Western Times News

Gujarati News

“આપણાં શિક્ષણને ‘કોલોનિયલ’ પ્રભાવમાંથી મુક્ત કરવું પડશે.”: જે. પી. સિંઘલ

પ્રમુખસ્વામી  મહારાજ  નગરમાં  ૨  જાન્યુઆરી, ૨૦૨૩, સોમવારના રોજ યોજાયેલ એકડેમિક કોન્ફરન્સ વિષય: શિક્ષણમાં અધ્યાત્મ.

આજે ગુજરાત રાજ્ય મહાવિદ્યાલય શૈક્ષણિક સંઘ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના ઉપક્રમે  ગુજરાતના ઉપકુલપતિઓ, પ્રિન્સિપાલ અને શિક્ષકોની એકેડેમિક કોન્ફરન્સ યોજાઇ ગઈ.

ગુજરાત રાજ્ય મહાવિદ્યાલય શૈક્ષણિક સંઘના પ્રમુખ  શ્રી રોહિત દેસાઇએ જણાવ્યું,

“હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાંથી હકારાત્મક ઉર્જા લઈને નીકળીએ. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ તો આપવામાં આવે છે પરંતુ, પ્રમુખસ્વામી મહારાજે  સમાજમાં વિવિધ કાર્યો જેવા કે વ્યસનમુક્તિ અભિયાન, રાહતકાર્યો અને નાઈ ઉત્કર્ષ કાર્યક્રમો દ્વારા મૂલ્ય નિષ્ઠ શિક્ષણ પૂરું પાડ્યું. સમાજ અને દેશના વિકાસ માટે આપણે મૂલ્યનિષ્ઠ શિક્ષણ પૂરું પાડવાનું ધ્યેય રાખવું જોઈએ. “

BAPSના પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું,

“શિક્ષણથી માનવી સુધરેલો બને છે, અને તેમાં આધ્યાત્મિકતા ઉમેરવાથી તે દિવ્યતાનો સ્પર્શ પામે છે. ડૉ. કલામે પ્રમુખસ્વામી મહારાજને વિશ્વગુરુ તરીકે ઓળખાવ્યા. ડૉ. કલામની ઈચ્છા હતી કે શિક્ષણનું કાર્ય કરતાં કરતાં તેઓનું આયુષ્ય પૂરું થાય.આપણા સમયના નેતૃત્વના બે જ્વલંત ઉદાહરણ એવા પ્રમુખસ્વામી મહારાજ અને ડૉ. કલામે શિક્ષણ જગતની અગત્યતા સમજાવી છે.”

  અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ શ્રી જે. પી. સિંઘલે જણાવ્યું,

“આપણે આપણાં સાંસ્કૃતિક મૂળિયાં આપણાં શાસ્ત્રોમાંથી દ્રઢ કરવાની જરૂર છે. આપણાં શિક્ષણને ‘કોલોનિયલ’ પ્રભાવમાંથી મુક્ત કરવું પડશે.”

સ્ટેટ પાર્લમેન્ટરી અફેર્સ મંત્રી (પ્રાઇમરી, સેકન્ડરી, અને પ્રૌઢ ઉચ્ચ શિક્ષણ) શ્રી પ્રફુલ પાંચશેરિયાએ  જણાવ્યું,

“ આધ્યાત્મિક શિક્ષણનો અભાવ ઉચ્ચ શિક્ષિત લોકોમાં પણ  આત્મહત્યા જેવા બનાવો માટે કારણભૂત છે. વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સમન્વય જરૂરી છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના ત્રીજા નિયમની સાથે કર્મ સિદ્ધાંત સમજવો પણ જરૂરી છે. પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી અહંશૂન્ય થવાનું શીખીને વિદ્યાર્થીઓના હિતનો વિચાર કરવો જોઈએ.  ”

 HNGU ના ઉપ-કુલપતિ શ્રી જે. જે. વોરાએ જણાવ્યું, “ ૮૦,૦૦૦ સ્વયંસેવકોના અભૂતપૂર્વ સમર્પણને હું બિરદાવું છું. દિવ્ય શક્તિના પ્રવેશથી આવી એકતા, સર્જનાત્મકતા અને પુરુષાર્થ સંભવિત બને છે.”

ચારુતર વિદ્યામંડલના ચેરમેન શ્રી ભીખુભાઈ પટેલે જણાવ્યું,

“ ભારતમાં અનેકવિધ મહાન  શૈક્ષણિક સંસ્થાઓના કેન્દ્ર બનેલા વિદ્યાનગરનું ભાગ્ય છે કે પ્રમુખસ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ તેને સાંપડેલા. BAPSના ૧૨૦૦ સાધુઓમાંથી ૧૩૫ વિદ્યાનગરના અક્ષર પુરુષોત્તમ છાત્રાલયના છે. અમારા માટે ગૌરવની વાત છે કે BAPSના વર્તમાન ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વિદ્યાનગરની શૈક્ષણિક સંસ્થાઓમાંથી એકના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે.”

પ્રોફેસર ડૉ. ચાંદકિરણ સલુજાએ જણાવ્યું, “સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોના અધ્યયન બાદ મને લાગ્યું કે સંતો દ્વારા શિખવાડવામાં આવતાં પાઠ કેવી રીતે આપણી સંસ્કૃતિના મૂળિયાં મજબૂત કરી રહ્યા છે.”

PDEU ગાંધીનગરના PHD પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પ્રોફેસર એ. સી. બ્રહ્મભટ્ટે જણાવ્યું, “ડૉ. કલામે જ્યારે ૩૦ જૂન, ૨૦૦૧ ના રોજ પ્રમુખસ્વામી મહારાજને ભારતના વિકાસ માટે પાંચ ક્ષેત્રો જણાવ્યા, ત્યારે પ્રમુખસ્વામી મહારાજે લોકોને સુવિકસીત કરવા તેમનામાં છઠ્ઠી બાબત એટલે કે આધ્યાત્મિકતા ઉમેરવાની વાત કરી હતી. “

CUGના ઉપ-કુલપતિ પ્રોફેસર રામશંકર દુબેજીએ જણાવ્યું,

“નાલંદા અને તક્ષશિલા જેવી યુનિવર્સિટીઓ સર્વતોમુખી શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. ખરું શિક્ષણ ઘરથી શરૂ થાય છે. આપણી સંસ્કૃતિ જાળવીને વિશ્વમાનવ થવાનું છે.”

પ્રોફ. ડૉ નવીન શેઠ, પૂર્વ ઉપ-કુલપતિ,

GTUના ઉપ-કુલપતિ પ્રોફેસર નવિન શેઠે જણાવ્યું, “આઝાદીના અમૃત મહોત્સવની સાથે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના સાક્ષી બનવા બદલ આપણે સૌ ભાગ્યશાળી છીએ.”

ગુજરાત RSSના ડૉ. જયંતીભાઈ ભાડેસીયા, પ્રોફેસર ભગવતીપ્રસાદ શર્મા તથા કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી યોગી ત્રિવેદીએ પણ આધ્યાત્મિક મૂલ્ય યુક્ત શિક્ષણની તાતી આવશ્યકતા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

BAPS ના પૂ. ડૉ જ્ઞાનવત્સલ સ્વામી જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે અને લક્ષણ સાથેનું શિક્ષણ ભક્ષણ કરે.”

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી, અમિટી સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન ફાઉન્ડેશન (ASTIF)ના પ્રમુખ શ્રી વિલિયમ સેલ્વ મૂર્તિએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને ખૂબ જ દિવ્યતા અને ભવ્યતાનો અનુભવ થયો છે.

આ પ્રમુખસ્વામી મહારાજ નગર એ પવિત્ર નગર છે. પ્રમુખસ્વામી મહારાજ સાથે મારો નાતો છેલ્લા ૨૦ વર્ષથી છે અને ડોક્ટર કલામ સાહેબ સાથે ઘણી વાર અક્ષરધામ મંદિરના દર્શન પણ કર્યા છે. પ્રમુખસ્વામી મહારાજ પુણ્યાત્મા હતા અને તેમણે “સર્વ ભવન્તુ સુખિન:” ની ભાવનાથી અનેક લોકોનું જીવન પરિવર્તન કર્યું છે.

પ્રમુખસ્વામી મહારાજ અવતાર પુરુષ હતા જેમણે તેમના પ્રેમ અને કરુણાથી સમગ્ર માનવજાતનો ઉદ્ધાર માટે પુરુષાર્થ કર્યો છે અને તેમની ભાવના “બીજાના ભલામાં આપણું ભલું” હતી માટે અનેક કુદરતી આપત્તિઓમાં પ્રમુખસ્વામી મહારાજ મદદ માટે હંમેશા આગળ આવ્યા છે. વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિરના નિર્માતા પ્રમુખસ્વામી મહારાજ છે.

પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે,”જો આપણે ભગવાને દર્શાવેલા પથ પર ચાલીશું અને સારા કાર્યો કરીશું તો જ આપણું જીવન સાર્થક ગણાશે.” અને એ જ ભાવના સાથે તેમને બાળકોને સારા સંસ્કારો આપ્યા છે અને આ જ આધ્યાત્મિક શક્તિ ના આધારે ભારત “વિશ્વગુરુ” બનશે.”

MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટીના સ્થાપક અને પ્રમુખ આદરણીય પ્રોફ. ડૉ વિશ્વનાથ કરાડે જણાવ્યું,

“આજે મારા માટે સૌભાગ્યનો દિવસ છે કે અહીં પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને સનાતન ભારતીય સંસ્કૃતિના દર્શન કર્યા. આ પ્રમુખસ્વામી મહારાજે બનાવેલા ૧૧૦૦ થી વઘારે મંદિરો અને પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સ્વર્ગની અનુભૂતિ થાય છે કારણકે પ્રમુખસ્વામી મહારાજ પવિત્ર આત્મા હતા. પ્રમુખસ્વામી મહારાજની મહા મૂર્તિ જોઈને તેમની આંખોમાંથી દિવ્ય તેજ અનુભવાય છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.