Western Times News

Gujarati News

પ્રમુખ સ્વામીએ ઉત્તર અમેરિકામાં 6 શિખરબદ્ધ મંદિરો અને 70 હરિ મંદિરોની રચના કરી હતી

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અમેરિકા વિચરણની ઝાંખી 

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ 1971માં ગુરુ બન્યા પછી પ્રથમ વિદેશ સત્સંગ પ્રવાસે અમેરિકા 1974માં ગયા હતા ત્યાં તેઓને ઘણા ‘કી ટુ ધ સિટી’ સન્માનો પણ પ્રાપ્ત થયા . તા.4 ઓગસ્ટ 1974 ના રોજ યુ.એસ.એના ન્યૂયોર્કમાં પ્રથમ BAPS મંદિરમાં મૂર્તિ પ્રતિસ્થા કરવામાં આવી. ત્યારબાદના વર્ષોમાં તેમણે ઉત્તર અમેરિકામાં 6 શિખરબદ્ધ મંદિરો અને 70 હરિ મંદિરોની રચના કરી .

જેમા એટલાન્ટા, બોસ્ટન, શિકાગો, ડલાસ, એડિશન, હ્યુસ્ટન, લોસએન્જેલોસ,   ન્યુયોર્ક, ઓરલાન્ડો, રૉબિન્સવિલ, સેન ફ્રાન્સિસ્કો, સેન જોસે, વૉશિંગટોન ડીસી વગરે સ્થળોએ મંદિરો રચીને ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ અસ્મિતાની જ્યોતિ જગાવી છે . તા.22 જુલાઈ 2007 ના રોજ કેનેડાના ટોરોન્ટોમાં શિખરબદ્ધ મંદિરની સ્થાપના કરી સત્સંગમાં એક વિશેષ પુષ્પ ઉમેર્યું.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે 12 જુલાઈ થી 11 ઓગસ્ટ 1991 દરમિયાન અમેરિકાના એડિસનમાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (CFI) ઉત્સવ કર્યો જેમાં લગભગ 10 લાખ ભાવિકોએ લાભ લીધો હતો અને ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની પ્રેરણા પ્રાપ્ત કરી હતી.

તા . 7 જુલાઈ 1998ના રોજ પ્રમુખસ્વામી મહારાજે અમેરિકાના ન્યુયોર્કના લેનોક્સ હિલ હોસ્પિટલમાં હૃદયની બાયપાસ સર્જરી કરાવી હતી.

પ્રમુખસ્વામી મહારાજે તા .29 ઓગસ્ટ 2000 નારોજ અમેરિકાના ન્યુયોર્કમાં સંયુક્તરાષ્ટ્રમાં(યુનો) આધ્યાત્મિક નેતાઓની સહસ્ત્રાબ્દી વિશ્વ શાંતિ સમિટમાં સંબોધન કર્યું હતું .વર્ષ 2004 માં અમેરિકન ગવર્નમેન્ટ તરફથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો .

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વર્ષ 2011માં ન્યૂજર્સીમાં રોબિન્સવિલમાં સ્વામિનારાયણ અક્ષરધામના શિલાપૂજનનું કાર્ય કરીને  એક અભૂતપૂર્વ કાર્ય નો પ્રારંભ કર્યો, અને તા. 10 ઓગસ્ટ 2014 ના રોજ પ્રમુખ સ્વામી મહારાજે 93 વર્ષની જૈફ વયે અમેરિકામાં પધારી ત્યાં શિખરબદ્ધ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, રોબિન્સવિલની મૂર્તિ પ્રતિષ્ઠાવિધિ કરી

ત્યારબાદ 15 ઓગસ્ટ 2014ના રોજ તેઓએ સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલ મહામંદિરનો ભૂમિપૂજન સમારોહ કર્યો .આ તેઓનું ધામગમન પૂર્વે  અમેરિકામાં કરેલું અંતિમ વિચરણ હતું .

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ધામગમન બાદ પરમપૂજ્ય મહંતસ્વામી મહારાજે 3 સપ્ટેમ્બર 2017 ના રોજ રૉબિન્સવિલમાં પધારી અક્ષરધામનું સ્થંભપૂજન કર્યું . આ પ્રસંગે તેઓએ વિશેષ આશીર્વાદ આપ્યા હતા કે “આ કાર્ય તો ન ભૂતો ન ભવિષ્યતિ” થયું છે . શ્રીજીમહારાજના વખતથી જ સમર્પણ ભાવના ચાલી આવે છે ,તોજ આ કાર્ય થાય , હાથમાં હાથ મિલાવીને સંપીને કાર્ય કરીએ તો થાય .

પ્રમુખસ્વામી મહારાજ દ્વારા રચેલ આ મંદિરોમાં આજે પણ વિવિધ ઉત્સવો, સત્સંગ સભા , પ્રાર્થનાસભા , દિવાળી-અન્નકૂટ ઉત્સવ, પ્રદર્શનો વગેરે દ્વારા સંપ, સુહદભાવ,એકતાના પાઠ હરિભકતો મેળવી રહ્યા છે. પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ એ ભાવના દ્રઢ થઈ રહી છે .

વિશેષમાં અમેરિકાના દરેક મંદિરો અને સેન્ટરોમાં આ વર્ષે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી . ઉપક્રમે અમેરિકામાં “ CENTURY OF SERVICE” આ પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.