Western Times News

Gujarati News

ચરોતરના માંચેસ્ટર પેટલાદનો આજે સ્થાપના દિન : ૧પ૬૮ વર્ષ બાદ પણ નગરજનો વિકાસથી વંચિત

(પ્રતિનિધિ) પેટલાદ, ચરોતર તથા આણંદ જીલ્લાના પેટલાદ નગરનો આજે ૧પ૬૮મો સ્થાપના દિન છે. ઐતિહાસિક આ નગર ભવ્ય ઈતિહાસ ધરાવે છે. આ નગરનો ભવ્ય ભૂતકાળ અને તે સમયની જાહોજલાલી સમગ્ર દેશમાં જગજાહેર છે. આ નગરના પૂર્વજાેએ સોલંકી યૂગ, મોગલ યુગ, ગાયકવાડી રાજ, બોમ્બે સ્ટેટ અને હાલ ગુજરાતનું શાસન જાેયુ છે. રાજ્ય અને દેશમાં એક અલગ ઓળખ ઉભી કરનાર ઐતિહાસિક પેટલાદ નગરની આજે ભારે દુર્દશા હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. તેમાય છેલ્લા પચાસ વર્ષ દરમિયાન આ નગર તમામ ક્ષેત્રે ખુબ જ પાછળ ધકેલાઈ ગયું છે. આજે તો આ નગરનો જન્મ દિવસ પણ વિસરાઈ ગયો હોવાનું જાેવા મળે છે.

ગુજરાત રાજ્યમાં આણંદ જિલ્લાના પેટલાદ નગરનો ઈતિહાસ ભવ્ય છે. આ નગર અનાર્યકાળથી અસ્તિત્વ ધરાવે છે. પેટલાદમાં ભક્ત પ્રહ્લાદનો વસવાટ ઘણાં લાંબા સમય સુધી થયો હતો. જેથી ઈ.સ. પૂર્વે પેટલાદનું નામ પ્રહલાદપુર તરીકે જાેવા મળતું હતું. લકુલીશ પાશુપત શિવના છેલ્લા અવતાર રૂપે કારવાણમાં જન્મીને લાટમાં વસવાટ કર્યો હોવાથી ઈ.સ. પૂર્વે આ ગામનું નામ પશુપાત- લાટ થયું હતું. સમય જતાં “પાશુ” શબ્દ લોપ થઈ “પતલાટ” નામ થયુ, જેમાં અપભ્રંશ થઈને હાલમાં પેટલાદ કહેવાય છે.

પેટલાદની સ્થાપના સંવત પ૧રમાં પોષ સુદ ત્રીજના દિવસે સોલંકી વંશના સ્થાપક દળકંદ દેવજીના વંશજો ગોપાળદેવજીએ તા.૭ જાન્યુ. ઈ.સ. ૪પ૬ના રોજ કરી હતી. પેટલાદ નગર ઉપર સન ૪પ૬ થી ૧ર૪૪ સુધી સોલંકી યુગનું સામ્રાજ્ય હતું. આ નગર પર લગભગ ૮૪૧ વર્ષ જેટલું શાસન સોલંકી યુગનુ રહ્યું હતું. તે ૧૧મા સૈકા વખતે બળિયાદેવ મંદિરમાં બ્રહ્માજીની મૂર્તિ, નગરમાં ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ આજે પણ જાેવા મળે છે. જ્યારે ૧રમા સૈકા વખતે સોલંકી કાલીન મંદિરની આરાધક મૂર્તિઓ, આનંદા-ચામંુડા માતાનું મંદિર તથા તેમાં રહેલ ગણેશજીની મૂર્તિ વગેરે હતા.

ત્યારબાદ સંવત ૧૩પપમાં ગુજરાત સાથે પેટલાદમાં પણ મુસ્લિમ શાસનની સ્થાપના થઈ હતી. મોગલ સમયેે ૧પ૭રમાં અકબર પેટલાદ ખાતે આવ્યા હતા. સંવત ૧પ૭પમાં નાગરકુવાના રઘુનાથજીના મંદિરની નીચે શિલાલેખ લખાયો હતો, તે મંદિર હાલ પણ છે. પેટલાદમાં સંવત ૧૬૧૮માં જહાંગીરનું આગમન થયું હતું. તેણે પેટલાદના નિપુણ કારીગરો પાસે તે વખતના રૂા.પ લાખમાં મયુરાસન બનાવડાવ્યું હતું. પરંતુ થોડાક સમયમાં નાદિરશાહ આવી મયૂરાસનની લૂંટ ચલાવી ઈરાન લઈ ગયો હતો.

આજથી લગભગ ૪૪૭ વર્ષ અગાઉ એટલે કે સંવત ૧૬૩રની આસપાસ ચેતનગીરની મઢી થઈ ગઈ હતી. જ્યાં સમગ્ર ગુજરાતની સૌથી ઉંચી આશરે સાડા ચાર ફૂટ ઉંચી પાર્વતીજીની મૂર્તિ હતી. જે શિલ્પશાસ્ત્રની દ્રષ્ટિએ ઘણી મહત્વની હતી. આ ચેતનગીર મઢીની રક્ષા જાેરાભાઈ રબારી નામનો માણસ કરતો હતો. જે સંવત ૧૬૮૪માં વીરગતિને પામ્યાં હતાં. સંવત ૧૬૯૭માં ઔરંગઝેબ પેટલાદમાં આવ્યો હતો. ત્યારબાદ સમગ્ર ગુજરાતનો મહેસૂલ ઉઘરાવવા માટે વસનદાસની નિમણૂક કરવામાં આવી હતી. ૧૬મા સૈકા વખતે નગરમાં કિશોર પારેખની વાવ અને તેના બે પાળિયા જેવા યાદગાર સ્થળો બન્યા હતા.

સંવત ૧૭૭૮ થી ૧૭૮૮ દરમ્યાન છત્રપતિ શિવાજીના સુબા પિલાજીરાવ ગાયકવાડે વડોદરા પ્રાંતનો પાયો પેટલાદથી નાંખ્યો હતો. ત્યારથી મરાઠા યુગનો પ્રારંભ થયો હતો. આ સૈકા દરમ્યાન નગરમાં રામનાથ મહાદેવ, રામનાથ કુંડ, શિકોતર માતાજીની વાવ જેવા ધાર્મિક સ્થળો બન્યા હતા. જેનુ મહત્વ આજે પણ વિશેષ છે. વખતો વખત જતા નગરનો વહીવટ અને મહેસૂલ અમીન કસ્યાભાઈએ રૂા.૯ લાખમાં રાખ્યો હતો. ત્યારબાદ ૧૮૩૭ થી ૧૮૪૭ સુધી પેટલાદનો વહીવટ વસોના વસનદાસના વંશજાેમાંથી ભવાનીદાસે કર્યો હતો.

૧૮પરથી કાળીદાસની પાંચમી પેઢીના દાદાભાઈએ અને તે પછી તળસીભાઈએ આ નગરનો વહીવટ કર્યો હતો. સન ૧૮પ૬ની આસપાસ પેટલાદમાં પાંજરાપોળ બની હતી. જેની કામગીરી આજે પણ પ્રશંસનીય છે. ૧૮મા સૈકા દરમ્યાન પેટલાદમાં સુપ્રસિધ્ધ કાળકામાતાજીનું મંદિર, કુંડ, તેની બાજુમાં ભૈરવનાથ અને હનુમાજીની મૂર્તિનું સ્થાપન થયું હતું. સન ૧૮૭૩માં પરીખ ચં.કે.પુસ્તકાલયની સ્થાપના થઈ હતી. જ્યારે સન ૧૮૭૬માં નગરપાલિકાની સ્થાપના થઈ હતી. તે વખતે નગરનો વહીવટ સરકારની મદદથી થતો હતો. સન ૧૯૪૯માં ડિસ્ટ્રીક્ટ મ્યુનીસીપાલિટી અને છેલ્લે સન ૧૯૬પથી મ્યુનિસીપાલિટી તરીકે ચાલુ છે.

રોજગાર ક્ષેત્રે પેટલાદ ખાતે સન ૧૮૯૪માં ધ પેટલાદ ટર્કીરેડ ડાય વર્કસ શરૂ થઈ હતી. જેના થોડા સમય બાદ સન ૧૯૧૯માં ધી પેટલાદ બુલાખીદાસ મિલ અને ધી રાજરન્ત નારણભાઈ મિલ શરૂ થઈ હતી. આ બંને મિલો ધ્વારા કેટલાંય કુટુંબોને રોજી રોટી મળતી હતી. બાળકો અને મહિલાઓ માટે શિક્ષણ, વાંચન મળી રહે તેવા શુભ આશયથી સન ૧૯ર૧માં સ્વ. અ.સૌ. તારાલક્ષ્મી સાર્વજનિક પુસ્તકાલય અને સન ૧૯ર૬-ર૭માં પરીખ અમૃતલાલ રમણલાલ સાર્વજનિક બાળ પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યા હતાં.

સન ૧૯૩૯માં રસાયણ વિભાગનો વિકાસ થાય તે હેતુસર સલફયુરિક એસિડનો પ્લાન્ટ નાંખવામાં આવ્યો હતો. જેમા સરેરાશ દોઢ લાખ ટનનુ ઉત્પાદન થતુ હતું. પરંતુ વધતી જતી માંગને કારણે સન ૧૯૪૪માં ઉત્પાદન વધારી સવા બે લાખ ટન કરવામાં આવ્યું હતું. આ એસિડ મુંબઈ, મદ્રાસ, દિલ્લી, આગ્રા, ઈન્દોર, કાનપુર વગેરે શહેરોમાં રવાના થતું હતું. સમય જતાં આરોગ્ય ક્ષેત્રે સન ૧૯૪૧માં પ્રતાપસિંહ ગાયકવાડના હસ્તે સયાજી રૂગ્ણાલય શરૂ થયું હતું. જેમાં ૧૦ર પથારીઓ હતી. આ હોસ્પિટલમાં સરેરાશ ૧૬૦ થી ૧૮૦ જેટલા દર્દીઓ લાભ લેતા હતા. આજે આ જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલ છે.

આ નગરને શિક્ષણ માટે પરીખ કુટુંબના દાનવીરો મળ્યા હતા. જેઓની અનેક શૈક્ષણિક સંસ્થાઓનો લાભ લોકો આજે પણ લઈ રહ્યા છે. સન ૧૯૪પમાં આર. કે. પરીખ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તથા સન ૧૯૪૭માં સાયન્સ કોલેજ શરૂ થઈ હતી. આજે અહીયા બી.એડ.કોલેજ પણ કાર્યરત છે. વેપાર ક્ષેત્રે લોકોને અનુકૂળ રહે તે માટે સન ૧૯૬૦માં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનુ મુખ્ય માર્કેટ યાર્ડ શરૂ થયું હતું. ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રીગંજ બન્યું હતું.

સન ૧૯પ૦ની આસપાસ હાથશાળ, ટેકસટાઈલના અનેક કારખાના શરૂ થયા હતા. વડોદરા રાજયના સમયમાં ત્રણ મિલો, બે રંગ શાળાઓ, મેચ ફેકટરી, સિલ્ક મિલ, તારામંડળનું કારખાનું, એસિડ ફેક્ટરી, રપ૦ જેટલી યંત્રશાળો, ચરોતર ખાંડ ઉદ્યોગ, જીનીંગ ફેક્ટરીઓ, બીડીઓ બનાવવાના કારખાના વગેરે હતા. આ તમામ ઉદ્યોગોમાં આશરે પ૦૦૦થી વધુ લોકો રોજગારી માટે સંકળાયેલા હતા. ઐતિહાસિક પેટલાદ નગરે ૧પ૬૮ વર્ષ દરમ્યાન અનેક લીલી-સુકીનો અનુભવ કર્યો છે. જેમાં માનવજીવનમાં કર્મ સંજાેગોએ ચડતી-પડતી આવે છે તેમ નગરજીવનમાં પણ ચડતી – પડતી આવી છે.

વડોદરા રાજયના એક નગર તરીકે રાજ્યના પ્રોત્સાહન અને સહાયો મળતા હતા. જેથી ઉતરોતર વિકાસ થતો રહેતો હતો. પરંતુ, સ્વાતંત્ર્ય બાદ વડોદરા રાજ્યનું વીલીનીકરણ થયુ હતું. ત્યારપછી પેટલાદના વેપાર-ઉદ્યોગનું સંચાલન કરનારાઓ બદલાતા ગયા હતા. જેઓ બદલાતા જતા સમય સાથે તાલ મિલાવી શક્યા નહિ. પરિણામે નગરની મિલો, રંગશાળાઓ, નાના-મોટા ઉદ્યોગો, ફેક્ટરીઓ વગેરે બંધ પડ્યા હતા. જેને કારણે પેટલાદ આર્થિક રીતે પડી ભાગ્યું છે. આજે ૧પ૬૮ વર્ષ બાદ પણ પેટલાદ અનેક ક્ષેત્રોમાં વિકાસથી વંચિત છે. નગરજનોની કમનસીબી એ છે કે છેલ્લા પચાસ વર્ષ દરમિયાન એક પણ એવા રાજકીય નેતા નગરને નથી મળ્યા કે જે આ ઐતિહાસિક નગરની જાહોજલાલી પરત લાવી શકે !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.