Western Times News

Gujarati News

મ્યુનિ. સ્કૂલબોર્ડની 459માંથી 217 શાળાઓને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં આવરી લેવાઈ

4 smart school in ahmedabad

પ્રતિકાત્મક

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતાં ભૂલકાંઓના ઉજ્જવળ ભાવિના ઘડતર માટે ઉચ્ચ સ્તરનું શિક્ષણ ખાસ જરૂરી છે. આ માટે સત્તાધીશો પણ એક અથવા બીજા પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે.

સાવ મફતમાં શિક્ષણ મેળવવાની સાથે અનેક સરકારી યોજનાઓનો લાભ પણ મળતો હોઈ હવે ઘણા વાલીઓ ખાનગી શાળાઓનો મોહ છોડીને મ્યુનિસિપલ શાળામાં પોતાનાં સંતાનોને પ્રવેશ અપાવી રહ્યા છે.

આ શાળાઓમાં ભણતાં વધુ ને વધુ બાળકો સ્માર્ટ શિક્ષણ મેળવી રહ્યાં છે. હવે રાજ્ય સરકારના મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ કુલ ૨૧૭ શાળાઓને આવરી લેવામાં આવી હોઈ આ બાબત વાલીઓ માટે ઉત્સાહવર્ધક છે.

સ્કૂલબોર્ડ દ્વારા સ્માર્ટ સ્કૂલ પ્રોજેકટ વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન શરૂ કરાયો હતો, જે અંતર્ગત કાંકરિયાની શાળા નં.૫-૬ને પહેલી સ્માર્ટ શાળા બનાવાઈ હતી. હવે સ્કૂલબોર્ડના શાસકોએ કુલ ૬૨ શાળાને સ્માર્ટશાળામાં ફેરવી હોઈ હજારો વિધાર્થીઓને સ્માર્ટ શાળાની અનેક લાક્ષણિકતાઓનો લાભ મળી રહ્યો છે.

આ ઉપરાંત રાજ્ય સરકારના મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ બાળકોને વધુ ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવા માટેના પ્રયાસ શરૂ થઈ ચૂક્યા છે. સ્કૂલબોર્ડની કુલ ૪૫૯ શાળાઓ પૈકી ૨૧૭ શાળાઓનો મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ રાજ્ય સરકાર દ્વારા સમાવેશ કરાયો છે.

આ તમામ શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા ખૂટતા ઓરડાઓ તૈયાર કરવા સહિતની માળખાકીય સુવિધાઓ પૂરી પડાશે. આ માટે રાજ્ય કક્ષાનાં ટેન્ડર બહાર પાડવામાં આવશે, જ્યારે સ્કૂલબોર્ડ સત્તાવાળાઓ શૈક્ષણિક પ્રવૃત્તિઓ વધારવા પર વધુ ભાર આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.