Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પ્રમુખ સ્વામી મહોત્સવથી વલસાડ જઈ રહેલી લકઝરી સાથે ફોર્ચ્યુનરનો અકસ્માતઃ 9 મોત

કાર – લકઝરી બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 9નાં મોત -મળસ્કે સર્જાયેલા અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં ચકચાર-અંકલેશ્વરની ફાર્મા કંપનીના કર્મચારીઓ કારમાં મુંબઈથી પરત ફરી રહ્યા હતા

29 જેટલા અન્ય મુસાફરોને પણ નાની – મોટી ઈજા પહોંચતાં તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ

પ્રમુખ સ્વામી મહોત્સવથી વલસાડ જઈ રહેલ લકઝરી બસ સાથે અકસ્માત-ગમખ્વાર અકસ્માતને પગલે નવસારી હાઈવે પર કલાકો સુધી ટ્રાફિકજામ

NH48 પર વેસ્મા નજીક કાર અને બસ વચ્ચે અકસ્માતમાં 9 લોકોનાં મોત -સ્પીડમાં જઈ રહેલી કારે ડિવાઈડર કૂદીને બસને ટક્કર મારતાં સર્જાયો અકસ્માત- અકસ્માત બાદ બસ ચાલકને હાર્ટ એટેક આવતાં મોત

(પ્રતિનિધિ) સુરત,  નવસારીના પરથાણ ગામે શનિવારે વહેલી સવારના સમયે ફોર્ચ્યુનર કાર અને લકઝરી બસ વચ્ચે ગોઝારા અકસ્માતને પગલે 9નાં કરૂણ મોત નિપજ્યા હતા. મુંબઈથી સુરત તરફ આવી રહેલા કારના ચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઈડર કુદાવીને અમદાવાદથી વલસાડ તરફ જઈ રહેલી લકઝરી બસ સાથે ધડાકાભેર અથડાતાં ગોઝારો અકસ્માત સર્જાવા પામ્યો હતો.

દુર્ઘટનાને પગલે હાઈવે પર કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો વચ્ચે પોલીસ અને સ્થાનિકો દ્વારા ભારે જહેમત બાદ કારમાં સવાર યુવકોના મૃતદેહોને બહાર કાઢવા માટેની જહેમત ઉઠાવવામાં આવી હતી.

બીજી તરફ બસમાં સવાર ડ્રાયવરનું પણ હાર્ટ એટેક આવતાં મોત નિપજ્યું હતું જ્યારે 29 જેટલા અન્ય મુસાફરોને પણ નાની – મોટી ઈજા પહોંચતાં તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ મોતને ભેટેલા લોકોના પરિવારને 2 લાખ અને ઘવાયેલાને 50 હજાર આપવાની જાહેરાત કરી છે.

અંકલેશ્વર ખાતે આવેલ પ્રો લાઈફ કેમો ફાર્મા કંપનીના કર્મચારીઓ ગત મોડી રાત્રે મુંબઈથી પરત ફરી રહ્યા હતા. આ દરમ્યાન નવસારીના વેસ્મા પાસે આવેલ પરથાણ ગામ પાટીયા પાસે અચાનક ફોર્ચ્યુનર કાર (જીજે 16 ડીજી 8013)ના ચાલક નીતિન ઘનશ્યામ પાટીલની આંખો ઘેરાવા લાગી હતી અને તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો.

બેફામ દોડી રહેલી કાર અચાનક ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાયા બાદ રોંગ સાઈડમાં સામેથી આવતી લકઝરી બસ (જીજે 09 એયુ 9597) સાથે અકસ્માત સર્જાવા પામ્યો હતો. મળસ્કે 3.15 કલાકે સર્જાયેલા આ અકસ્માતને પગલે કારમાં નિંદ્રાધીન તમામ મુસાફરો પૈકી 29ને નાની – મોટી ઈજાઓ પહોંચી હતી.

દુર્ઘટનાની જાણ થતાં જ નવસારી પોલીસના ઉચ્ચાધિકારીઓ સહિત જિલ્લાનું વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું. બીજી તરફ દુર્ઘટના અંગે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં લકઝરી બસમાં સવાર તમામ ઘાયલોને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે યશફીન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ ફોર્ચ્યુનર કારમાં સારવાર ફાર્મા કંપનીના તમામ કર્મચારીઓ પૈકી એક માત્ર યુવકનો ચમત્કારિક બચાવ થયો હતો. તેને મલ્ટીપલ ફેક્ચર થતાં સઘન સારવાર માટે સુરત ખાતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સિવાય ફોર્ચ્યુનર કારમાં સવાર કાર ચાલક નીતિન પાટીલ, જયદીપ પેથાણી, ધર્મેશ શેલડિયા,

જગદીશ રસિક દુધાત, જયદીપ ગોઘાણી, મયુર વવૈયા, નવનીત ભદીચરા અને પ્રજ્ઞેશ વેકરિયાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે લકઝરી બસમાં ડ્રાઈવર કેબિનમાં સવાર વલસાડના કોલક ગામના ગણેશ ટંડેલનું પણ મોત નિપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વલસાડ ખાતે આવેલ કોલક ગામના (Villagers of Kolak in Valsad District) રહેવાસીઓ અમદાવાદના ઓગણજ ગામે આયોજીત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ (Pramukh Swami Mahotsav 100 years BAPS) માટે ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વેળા આ અકસ્માત સર્જાવા પામ્યો હતો. દુર્ઘટનાને પગલે કોલક સહિત સમગ્ર વલસાડ પંથકમાં પણ ચકચાર મચી જવા પામી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers