્વામિનારાયણ ભાષ્યની રચના કરી.  2010 માં કવિગુરુ કાલિદાસ સંસ્કૃત યુનિવર્સિટી, નાગપુર માંથી ડી. લિટ.ની પદવી મેળવેલ છે.

યુનિવર્સિટી ઓફ મૈસૂર દ્વારા દર્શન કેસરી તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.  અને પ્રો. જી. એમ. મેમોરિયલ એવાર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ફિલોસૉફિકલ રિસર્ચ, નવી દિલ્હી દ્વારા લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.

આ પુરાંત ભારતની ઘણી બધી યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે. વર્ષ 2015 માં વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ બેંગકોંગમાં વેદાંત મહંતથી નવાજવામાં આવ્યા છે. ચાલુ વર્ષે ઇન્ડોનેસિયન બાલી ખાતે મળેલ G20 દેશોની ધર્મપરિષદ ભારતનું પ્રતિનિધિત્વ કરેલ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.