Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અમેરિકાના ફૂડ અને ડ્રગ (USFDA)ના અધિકારીઓ ગુજરાતના આરોગ્યમંત્રીને મળ્યા

USFDAના ડેલીગેશને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત કરી-ડેલીગેશને ગુજરાત FDCA ની બેસ્ટ પ્રેક્ટિસ, ટેસ્ટીંગ લેબની માળખાકીય સુવિધાઓ અને ટેસ્ટીંગ પ્રક્રિયાની પ્રશંસા કરી

USFDA(United States Food And Drugs Administration)ના ડેલીગેશને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની આજે ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત કરી હતી.

બે દિવસીય રેગ્યુલેટરી ફોરમની બેઠક માટે ગુજરાત પધારેલ USFDA ડેલીગેશને મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સાથેની સૌજન્ય મુલાકાત દરમિયાન ફુડ ટેસ્ટિંગ અને તેમાં ઉભરી રહેલી ટેકનોલોજી અને ટેસ્ટીંગ પધ્ધતિના આધુનિકરણ સંદર્ભે વિગતવાર ચર્ચા હાથ ધરી હતી.

મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા રાજ્યમાં વર્ષ 2013માં શરૂ કરવામાં આવેલી ફુડ ટેસ્ટીંગ વાનની પહેલ તેમજ ફુડ ટેસ્ટીંગ લેબની કામગીરી,મેડિકલ ડિવાઇસ ક્ષેત્રે ગુજરાતની વિવિધ કામગીરી તેમજ સંલ્ગન વિષયો સંદર્ભે ડેલીગેશનને માહિતગાર કર્યા હતા.

ડેલીગેશને ગુજરાત FDCA ના વિવિધ સ્ત્રોત, બેસ્ટ પ્રેક્ટિસ, ટેસ્ટીંગ લેબની માળખાકીય સુવિધાઓ અને ટેસ્ટીંગ પ્રક્રિયાની પ્રશંસા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે , તા. ૧૨-૧૩ જાન્યુઆરીએ USFDA તેમજ ગુજરાત FDCA વચ્ચે ગાંધીનગર ખાતે રેગ્યુલેટરી ફોરમ યોજાશે.જેમાં યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન-યુએસએફડીએ અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન-જીએફડીસીએ વચ્ચે બંન્ને સંસ્થાઓની બેસ્ટ પ્રેક્ટીસ એક બીજાને શેર કરવામાં આવે છે.

આ સૌજન્ય મુલાકાતમાં USFDAના ડૉ. સારાહ મેકમુલન, કન્ટ્રી ડિરેક્ટર; શ્રી ગ્રેગરી સ્મિથ, આંતરરાષ્ટ્રીય સંબંધો નિષ્ણાત; શ્રી ફિલ ગુયેન, આંતરરાષ્ટ્રીય સંબંધો નિષ્ણાત; શ્રી ધ્રુવ શાહ, વરિષ્ઠ ટેકનિકલ સલાહકાર; ડો.સુધીન્દ્ર કુલકર્ણી, વરિષ્ઠ ટેકનિકલ સલાહકાર તથા FDCA, ગુજરાતના અધિકારીઓ સહભાગી બન્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers