Western Times News

Gujarati News

જિંદગી બિનજરૂરી ખર્ચાઓના બજારમાં ખર્ચાઈ રહી છે.. જીવાતી નથી !

હમણાં એક વાલીને અમદાવાદની એક પ્રખ્યાત નિશાળમાં પોતાના ચાર વર્ષના બાળક માટે એડમિશન લેવાની ઘેલછા સાંભળી. હાયર કે.જી. ની ફી ૧,૭પ,૦૦૦! ગમે તે થાય મારે મારા બાળકનું એ જ નિશાળમાં એડમિશન લેવું છે ! તેમાં એડમિશન લેવા માટે લાંબી લાઈનો હોય છે ! વગેરે વગેરે વાતો સાંભળીને આશ્ચર્ય થયું કે એવું તો વળી શું હશે એ સ્કૂલમાં ! અને સાથે સાથે પ્રશ્ર પણ થયો કે આ બાળક આવી સ્કૂલમાં મૂકવા છતા ના ભણ્યું તો ? અરે જેને ભણવું છે, એ શેરીના થાંભલાની લાઈટ નીચે બેસીને પણ ભણી જ લેતા હોય છે. પણ આપણે તો…

આવા બધા જ ખર્ચાઓ આપણી જિંદગીના બજેટને ખોરવી રહ્યા છે અને આપણે બહુ ઝડપથી ખૃચાઈ રહ્યા છીએ. મોંઘું એટલે સારું, એવો પૂર્વગ્રહ આપણાં સૌના મગજમાં ફીટ થઈ ગયો છે, જે નીકળી નથી રહ્યો. સઘળું બજારના હવાલે કરી, આપ,ણે જીવવાનું અને જીવંત રહેવાનું ભૂલી રહ્યા છીએ. સુખ, લાગણી, જીવંતતા જેવા ના માપી શકાય એવા માપદંડોને આપણે બજારમાં શોધી રહયા છીએ. જે કઈ અંદરનું છે, એને ભૂલીને આપણે બહારની બાબતો પાછળ એટલા દોડી રહયા છીએ કે ભૂલા પડી ગયા છીએ. આપણને બધુ જ જાેઈએ છીએ અને એટલે જ બજારે આપણાં પર કબજાે જમાવી દીધો છે. આવા બિનજરૂરી ખર્ચાઓ જ આપણને કરપ્શન તરફ લઈ જતાં હોય છે, એક એવા અંધકાર તરફ જયાં જ્ઞાનનો પ્રકાશ કદી પહોંચી જ શકતો નથી.

જે બાબતોને આપણે અંદરથી ફીલ કરવાની હોય છે તેને આપણે બહારની તરફ શોધી શોધીને હાંફી રહ્યા છીએ અને છતાં આપણને હાંફી રહેલા હદયના એ ધબકારા સંભળાઈ નથી રહ્યા કે પછી આપણે સાંભળવા માંગતા નથી. કોઈ આપણને સતત ડરાવી રહ્યું છે, સતત લલચાવી રહ્યું છે અને આપણે સતત એ દિશામાં ખુદને રખડાવી રહ્યા છીએ. આવા ખર્ચાઓ પાછળ માણસ ઢસડાઈ રહ્યો છે. તે જવી નથી રહ્યો, બસ પિસાઈ રહ્યો છે.

ઈવન ધર્મ અને શિક્ષક જેવા અગત્યની બાબતો પણ આ બજારનો એક ભાગ બનીને રહી ગઈ છે. જે જે ક્ષેત્રોમાં વ્યવસાયીકરણ આપણે દાખલ કરેલું છે, એ તમામ ક્ષેત્રો આજે પોતાની ઓરિજિનલ ચમક ગુમાવી ચુકયા છે મોટા મોટા ધર્મસ્થાનો અને તેની સાથે જાેડાયેલી ભવ્યતાને આપણે આંજી નાખ્યા છે. અને એ આંજીનાખતા પ્રકાશમાં આપણને સાચું કશું નથી દેખાઈ રહ્યું ! ધર્મ અને શિક્ષણનો મૂળ અર્થ જ આ દેકારાઓ વચ્ચે ક્યાંક ખોવાઈ ગયો છે. આલીશાન બિલ્ડીંગો અને ધર્મસ્થાનોમાં ધર્મ અને શિક્ષણ બંને મુંઝાઈ અને ગભરાઈ ગયા છે ધર્મ, શિક્ષણ અને રાજકારણ આ ત્રણેયનું કોબીનેશન આ બજારે જ કરાવ્યું છે અને આપણે સૌ આ સિસ્ટમનો ભાગ બનીને રહી ગયા છીએ.

પૈસો, સંપત્તિ, નફો આ આપણા સૌના માપદંડો બની ગયા છે અને આપણે એ માપદંડમાંથી ખુદને દૂર કરી શકતા નથી હમણાં ‘વેલ-કમ હોમ’ નામના પુસ્તકમાં એક સરસ વાત વાંચી કે જયારે આપણે મરી થઈશું, આપણે સાથે શું લઈ જઈશું? ના તો દુઃખ ના તો ખુશી અને સારાપણું જે આપણે આસપાસ ફેલાવ્યું છે પણ આપણે તો એવી રીતે વર્તતા હોઈએ છીએ, જાણે કે આપણે બધુ જ સાથે લઈ જવાના છીએ. અને એ લ્હાયમાં જ આપણે જીવવાનું ભૂલીને ભેગું કરવાનું શીખી ગયા છીએ.

બજાર માટે જિંદગી એક પ્રોડકટ બનીને રહી ગઈ છે અને આપણે સૌ પણ ખુદને એક પ્રોડક્ટના સ્વરૂપેબીજા સામે પેશ કરતાં રહીએ છીએ. આપણું જીવન જરૂરિયાતનો પાછળ એટલું બધુ દોડી રહ્યું કે આપણે સૌ ઓરિજિનલ ટ્રેક ભૂલી ગયા છીએ. જરૂરિયાતોના ઢગલા નીચે આપણી ખુશીઓની ચાવી દટાઈ ગઈ છે. સુખી થવા માટે સુખી થવું જ જરૂરી છે, પણ આપણે ખુશીઓને કોઈને આધારિત કરીને સામેથી દુઃખ અને દર્દને આમંત્રણ આપી રહ્યા છીએ. બજાર વસ્તુઓથી ઉભરાઈ રહ્યું છે, પણ આપણી પ્રાથમિકતાઓ આપણે નકકી કરી લેવાની છે. આપણને ખુશ કોઈ બહારની વ્યક્તિ કે વસ્તુઓ કેવી રીતે કરી શકે ? આ એવી લાગણી છે, જે આપણને અંદરથી જ મળી શકે એમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.