Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દેશ અને દુનિયામાં આર્ય સમાજના વિચારોને જનઆંદોલનની જેમ આગળ વધારવા જોઈએ : રાજ્યપાલ

આર્ય સમાજ, ગાંધીધામના ૬૮મા વાર્ષિક અધિવેશનમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીધામ આર્ય સમાજના ૬૮મા વાર્ષિક અધિવેશનમાં વર્ચ્યુઅલી હાજરી આપીને બીજા દિવસના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ‘સુહાના સફર’ પુસ્તિકાનું વિમોચન હાજર રહેલા મહાનુભાવો એ રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં કર્યું હતું.

આ પ્રસંગે ઉદ્બોધન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, આ‌ અધિવેશનના પ્રેરણાસ્ત્રોત અને આર્ય પ્રતિનિધિ સભા, અમેરિકાના સ્થાપક શ્રી ગિરીશ ખોસલાજીએ ગાંધીધામ આર્ય સમાજના માધ્યમથી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરી છે. તેઓએ વર્ષ ૨૦૦૧ના ભૂકંપમાં કચ્છમાં અનેક બાળકોના દાદા-પિતા બનીને પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે.

રાજ્યપાલશ્રીએ શ્રી ગિરીશ ખોસલાજીના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ આપીને તેમના સ્વાસ્થ્યપ્રદ જીવનની કામના કરી હતી. ગાંધીધામ આર્ય સમાજ સાથે સંકળાયેલા અન્ય મહાનુભાવોની સેવાકીય પ્રવૃતિઓ અને સામાજિક પ્રવૃત્તિઓને શ્રી દેવવ્રતજીએ બિરદાવી હતી. તેઓએ કહ્યું હતું કે, આ સેવાકાર્યોના લીધે અમેરિકા સુધી ગાંધીધામ આર્યસમાજનો ડંકો વાગ્યો છે.

તેઓએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાતમાં ગાંધીધામ આર્ય સમાજ એક ઐતિહાસિક આર્ય સમાજ છે. આ સમાજની સામાજિક પ્રવૃત્તિઓ અને સેવાકીય કાર્યો પ્રશંસાને પાત્ર છે. આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મજયંતી આવી રહી છે

ત્યારે શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત સૌને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, આપણે આ પ્રસંગે દેશ અને દુનિયામાં આર્ય સમાજના વિચારોને જન આંદોલનની જેમ આગળ વધારવા જોઈએ. ભારતની આઝાદીથી માંડીને સામાજિક ઉત્થાન, સ્ત્રી શિક્ષા, વેદોનો પ્રચાર, કુરિવાજોની નાબૂદી માટે આર્ય સમાજે મહત્વનું કાર્ય કર્યું છે.

આજે ફરીથી આપણે એ જ મક્કમતાથી નવી ચેતના સાથે સમગ્ર આર્ય સમાજમાં એક નવી સ્ફૂર્તિ ઊભી કરવાની છે. આવનારો સમય આપણા માટે એક નવી પ્રેરણા લઈને આવી રહ્યો છે. બધા જ આર્યજનો એકતાના સૂત્રમાં બંધાઈને પૂર્ણ પરિશ્રમ અને સમર્પણ સાથે આર્ય સમાજની વિચારધારાને જનમાનસ સુધી પહોંચાડવાનું કાર્ય કરીશું તો નિશ્ચિત સમાજ માટે ખૂબ જ મોટું યોગદાન બની રહેશે.

સ્વામી દયાનંદ સરસ્વતીજીની વિચારધારાનો ઉલ્લેખ કરીને રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આજના સમયમાં પણ તેમની વિચારધારા એટલી જ સામયિક અને સર્વગ્રાહી છે, કારણ કે સ્વામી દયાનંદજીના વિચારો વેદનો વિચારો હતા. વેદ ઈશ્વરીય જ્ઞાન છે. પરમાત્મા પૂર્ણ છે અને તેનું જ્ઞાન પણ પૂર્ણ છે.

આ જ જ્ઞાન છે જે અંધવિશ્વાસથી દૂર કરે છે, કુરિવાજોથી દૂર કરે છે અને શુદ્ધ વૈજ્ઞાનિક વિચારધારાને વરેલુ છે. તેને આજની યુવા પેઢી સ્વીકારવા તૈયાર છે. વર્તમાન સમયમાં આપણા‌ બધાનું કર્તવ્ય છે કે, જે પ્રકારે આપણા પૂર્વજોએ સ્વામી દયાનંદજીની પરંપરાને આગળ ધપાવવા કાર્યો કર્યા તેને અનુસરીને આપણે પણ ચાલવું જોઈએ.

આપણે આપણા પ્રચારની રીતને બદલવી પડશે. આજે સોશિયલ મીડિયાનો યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, પ્રિન્ટ મીડિયાનો યુગ છે ત્યારે આપણે સૌ આર્યજનોએ આ દિશામાં ગંભીરતાથી વિચાર કરીને આર્ય સમાજની વિચારધારાને સામાન્ય જન સુધી પહોંચાડવાનું કામ કરવું જોઈએ.

આર્યવીર દળમાં મહત્તમ યુવાનો જોડાઈને આર્ય સમાજની લીડરશીપમાં સહયોગ આપે તે બાબતે પણ ગંભીરતાથી ચિંતન કરવા રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો. તેઓએ કહ્યું કે, સમાજની વિચારધારાને જીવંત રાખવી એ આપણા બધાનું પરમ કર્તવ્ય છે.

આપણા બધાનું દાયિત્વ બને છે કે, તમામ પ્રકારના સ્વાર્થનો ત્યાગ કરીને, મહેનત અને પૂર્ણ સમર્પણની‌ સાથે આર્ય સમાજના વિચારોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરીએ. વિદ્ધાન લોકોના માર્ગદર્શનથી આર્ય પરંપરાને આગળ વધારવી જોઈએ. રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત મહાનુભાવોની આર્ય સમાજની કામગીરીને બિરદાવીને આ અધિવેશન લોકો માટે પ્રેરણારૂપ બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.

આ અધિવેશનમાં ગાંધીધામના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ શ્રી તેજાભાઈ કાનગડ, આર્ય સમાજના મહાનુભાવો શ્રી  સુરેશચંદ્ર અગ્રવાલ, શ્રી વિનય આર્ય, શ્રી પ્રકાશ આર્ય, શ્રી વિશ્રૃત આર્ય, શ્રી ભુવનેશ ખોસલા તેમજ શ્રી વાચોનિધિ આચાર્ય સહિત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers