Western Times News

Gujarati News

ઉલ્ટા ચશ્માના માલવ રાજદાએ છોડ્યું ડિરેક્ટરનું પદ

મુંબઈ, આસિત કુમાર મોદીના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને હાલમાં જ ૧૪ વર્ષ પૂરા થયા છે અને શરૂઆતથી અત્યારસુધીમાં ઘણા કલાકારો તેની સાથે છેડો ફાડી ચૂક્યા છે. જેમાં દિશા વાકાણી, નિધિ ભાનુશાળી, ભવ્ય ગાંધી, રાજ અનડકટ, ગુરુચરણ સિંહ, નેહા મહેતા તેમજ શૈલેષ લોઢા સહિતના કેટલાકનો સમાવેશ થાય છે.

તેમાંથી અડધા કલાકારોના રિપ્લેસમેન્ટમાં હજી સુધી કોઈ મળ્યું નથી અને મેકર્સને વધુ એક ફટકો પડ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, માલવ રાજદા, જેઓ ૧૪ વર્ષથી TMKOCના ડિરેક્ટર હતા, તેમણે શોને અલવિદા કહ્યું છે. તેમણે પોતે પણ આ વાતની પુષ્ટિ કરી છે.

પ્રોડક્શન હાઉસની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, માલવ રાજદા અને પ્રોડક્શન હાઉસ વચ્ચે કેટલાક ક્રિએટીવ મતભેદ થયા હતા. જેના કારણે, શોમાં તેમણે વિદાય લીધી હતી. જાે કે, જ્યારે વેબ પોર્ટલે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો મતભેદોની અટકળોને ફગાવી દીધી હતી. ‘જાે તમે સારું કામ કરવા માટે તૈયાર છો, તો ટીમ સાથે ક્રિએટીવ મતભેદ થવાના જ છે.

પરંતુ તે હંમેશા શોની ભલાઈ માટે હોય છે. મારે પ્રોડક્શન હાઉસ સાથે કોઈ ઝઘડો થયો નથી. હું શો અને આસિત ભાઈ પ્રત્યે હંમેશા કૃતજ્ઞ રહીશ’, તેમ તેમણે સ્પષ્ટતા કરી હતી. શો છોડવાનું કારણ પૂછવામાં આવતાં ડિરેક્ટરે કહ્યું હતું. ‘૧૪ વર્ષ સુધી એક જ શોમાં કામ કર્યા બાદ મને લાગ્યું હતું કે, મારે કમ્ફર્ટ ઝોનમાંથી નીકળવાની જરૂર છે.

મને લાગ્યું કે મારે ક્રિએટીવ રીતે વિકસિત થવાની અને બહાર નીકળીને પોતાને પડકાર આપવાની જરૂર છે’. ૧૪ વર્ષની જર્નીને તેમણે જીવનના સૌથી સુંદર અને અદ્દભુત ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આટલા વર્ષમાં તેમણે માત્ર નામ અને પૈસા જ નથી મેળવ્યા. પરંતુ લાઈફ પાર્ટનર તરીકે પ્રિયા અહુજા (રીટા રિપોર્ટર) પણ મેળવી છે.

રિપોર્ટ્‌સ પ્રમાણે, પતિ બાદ પ્રિયા અહુજા પર શો છોડવા વિશે વિચારી રહી છે અને પ્રોડક્શન હાઉસ સાથે તેની વાતચીત ચાલી રહી છે. આ પહેલા ટપ્પુના પાત્રમાં જાેવા મળેલા રાજ અનડકટે શો છોડ્યો હતો.

તે ઘણા મહિનાઓથી શોમાં દેખાઈ રહ્યો નહોતો અને ગત મહિને સોશિયલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ શેર કરીને તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ ન હોવાનું કહ્યું હતું. તેના પહેલા શૈલેષ લોઢાએ શોને અલવિદા કહ્યું હતું અને તારક મહેતાના પાત્રમાં તેમના સ્થાને હવે સચિન શ્રોફ છે. બીજી તરફ, દિશા વાકાણી મેટરનિટી લીવ પર ગયા બાદ હજી સુધી પરત ફરી નથી અને તેને પાંચ વર્ષ થઈ ગયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.