Western Times News

Gujarati News

દૂરદર્શનની 28 પ્રાદેશિક ચેનલો HD પ્રોગ્રામ પ્રોડક્શન સક્ષમ બનશે

BIND યોજના હેઠળ 80 ટકાથી વધુ વસ્તીમાં વિસ્તરણ કરવા માટે FM કવરેજ

J&Kની સરહદો પર 76 ટકા અને ભારત-નેપાળ સરહદે 63 ટકા સુધી કવરેજનું વિસ્તરણ કરવામાં આવશે

દૂરસ્થ, આદિવાસી, LWE અને સરહદી વિસ્તારોમાં પ્રસારભારતી દ્વારા 8 લાખથી વધુ DD DTH રિસીવર સેટનું મફત વિતરણ કરવામાં આવશે

કેન્દ્રીય મંત્રીમંડળે 4 જાન્યુઆરી, 2023 ના રોજ 2025-26 ના રોજ પૂરા થતા પાંચ વર્ષના સમયગાળા માટે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનના આધુનિકીકરણ, અપગ્રેડેશન અને વિસ્તરણ માટે રૂ. 2539.61 કરોડના ખર્ચ સાથે “બ્રોડકાસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક ડેવલપમેન્ટ (BIND)” યોજનાને મંજૂરી આપી છે.

આ યોજનામાં રૂ. 950 કરોડના ખર્ચે FM રેડિયો નેટવર્કના વિસ્તરણ અને મજબૂતીકરણ તેમજ મોબાઇલ ટીવી પ્રોડક્શન સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને AIR અને દૂરદર્શનના પ્રાથમિકતાના પ્રોજેક્ટ્સને સમાવી લેવામાં આવ્યા છે જેનું કામ ફાસ્ટ-ટ્રેક મોડ પર પૂરું કરવામાં આવશે.

આ યોજનાનો ઉદ્દેશ્ય બહેતર માળખાકીય સુવિધા ઉભી કરવાનો અને LWE, સરહદી વિસ્તારો અને વ્યૂહાત્મક વિસ્તારોમાં જાહેર પ્રસારણકર્તાની પહોંચનું વિસ્તરણ કરવા માટે મોટા પાયે અપગ્રેડેશન કરવાનો છે.

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને પ્રકારના પ્રેક્ષકો માટે ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી તૈયાર કરવા, વધુ ચેનલોને સમાવવા માટે DTH પ્લેટફોર્મની ક્ષમતાને અપગ્રેડ કરીને વિવિધ સામગ્રીની ઉપલબ્ધતા દ્વારા પ્રેક્ષકો માટે ઉપલબ્ધ હોય તેવી પસંદગીને વિસ્તૃત કરવામાં આવશે. આ યોજનાનો હેતુ LWE અને મહત્વાકાંક્ષી જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને મુખ્યત્વે ટીઅર II અને ટીઅર-III શહેરોમાં FM નેટવર્કનું વિસ્તરણ કરવાનો પણ છે.

પ્રસારભારતીના ટ્વીન વર્ટિકલ પૈકી, AIR દેશમાં પોતાના શ્રોતાઓને 653 AIR ટ્રાન્સમીટરો (122 મીડિયમ વેવ, 7 શોર્ટ વેવ અને 524 FM ટ્રાન્સમીટરો)ની મદદથી 501 AIR પ્રસારણ કેન્દ્રો દ્વારા વિશ્વ સેવાઓ, પડોશ સેવાઓ, 43 વિવિધ ભારતી ચેનલો, 25 રેઇનબો ચેનલો અને 4 FM ગોલ્ડ ચેનલોની સેવા પૂરી પાડે છે.

દૂરદર્શન તેના દર્શકોને 66 દૂરદર્શન કેન્દ્રોની મદદથી 36 DD ચેનલો પ્રોડ્યૂસ કરીને સેવા આપે છે, વિવિધ ડિલિવરી પ્લેટફોર્મ જેમ કે કેબલ, DTH, IPTV “NewsOnAIR” મોબાઇલ એપ્લિકેશન, વિવિધ યુટ્યુબ ચેનલો અને તેની આંતરરાષ્ટ્રીય ચેનલ DD ઇન્ડિયાના માધ્યમથી 190+ દેશોમાં વિવિધ પ્લેટફોર્મ પર વૈશ્વિક હાજરી ધરાવે છે.

BIND યોજના હેઠળ નીચેની મુખ્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે

ઓલ ઇન્ડિયા રેડિયો

દેશમાં FM કવરેજ હાલમાં ભૌગોલિક વિસ્તાર અનુસાર 58.83% અને વસ્તી અનુસાર 68% છે ત્યાંથી વધારીને અનુક્રમે ભૌગોલિક વિસ્તાર અનુસાર 66.29% અને વસ્તી અનુસાર 80.23% સુધી લઇ જવું.

ભારત- નેપાળ સરહદ પર AIR FM નું કવરેજ હાલમાં 48.27% છે ત્યાંથી વધારીને 63.02% સુધી લઇ જવું.

જમ્મુ અને કાશ્મીરની સરહદ પર AIR FMનું કવરેજ અત્યારે 62% છે ત્યાંથી વધારીને 76% સુધી લઇ જવું.

30,000 ચો.કિ.મી.ના ક્ષેત્રફળને આવરી લેવા માટે રામેશ્વરમ ખાતે 300 મીટરના ટાવર પર 20 kW FM ટ્રાન્સમીટર સ્થાપિત કરવામાં આવશે.

દૂરદર્શન

પ્રસારભારતીની સુવિધાઓ ખાતે નવીનતમ પ્રસારણ અને સ્ટુડિયો સાધનો સ્થાપિત કરીને DD અને AIR ચેનલોને ઉન્નત બનાવવી.

DDK વિજયવાડા અને લેહ ખાતેના અર્થ સ્ટેશનોનું 24 કલાક ધોરણે ચાલતી ચેનલમાં અપગ્રેડેશન કરવું.

પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સમારંભો/કાર્યક્રમો અને VVIP કવરેજને આવરી લેવા માટે ફ્લાય અવે યુનિટ્સનો અમલ કરવો.

દૂરદર્શનની 28 પ્રાદેશિક ચેનલોને હાઇ-ડેફિનેશન (HD) પ્રોગ્રામ પ્રોડક્શન સક્ષમ કેન્દ્રો તરીકે સ્થાનાંતરિત કરવામાં આવશે.

દૂરદર્શનના સમગ્ર નેટવર્કમાં 31 પ્રાદેશિક સમાચાર યુનિટને કાર્યક્ષમ સમાચાર એકત્ર કરવા માટે નવીનતમ ઉપકરણો સાથે અપગ્રેડ કરવામાં આવશે અને આધુનિક બનાવવામાં આવશે.

HDTV ચેનલોનું અપલિંકિંગ કરવા માટે DDK ગુવાહાટી, શિલોંગ, ઐઝવાલ, ઇટાનગર, અગરતલા, કોહિમા, ઇમ્ફાલ, ગંગટોક અને પોર્ટ બ્લેર ખાતે અર્થ સ્ટેશનોનું અપગ્રેડેશન અને રિપ્લેસમેન્ટ કરવામાં આવશે.

 

યોજનાની કેટલીક મુખ્ય વિશેષતાઓ નીચે ઉલ્લેખ કર્યા મુજબ છે:

 1. દેશમાં મુખ્યત્વે ટીઅર -II અને ટીઅર -III શહેરો, LWE અને સરહદી વિસ્તારો અને દેશના મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં FM કવરેજને 6 લાખ ચો.મી.થી વધુ ક્ષેત્રફળ સુધી વધારવા માટે 100 Wના 100 ટ્રાન્સમીટરો ઉપરાંત 10 KW અને ઉચ્ચ ક્ષમતાના 41 FM ટ્રાન્સમીટરો.
 2. DD ફ્રી ડીશની ક્ષમતાનું વિસ્તરણ કરવા માટે હાલમાં 116 ચેનલો છે તેને વધારીને લગભગ 250 ચેનલો સુધી કરવી જેથી વિનામૂલ્યે ચેનલોના સમૃદ્ધ અને વૈવિધ્યસભર સમૂહ પૂરો પાડી શકાય.
 3. અત્રે ઉલ્લેખ કરવો યોગ્ય છે કે, DD ફ્રી ડીશ એ પ્રસારભારતીનું ફ્રી-ટુ-એર ડાયરેક્ટ ટુ હોમ (DTH) પ્લેટફોર્મ છે જે અંદાજે 4.30 કરોડ કનેક્શન ધરાવે છે (FICCI અને E&Y રિપોર્ટ 2022 મુજબ) જે તેને ભારતમાં સૌથી મોટું DTH પ્લેટફોર્મ બનાવે છે. DD ફ્રી ડીશના દર્શકોએ આ પ્લેટફોર્મની ચેનલો જોવા માટે કોઇપણ માસિક અથવા વાર્ષિક ચાર્જની ચુકવણી કરવાની જરૂર હોતી નથી. આ પ્લેટફોર્મ પર કુલ 167 TV ચેનલોનો સમૃદ્ધ સમૂહ ઉપલબ્ધ છે જેમાં 49 દૂરદર્શન અને સંસદ ચેનલો, અગ્રણી પ્રસારણકર્તાઓની 77 ખાનગી ટીવી ચેનલો (11 GEC, 14 મૂવી, 21 સમાચાર, 7 સંગીત, 9 પ્રાદેશિક, 7 ભોજપુરી, 1 રમતગમત, 5 ભક્તિ ચેનલો, 3 વિદેશી ચેનલો) સામેલ છે અને 61 શૈક્ષણિક ચેનલો તેમજ 48 રેડિયો સ્ટેશનો સામેલ છે.
 4. આપદા અથવા કુદરતી આફતના સંજોગોમાં વિના અવરોધે DTH સેવાઓ પૂરી પાડવાનું સુનિશ્ચિત કરવા માટે DD ફ્રી ડીશ ડિઝાસ્ટર રિકવરી સુવિધા સ્થાપિત કરવામાં આવી રહી છે.
 5. નિરંતર અને કાર્યક્ષમ પ્રોડક્શન અને ટ્રાન્સમિશન માટે ફીલ્ડ સ્ટેશનોની પ્રસારણ સુવિધાઓનું ઓટોમેશન અને આધુનિકીકરણ. આમાં સ્વચાલિત પ્લેઆઉટ સુવિધાઓ, આધુનિક સમયની સમાચાર પ્રોડક્શન પ્રણાલી માટે ન્યૂઝ રૂમ કોમ્પ્યૂટર સિસ્ટમ્સ, વાસ્તવિક સમયમાં પ્રોડક્શન એડિટિંગ અને ટ્રાન્સમિશન, નવીનતમ સ્ટુડિયો કૅમેરા, લેન્સ, સ્વિચર્સ, રાઉટર્સ વગેરેની જોગવાઇ સામેલ છે અને તે સમગ્ર દેશમાં DDના ફિલ્ડ સ્ટેશનો માટે અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. આ ક્ષમતા નિર્માણ માપદંડ DDને આધુનિક ટીવી સ્ટુડિયો પ્રોડક્શનના સમય, ટેક્નોલોજી અને ટેકનિક સાથે કદમતાલ મિલાવવા સમર્થ બનાવશે.
 6. મનોરંજન, આરોગ્ય, શિક્ષણ, યુવા, રમતગમત અને અન્ય જાહેર સેવા સામગ્રી પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રાદેશિક ભાષાઓને સમાવતી સમૃદ્ધ સામગ્રી પ્રદાન કરવી.
 7. ઝડપી પ્રતિસાદ ક્ષમતાઓ સાથે સમાચાર એકત્રીકરણની સુવિધાઓને મજબૂત બનાવવી અને સ્થાનિક અને અતિ સ્થાનિક સમાચારના કવરેજનો હિસ્સો વધારવા માટે અર્ધ-ગ્રામીણ વિસ્તારો સુધી તેનું વિસ્તરણ.
 8. વિઝ્યુઅલી (સાદૃશ્ય રીતે) સમૃદ્ધ પ્રોગ્રામ કન્ટેન્ટ તૈયાર કરવા માટે ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી જેવી નવી ટેક્નોલોજીનો સમાવેશ.
 9. સેટેલાઇટ ટ્રાન્સપોન્ડરના કાર્યક્ષમ ઉપયોગ માટે સ્પેક્ટ્રમ કાર્યક્ષમ ટેકનોલોજીની મદદથી હાલના અપ-લિંક સ્ટેશનોનું અપગ્રેડેશન.
 10. AIR અને DD-નેટવર્કમાં ડેટા ફ્લોના અસરકારક સંચાલન સાથે ગવર્નન્સમાં કાર્યક્ષમતા અને પારદર્શિતા.
 11. સ્થાનિક અને વૈશ્વિક બંને પ્રેક્ષકો માટે ડિજિટલ પહોંચમાં નોંધપાત્ર વધારો.
 12. દૂરસ્થ, આદિવાસી, LWE અને સરહદી વિસ્તારો માટે 8 લાખથી વધુ DD DTH રિસીવર સેટના મફત વિતરણની યોજના છે જેથી આ વિસ્તારોમાં પ્રેક્ષકો ટેલિવિઝન અને રેડિયો સેવાઓનો ઉપયોગ કરી શકે.

આ યોજના પ્રસારણ સાધનોના પુરવઠા અને ઇન્સ્ટોલેશન સંબંધિત ઉત્પાદન અને સેવાઓ દ્વારા પરોક્ષ રોજગારીની તકોનું પણ સર્જન કરશે. આ યોજના સામગ્રી ઉત્પાદનના કારણે સામગ્રી ઉત્પાદન ક્ષેત્રમાં વિવિધ મીડિયા ક્ષેત્રોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકો પ્રદાન કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.