Western Times News

Gujarati News

રાજકોટનો તાળા રિપેરીંગ કરનારો બની ગયો બનાવટી ડેન્ટિસ્ટ !

(એજન્સી)રાજકોટ, ૨૧ વર્ષીય જગ્ગન સિંહ ખિચીનું મૂળ કામ તો તાળા રિપેર કરવાનું અને ચાવી બનાવવાનુ હતું પરંતુ એક દિવસ તેને કંઈક વિચાર આવ્યો અને રાજકોટ શહેરના કેનાર રોડ પર આવીલ પદ્મકુંવરબા હોસ્પિટલની બહાર ફૂટપાથ પર દાંતનુ દવાખાનું ખોલીને બેસી ગયો.

ડેન્ટિસ્ટ બનવા માટે વિદ્યાર્થીઓ ધોરણ ૧૨માં મહેનત કરે છે, પૈસા ખર્ચીને અભ્યાસ કરે છે, ઈન્ટર્નશિપ કરે છે અને પછી ડોક્ટર બને છે, પરંતુ ૨૧ વર્ષીય જગ્ગન કંઈ જ કર્યા વગર બસ આપમેળે ડોક્ટર બની ગયો.

લગભગ દોઢ મહિનાથી જગ્ગન સિંહનું આ દવાખાનુ ચાલી રહ્યુ હતું. દાંતની સમસ્યા લઈને આવનારા દર્દીઓને તે દવા લખી આપતો હતો. આટલુ જ નહીં, તે ચોકઠા પણ બનાવી આપતો હતો. પરંતુ શનિવારના રોજ જગ્ગન સિંહની હકીકત સામે આવી ગઈ.

બનાવટી ડોક્ટરે એક દર્દી માટે ચોકઠુ બનાવ્યુ હતું અને પછી તે દર્દીને સમસ્યા થતા સમગ્ર હકીકતનો ખુલાસો થયો હતો. છ-ડિવિઝન પોલીસે જગ્ગન સિંહ ખિચીની ધરપકડ કરી છે. મેડિકલ ડિગ્રી વિના સારવાર કરવાના આરોપસર કાર્યવાહી કરવામાં આવી છે.

૫૮ વર્ષીય સામજી રાઠોડે જગ્ગન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. સામજી રાઠોડને ચાની લારી વાળાએ ચોકઠા માટે જગ્ગનનું સરનામુ આપ્યુ હતું. ૨૦મી ડિસેમ્બરના રોજ સામજી પોતાના પત્ની સાથે જગ્ગનને મળવા પહોંચ્યા હતા. જગ્ગન ખિચીએ સામજીને જણાવ્યું કે, મેં અત્યાર સુધી ઘણાં લોકોના ચોકઠા બનાવ્યા છે

અને મને આ કામમાં ઘણો સારો અનુભવ છે. તેણે સામજીના જડબાનું માપ લીધું અને ચોકઠું તૈયાર કરી આપ્યું. આ માટે તેણે ૩૩૦૦ રુપિયા પણ લીધા હતા. ૨૬મી ડિસેમ્બરના રોજ સામજી રાઠોડને મોઢામાં અલ્સર થઈ ગયું અને જડબામાં જબરદસ્ત દુઃખાવો પણ શરુ થઈ ગયો હતો.

તેઓ જગ્ગન પાસે પહોંચ્યા અને ફરિયાદ કરી હતી. જગ્ગને તેમને સાંત્વના આપી કે ચોકઠું બરાબર બેસી ગયું છે, ૧૦ દિવસમાં આ દુખાવો દૂર થઈ જશે. સમયની સાથે દુઃખાવો ઘટવાના સ્થાને વધવાને કારણે ફરિયાદીએ અન્ય ડોક્ટરની મુલાકાત લીધી. ડોક્ટરે સામજી રાઠોડને જણાવ્યું કે જેમની પાસે તેમણે સારવાર કરાવી હતી તેની પાસે મેડિકલ અથવા ડેન્ટિસ્ટ્રીનું કોઈ જ જ્ઞાન નથી. સામજી રાઠોડે ત્યારપછી ફરિયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.