Western Times News

Gujarati News

હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને જીવલેણ ઘટનાઓમાં લોકોના જીવ બચાવવા અંગે ટ્રેનિંગ અપાઈ

જીવલેણ ઘટનાઓ જેવી કે હૃદયરોગનો હુમલો, ઇલેક્ટ્રિક કરંટ લાગવો, પાણીમાં ડૂબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરેમાં જો સામાન્ય લોકોને જીવ બચાવવાની ટેકનિક આવડતી હોય તો સમયસર CPRથી ઘણા લોકોના જીવ બચાવી શકીએ.

જીસીએસ હોસ્પિટલ દ્વારા SMY શાહપુર ટ્યૂટોરિયલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ

જીસીએસ હોસ્પિટલ દ્વારા શરુ કરેલ ઉમદા પહેલ – સીપીઆર (બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ) શીખવાડવાના અભિયાન હેઠળ અત્યાર સુધી 9 સીપીઆર ટ્રેનિંગ માં 1300 જેટલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો. આ અભિયાન હેઠળ 11 જાન્યુઆરીના રોજ SMY શાહપુર ટ્યૂટોરિયલ હાઈસ્કૂલ ખાતે CPR ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું.

આજે સામાન્ય માણસ હોય કે કોઈ મોટા સેલિબ્રિટી, તેઓ નાની ઉંમરે પણ ‘કાર્ડિએક એરેસ્ટ’ (હૃદયનું કામચલાઉ ખૂબ ધીમું અથવા બંધ પડી જવું)ના ભોગ બને છે. તેઓને CPR ટેક્નિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક સીપીઆર સારવાર આપવામાં આવે તો દર્દીની બચવાની તક ૪૦ ટકાથી પણ વધુ વધી જાય છે.

આ પદ્ધતિમાં કાર્ડિયાક અરેસ્ટ સમયે છાતી પર અમુક નિયત જગ્યાએ, નિયત સમયે દબાણ આપવાનું હોય છે તેનાથી હૃદયના ધબકારા પાછા શરુ થાય છે અને વ્યક્તિનો જીવ બચાવી શકાય છે.

CPR પ્રક્રિયા એટલે કે કાર્ડીઓપલ્મોનરી રિસસીટેશન જેમાં હાર્ટ એટેકના દર્દીને બચાવવા કઈ રીતે છાતીના કયા ભાગમાં હાથની કઈ સ્થિતીમાં પુશઅપ કરવું અને કેટલું દબાણ આપવું તે અંગે જીસીએસ હોસ્પિટલના એનેસ્થેશિયા વિભાગના ડો. પલક સીતાપરાએ પ્રેક્ટીકલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજાવ્યું હતું.

કેટલીય જીવલેણ ઘટનાઓ જેવી કે હૃદયરોગનો હુમલો, ઇલેક્ટ્રિક કરંટ લાગવો, પાણીમાં ડૂબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરેમાં જો સામાન્ય લોકોને જીવ બચાવવાની ટેકનિક આવડતી હોય તો સમયસર CPRથી ઘણા લોકોના જીવ બચાવી શકીએ. 100થી વધુ વિદ્યાર્થીઓએ આ ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો.

જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 750-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.