Western Times News

Gujarati News

ITIમાં યોજાયેલા ભરતી મેળામાં ૨૩૨ યુવાનોને નોકરીની તક મળી

દાહોદ: અહીંની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે દાહોદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા યોજવામાં આવેલા તાલુકા કક્ષાના ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરમાં ૨૩૨ યુવાનોને વિવિધ કંપનીમાં રોજગારની તક સાંપડી છે. ઔદ્યોગિક ભરતી મેળામાં પસંદગી પામેલા યુવાનોને રૂ. ૧૨થી ૧૫ હજારના માસિક પગારની નોકરી ઓફર થઇ છે.

ભરતી મેળાના પ્રારંભે દાહોદ આઇટીઆઇના આચાર્ય શ્રી કૌશિક કણઝારિયાએ (Dahod ITI principal Kaushik Kanjharia) કહ્યું કે, કારકીર્દિની શરૂઆત પ્રથમ પગથિયાથી જ થાય છે અને સફળતા માટે સંઘર્ષ અનિવાર્ય છે. જે પગારની ઓફર થાય તે સ્વીકારી લઇ પોતાની કારકીર્દિની શરૂઆત કરવી જોઇએ. જો યુવાન પોતાના વતનમાં જ કામ કરવાની મમત મૂકે તો તે કોઇ પણ સ્થળે સ્થાયી થઇ સારી કમાણી કરી શકે છે.

તેમણે એમ પણ કહ્યું કે, અભ્યાસકાળ દરમિયાન યુવાનો પોતાના ઘરે રહેતા હોય છે. ઘરમાં તમામ પ્રકારની સુખ સવલત હોય છે. પણ, જ્યારે નોકરીની શરૂઆતમાં યુવાનને આવી સવલત મળતી નથી. ઘરથી દૂર રહેવું પડે છે. એટલે તેનાથી વિચલિત થયા વિના જ નોકરી કરવી જોઇએ. તો જ સફળતા મળે છે.

આ ઔદ્યોગિક ભરતી મેળામાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા કુલ ત્રણ હજાર યુવાનોને ભાગ લેવા જણાવવામાં આવ્યું હતું. જે પૈકી ૩૬૫ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરતી મેળામાં ઉપસ્થિત ૬ નોકરીદાતા કંપનીના પ્રતિનિધિઓએ આ યુવાનોના ઇન્ટરવ્યુ કર્યા હતા. તેમાંથી ૨૩૨ યુવાનોની પસંદગી કરી નોકરીની ઓફર કરવામાં આવી હતી.

દાહોદ જિલ્લા માહિતી કચેરી દ્વારા ભરતી મેળામાં ઉપયોગી સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના શ્રી વસૈયા દ્વારા સ્વરોજગાર માટે લોનસહાય અંગેની વિવિધ સરકારી યોજનાની માહિતી યુવાનોને આપવામાં આવી હતી. ઔદ્યોગિક ભરતી મેળાને સફળ બનાવવા માટે શ્રી ધર્મેશ એમ. ચૌહાણ, શ્રી શૈલેષ એન. મેડા, સુશ્રી હિરલ એમ. સેલોટે જહેમત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.