Western Times News

Gujarati News

દફ્તર વગરના દસ દિવસ : એક આવકારદાયક પહેલ

વિદ્યાર્થીઓ વર્ષમાં એકવાર ‘બેગલેસ’ દસ દિવસ દરમિયાન વિવિધ તકનિકી કૌશલ્યો શીખશે અને કુશળ કર્મયોગીઓની મુલાકાત પણ લેશે જે આવકારદાયક પહેલ છે
ભારતમાં મફત અને ફરજિયાત શિક્ષણ માટેના બાળકોના અધિકાર, ર૦૦૯ના અધિનિયમની કલમ ર૯ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ર૦ર૦ પણ કહે છે કે વિદ્યાર્થીઓ પરનો બોજ ઓછો કરવા માટે દફતરનું વજન ઘટાડવું જાેઈએ. ભારે સ્કૂલબેગ શાળાના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ગંભીર ખતરો છે. આની વધતી જતી બાળકો પર પ્રતિકૂળ શારીરિક અસરો પડે છે જે તેમના કરોડરજ્જુ અને ઘુંટણને નુકસાન પહોંચાડી શકે છે.

વધુમાં જે શાળાઓ બેવડી અથવા બહુમાળી ઈમારતોમાં કાર્યરત છે. ત્યાં બાળકોને ભારે સ્કુલ બેગ સાથે સીડીઓ ચઢવી પડે છે. ત્યાં બાળકોમાં ગરદન, ખભા અને ઘુંટણનો દુખાવો, તેઓની ખરાબ શારીરિક મુદ્રા, સ્નાયુઓ અને કરોડરજ્જુની વિકૃતિઓ, ચાલતી વખતે અસંતુલન જેવી શારીરિક સાથે શિક્ષણ પ્રત્યેના અણગમાની જેવી માનસિક સમસ્યાઓ વધુ વકરી છે.

દિલ્હીમાં શાળાઓની શિક્ષણ સુધારણા માટે દિલ્હી સરકારે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બેગનું વજન ઘટાડવા માટે બે વર્ષ પહેલાં તા.૪ જાન્યુઆરી ર૦ર૧ના રોજ, ‘સ્કુલ બેગ પોલિસી ર૦ર૦’ બહાર પાડી. તે હેઠળ રાજય સરકારે વિવિધ ધોરણોના વિદ્યાર્થીઓ માટે સ્કુલ બેગનું વજન કેટલું હશે એ નકકી કરવામાં આવ્યું. એમાં કરાયેલી ભલામણ અનુસાર યુએસ અને યુકેની જેમ ધો.૧થી ૧૦ વચ્ચેના વિદ્યાર્થીઓ માટે સ્કુલ બેગનું વજન તેમના શરીરના વજનના ૧૦ ટકાથી વધુ ન હોવું જાેઈએ.

દિલ્હી સરકારની સ્કૂલ બેગ નીતિ ર૦ર૦ મુજબ, ‘સ્કૂલબેગ નીતિ’ના અમલીકરણ અંગે કોઈ મુંઝવણ ટાળવા માટે દિલ્હી સરકારે વિદ્યાર્થીઓની સ્કુલ બેગ માટે વિદ્યાર્થીના વર્ગની સામે દફતરની વજન મર્યાદા પણ વહેંચી છે જેમાં ધો.૧ અને ર ના વિદ્યાર્થીની બેગનું વજન ૧.૬ થી ર.ર કિલો હોવું જાેઈએ કારણ કે તે વયના બાળકનું સરેરાશ શરીરનું વજન ૧૬થી રર કિલોગ્રામ હોય છે.

ધો.૩થી ધો.પમાં ૧.૭ થી ર.પ કિ.ગ્રા. ધો.૬ અને ૭માં વિદ્યાર્થીઓનું અપેક્ષિત વજન ર૦થી ૩૦ કિ.ગ્રા જેટલું હોવાથી બેગનું વજન ર થી ૩ કિ.ગ્રા. ધો.૮ના વિદ્યાર્થીઓની બેગનું વજન તેઓના અપેક્ષિત વજન રપ થી ૪૦ કિગ્રા સંદર્ભે ર.પ થી ૪ કિ.ગ્રા ધો.૯ અને ૧૦માં રપ થી ૪પ કિલો વજન ધરાવતા વિદ્યાર્થીઓની બેગનું વજન કિગ્રા. ર.પ થી ૪.પ કિગ્રા વજન રાખવું. ધો.૧૧ અને ૧રના વિદ્યાર્થીઓ ૩.પ થી પ કિલોની બેગ લઈ શકે છે કારણ કે તે વયના બાળકોનું સરેરાશ વજન ૩પ થી પ૦ કિલો જેટલું હોય છે.

સુવ્યવસ્થિત સમયપત્રક નોટબુકનો મર્યાદિત ઉપયોગ, જાગૃતિ કાર્યક્રમો અને વિવિધ સહ અભ્યાસિક પ્રવૃતિઓથી દિલ્હી સરકારે સ્કુલ બેગનું વજન ઘટાડવા માટે ઘણા નિર્દેશો જારી કર્યા છે. આ માટે સ્કુલ બેગનું વજન ઘટાડવાના કેટલાંક પગલાં સુચવવામાં આવ્યા છે એ મુજબ શાળાઓએ ફકત માન્ય્‌ બોર્ડ દ્વારા નિર્ધારિત પાઠ્યપુસ્તકોને જ અનુસરવા અને તેનો ઉપયોગ કરવો. શાળાઓ સારી રીતે વિચારીને સમય પત્રક તૈયાર કરે.

જેથી વિદ્યાર્થીઓને એક જ દિવસે વધારે પુસ્તકો લઈ જવાની જરૂર ન પડે. રમતગમત, કલા અને સંસ્કૃતિ અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સહભાગિતા દ્વારા વિદ્યાર્થીઓના સર્વગ્રાહી વિકાસને પ્રોત્સાહન આપવું જાેઈએ. વિદ્યાર્થીઓમાં પુસ્તકાલયના પુસ્તકો વાંચવાની ટેવ કેળવવી જાેઈએ. પૂર્વ પ્રાથમિક વર્ગના વિદ્યાર્થીઓ માટે કોઈ પાઠ્યપુસ્તક નિર્ધારિત નથી. ધોરણ એક અને બેના વિદ્યાર્થીઓ દ્વારા માત્ર એક જ નોટબુક લઈ જવાની અને તેમને કોઈ હોમવર્ક આપવામાં આવશે નહી. અન્ય વર્ગોના વિદ્યાર્થીઓ માટે વિષયદીઠ એક નોટબુક નિયત કરવાની રહેશે. દફતરની વર્ગવાર વજન મર્યાદા અંગેનો વિગતવાર ચાર્ટ શાળાના નોટિસ બોર્ડ પર પ્રદર્શિત કરવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં તેના વિશે જાગૃતિ આવે.

સંસ્થાઓમાં આપવામાં આવતી વોકેશનલ તાલીમ રોજગારી યોગ્ય કૌશલ્યો પ્રાપ્ત કરવા માટે પર્યાપ્ત નથી અને કાર્યસ્થળ પર ઔદ્યોગિક એકમોમાં તાલીમ દ્વારા પૂરક બનવાની જરૂર છે તે સ્વીકારીને, એપ્રૈન્ટિસ એકટ ૧૯૬૧ અને એપ્રેન્ટિસશિપ નિયમો, ૧૯૬ર ઉદ્યોગોમાં ઉપલબ્ધ સુવિધાઓનો સંપૂર્ણ ઉપયોગ કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે ઘડવામાં આવ્યો હતો જેમાં સમયાંતરે સુધારાઓ થતા રહ્યા. વ્યવહારુ તાલીમ આપીને ઉદ્યોગો માટે કુશળ માનવબળનો વિકાસ કરવો એ એનો હેતુ હતો પણ ધીમે ધીમે એમાં નિષ્ક્રિયતા આવી ગઈ. શરૂઆતમાં અધિનિયમમાં ટ્રેડ એપ્રિન્ટિસ માટે એપ્રેન્ટિસશિપ તાલીમ આવરી લેવામાં આવી હતી.

આવા ટેકનિકલ પ્રશિક્ષણ કેન્દ્રોમાં જવાનો રસ કેળવાય એ માટે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ધો.૬થી ૮ ના પ્રિ-વોકેશનલ વિદ્યાર્થીઓ માટે ૧૦ દિવસ માટે ‘બેગલેસ દિવસ’ની જાહેરાત કરવામાં આવી જેમાં પ્રથમ તબક્કામાં જાન્યુઆરી ર૦ર૩ના પ્રથમ સપ્તાહમાં ૪૯૧ ઉચ્ચ પ્રાથમિક શાળાઓનો સમાવેશ કરવામાં આવશે ત્યારબાદ બીજા તબક્કામાં જાન્યુઆરી ર૦ર૩ના અંત સુધીમાં વધુ ૧૦૦૯ ઉચ્ચ પ્રાથમિક શાળાઓનો સમાવેશ કરવામાં આવશે એ માટે બજેટની પણ ફાળવણી કરવામાં આવી છે જે આવકારદાયક છે. બજેટની ફાળવણી આવે એટલે કામગીરીનો અહેવાલ આવે, આ બેગલેસ કાર્યક્રમ ફોટોગ્રાફી અપલોડ કરવાનો માત્ર કર્મકાર્ડ ના બની રહે એ અપેક્ષિત છે.

શિક્ષણમાં સમગ્રતયા સુધારાને બદલે તબક્કાવાર પેચવર્કને લીધે જે વિદ્યાર્થીઓ શિક્ષણ સુધારાના અવસરનો લાભ ચૂકી જાય છે એ નુકસાન ભરપાઈ થઈ શકે એવું હોતું નથી. એ વાસ્તવિકતાના સ્વીકાર સાથે પસંદ થયેલ શાળાઓના વિદ્યાર્થીઓ વર્ષમાં એકવાર ‘બેગલેસ’ દસ દિવસ દરમિયાન વિવિધ તકનિકી કૌશલ્યો શીખશે અને કુશળ કર્મયોગીઓની મુલાકાત પણ લેશે જે આવકારદાયક પહેલ છે.

‘ભાર વગરના ભણતર’ પાછળનો શુભ હેતુ વિદ્યાર્થીના ખભેથી શાળાના દફતરનો ભાર ઘટાડવા સાથે સાથે વિદ્યાર્થીના મનમાંથી શિક્ષણનો ભાર ઘટી શકે એ પણ છે. પ્રથમ તાસથી છેલ્લા તાસ સુધી વિદ્યાર્થી શીખવા માટે તત્પર બની રહે એવી પ્રવૃતિઓ વર્ગખંડમાં હાથ ધરવી જાેઈએ. દરરોજના બહુનિયંત્રિત સમયપત્રકમાંથી થોડોક સમય કાઢીને શિક્ષક – વિદ્યાર્થીને મોજ આવે એવું કરવા દેવાની છૂટ આપતા ઉભય પક્ષે આનંદદાયક તાસની વ્યવસ્થા પણ વિચારવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.