Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

એક સમયે દુકાનમાંથી ટેબલ  ટેનિસના બોલની ચોરી કરવાનું મન થયુ અને આજે સાધુ બની ગયા

File

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે બાળકોમાં સંસ્કાર સિંચવાનું અદભુત કાર્ય કર્યું છે.  એક માતા પિતાની જેમ જ વાણી વિવેક, ચોરી ન કરવી, સ્વાવલંબી જીવન, આદર્શ વર્તન , એકતા, સાદગી, કુસંગ ત્યાગ , માતા પિતા અને વડીલો નો આદર, અને ચારિત્ર્યવાન બનવું આવા કંઇક કેટલાય સંસ્કાર પ્રમુખસ્વામી મહારાજે બાળકોમાં સિંચ્યા છે.

પ્રમુખસ્વામી મહરાજ લંડનમાં બિરાજમાન હતા. આ સમયે એક તિલક નામના બાળકને વિચાર આવ્યો કે પ્રમુખસ્વામી મહારાજની પૂજામાં જે પુષ્પો આવે છે તેની સેવા આપડે કરવી છે. આજુબાજુના બધા ઘરોમાં ફરીને તેમનો સંપર્ક કરીને બધા ઘરેથી થોડા થોડા ફૂલ લેવા માટે નક્કી કર્યું .

એક દિવસ વધારે ફૂલો આવતા પ્રમુખસ્વામી મહારાજે  તિલકને પૂછ્યું આજે કેમ વધારે ફૂલ છે ત્યારે આ બાળકે કહ્યું આજે બીજા ફૂલો ખીલ્યા હતા જે લઈ આવ્યા, ત્યારે પ્રમુખસ્વામી મહારાજે પૂછ્યું માલિકને પૂછીને લીધા કે પૂછ્યા વગર  ત્યારે બાળક કઈ જવાબ ના આપી શક્યો અને માથું નીચું કરીને ઊભો રહ્યો,

આ સમયે પ્રમુખસ્વામી મહારાજે પ્રેમથી બાળકને સમજાવતા કહ્યું પૂછ્યા વગર લેવું તે ચોરી કહેવાય. આ બાળકને ટેબલ ટેનિસ રમવાનો ખૂબ શોખ હતો એક દિવસ આ બાળક ટેબલ  ટેનિસના બોલ લેવા માટે દુકાન પર જાય છે, દુકાન પર કોઈ હતું નહીં ને  બાળકને ઉતાવળ હતી, એટલે પ્રથમ બાળમાનસથી વિચારતા બોલ લઈ ખિસ્સામાં નાખવાનો પ્રયત્ન કર્યો ત્યારે બાળકને પ્રમુખસ્વામીનાએ વચનો યાદ આવ્યા અને બોલ મૂકી દીધા આ બાળક મોટો થઈને સાધુ થયા આ બાળક એટલે પૂજ્ય  બ્રહ્મવિહારી સ્વામી.

આમ પ્રમુખસ્વામી મહારાજ બાળકોને પ્રેમપૂર્વક સાચવતા અને સાથે સાથે સંસ્કારનું પણ સિંચન કરતાં . પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આવા હજારો બાળકોને હૂંફ અને પ્રેમ આપી સંસ્કારોનું સિંચન કર્યું છે.

એક કાચનો ગ્લાસ નંદવાય નહિ તે માટે કેટલા સજાગ રહીએ છીએ. તો આપણા બાળકના સંસ્કારો નંદવાય નહિ તેની થોડી પણ દરકાર નહિ ?… માટે મા-બાપે જાગ્રત થઈ બાળકના સંસ્કાર માટે કટિબદ્ધ થવાનું હોય છે. બાળકની પ્રગતિ કે અધોગતિ માટે મા-બાપ પણ જવાબદાર નીવડે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers