Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલમાં ૨૪ કલાકમાં બે અંગદાન

સિવિલ હોસ્પિટલમાં બે વર્ષમાં ૯૯ અંગદાન : ૨૯૨ વ્યક્તિઓને નવજીવન : મેડિસીટી કેમ્પસની યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં હ્ય્દયનું સફળ પ્રત્યારોપણ

(માહિતી) અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ અવિરત પણે આગળ વધી રહ્યો છે. ડિસેમ્બર-૨૦૨૦ માં શરૂ થયેલ અંગદાન આજે ૯૯ એ પહોંચ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોએ અંગદાન કરીને ૮ જરૂરિયાતમંદોના અંધકામય જીવનમાં અજવાસ પાથર્યો છે.

સિવિલ હોસ્પિટલમાં થયેલ ૯૮ માં અંગદાનમાં મૂળ ઉત્તરપ્રદેશના ૨૬ વર્ષીય દિપુભાઇ બચુલાલ ઉંચાઇ પરથી પડી જવાના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સધન સારવાર અર્થે દાખલ હતા. તેઓને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે શરૂઆત થી જ સ્થિતિ ગંભીર હતી. ૪ દિવસની સઘન સારવાર બાદ ૧૧ મી જાન્યુઆરીના દિવસે તેઓને સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા.

તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરતા કાઉન્સેલર્સ દ્વારા તેમના પરિવારજનોને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા હતા. તેમના પરિવારજનો દ્વારા બ્રેઇનડેડ દિપુભાઇના અંગોનું દાન કરતા બે કિડની, એક લીવર અને હ્રદયનું દાન મેળવવામાં સફળતા મળી છે. તેવી જ રીતે સિવિલ હોસ્પિટલમાં થયેલ ૯૯ માં અંગદાનની વિગતો જાેઇએ તો સાબરકાંઠાના ૨૮ વર્ષના ભરતભાઇ સેનવા છાપરા પરથી પડી જતા તેઓને પણ માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી.

તેઓ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર મેળવી રહ્યા હતા. જેઓને પણ ૧૨ મી જાન્યુઆરીની વહેલી સવારે તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. બ્રેઇનડેડ ભરતભાઇના અંગદાનમાં બે કિડની,એક લીવર અને હ્રદયનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જાેષી જણાવે છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ સિવિલ મેડિસીટીને વિકસાવવાના જાેયેલા સ્વપ્નના ફળ આજે મળતા થયા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થતા અંગદાન બાદ તેમાંથી મળતા અંગોના પ્રત્યારોપણ મેડિસીટી કેમ્પસની જ કિડની અને હાર્ટ હોસ્પિટલમાં થતા શક્ય બન્યા છે. જેના પરિણામે સરકારી હોસ્પિટલમાં થતા પ્રત્યારોપણ નિઃશુલ્ક અથવા તો ખુબ જ નજીવા દરે થઇ રહ્યા છે. આર્થિક ભીંસના કારણે અંગોની ખોડખાપણમાંથી નવજીવન મેળવવું જે ગરીબ પરિવારો માટે ફક્ત એક સ્વપ્ન સમુ બની ગયું હતુ તે આજે પુર્ણ થતું જાેવા મળી રહ્યું છે. મેડિસીટી કેમ્પસની યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ દ્વારા બે મહિનાના ટુંકાગાળામાં ૫ (પાંચ)હ્રદયનું સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે છેલ્લા ૨ વર્ષમાં અંગદાતા પરિવારોના સેવાભાવી ર્નિણયના પરિણામે ૯૯ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન મેળવ્યા છે. જેમાંથી મળેલા ૩૧૫ અંગોથી ૨૯૨ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.