Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અમદાવાદની મ્યુનિ. શાળાઓમાં ‘સોલાર પેનલ’ નાંખવામાં આવશે

પ્રતિકાત્મક

અમદાવાદ મ્યુનિ. સ્કૂલબોર્ડનું રૂા.૧૦૭૧ કરોડનું બજેટ મંજુર

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (AMC સ્કૂલ બોર્ડ)નું વર્ષ ૨૦૨૩-૨૪નું રૂ.૧૦૬૭ કરોડનું ડ્રાફ્ટ બજેટ શાસન અધિકારી ડો. લગધીર દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના કમિટી સભ્યો ઘ્વારા રૂ. ૪ કરોડનો વધારો કરી રૂ.૧,૦૭૧ કરોડનું બજેટ બુધવારના રોજ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યું છે.

ભાજપના શાસકો દ્વારા સ્કૂલ બોર્ડ માટે મંજૂર કરવામાં આવેલા બજેટમાં સોલાર શાળા, બાળકોમાં સ્કિલ ડેવલપમેન્ટ, રમત ગમત ક્ષેત્રે પ્રશિક્ષણ, વિશિષ્ટ પ્રતિભા ધરાવતા બાળકો માટે ખાસ પ્રશિક્ષણ, શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના શ્લોકનું લેખન- પઠન, શાળાઓની સ્વચ્છતા વગેરેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગત વર્ષ ની સરખામણી એ બજેટમાં શૈક્ષણિક ખર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડો. સુજય મહેતાએ બજેટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન દ્વારા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ થાય તેવી નીતિ બનાવવામાં આવી છે. સૌર ઉર્જા એ ઉર્જાનો અખૂટ સ્રોત છે.

તેનો મહત્તમ ઉપયોગ મ્યુનિ. શાળાઓમાં થાય તે માટે, પ્રારંભિક તબકકે વધુ વીજ વપરાશ ધરાવતી મ્યુનિ. શાળાઓમાં ‘સોલાર પેનલ’ નાંખવામાં આવશે. જેના માટે સુધારા બજેટમાં રૂ.એક કરોડ ની જાેગવાઈ કરવામાં આવી છે. આત્મ ર્નિભર ભારત અંતર્ગત સ્કિલ ડેવલોપ કરવા માટે ધો.૬ થી ૮ના વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ દરમ્યાન પરંપરાગત વ્યવસાયો શીખે અને તેમનામાં વિવિધ સ્કિલ વિકસે, પ્રારંભિક તબકકે વિવિધ ચીજવસ્તુઓ બનાવતા થાય,

ટેકનિકલ શિક્ષણ પ્રાપ્ત કરે તે હેતુથી વિદ્યાર્થીને આર્ત્મનિભર બનાવવાની તક પુરી પાડવામાં આવશે. બાળકોના કૌશલ્ય વર્ધન માટે ડ્રાફ્ટ બજેટમાં રૂ.૧૦ લાખ ફાળવવામાં આવ્યા હતા. કમિટી સભ્યોએ તેમાં વધુ રૂ.૧૫ લાખની ફાળવણી કરી છે.
દિવ્યાંગ બાળકોને તેમનામાં રહેલી વિશિષ્ટ શક્તિઓ અભિવ્યક્ત કરવાની તક મળે તે હેતુથી વિવિધ સહઅભ્યાસિક કાર્યક્રમો થાય તે આવશ્યક છે.

દિવ્યાંગ બાળકોની શ્રેષ્ઠ અભિવ્યક્તિને ઉજાગર કરવા સ્કૂલ બોર્ડ કક્ષાનો દિવ્યાંગ બાળકોનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવશે. એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી શાળા નંબર ૧૭ના સ્પોર્ટસ સંકુલનો વિકાસ કરવા પાછળ રૂ. અને રમતગમત ક્ષેત્ર પાછળ રૂ. ૫૦ લાખ એમ કુલ રૂ. ૧ કરોડ, સ્કૂલોમાં વિજ્ઞાનના જીવંત પ્રયોગો પાછળ રૂપિયા ૫૦ લાખ અને કરાટે તેમજ યોગ પાછળ રૂપિયા ૨૫ લાખ ખર્ચવામાં આવશે.

તેઓએ જણાવ્યું હતું કે ગત વર્ષે બજેટમાં જે રીતે દરેક વોર્ડમાં સ્માર્ટ સ્કૂલ આવશે તેને પૂર્ણ કર્યું છે અને અત્યાર સુધીમાં ૬૦ થી વધુ સ્માર્ટ સ્કૂલો કાર્યરત છે ૯,૬૦૦થી વધુ બાળકો ખાનગી શાળા છોડી અને મ્યુનિસિપલ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે.

મ્યુનિ. કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડ દ્વારા દેશ લેવલે સફળતાપૂર્વક સિગ્નલ સ્કૂલનો પ્રોજેકટ ચાલી રહયો છે. શિક્ષણનો મૂળભુત હેતુ છેવાડાના માનવીનો વિકાસ કરવાનો રહ્યો છે. તે હેતુથી સિગ્નલ સ્કૂલના બાળકોના માતા-પિતાને વ્યવસાયિક પ્રશિક્ષણ આપવામાં આવશે. આ કાર્યક્રમ માટે રૂપિયા ૧૦ લાખ ની જાેગવાઈ કરવામાં આવી છે.

બજેટમાં વિદ્યાર્થી વિકાસ ખર્ચ માટે ૫.૮૮ ટકા રકમ ખર્ચ થશે. ૨૦૨૨-૨૩માં વિદ્યાર્થી વિકાસ માટે ૯.૧૯ ટકા રકમ ફાળવવામાં આવી હતી.જયારે પગાર ખર્ચમાં પાછલા વર્ષની સરખામણી એ ૯ ટકા નો વધારો થયો છે. બજેટની ૮૮.૭૪ ટકા રકમ પગાર-પેંશન માટે ખર્ચ થશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers