Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ડાયમંડ સિટી સુરતમાં વ્યાજખોરો પર સામૂહિક તવાઈ

રાજ્યના ડાયમંડ સિટી કહેવાતા સુરતમાં પણ મોટાપાયે વ્યાજખોરો સક્રિય બન્યા હતાં. જો કે રાજ્ય સરકારની આ કડક કાર્યવાહીની સીધી અસરથી વ્યાજખોરો પર અંકુશ આવી ગયો છે. સુરતમાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે રૂપિયાનું ધીરાણ કરનારા અને પછી મિલકતો પડાવી લેવાના અનેક કિસ્સામાં પોલીસની કડક કાર્યવાહીથી નાગરીકોને રાહત મળી છે.

સુરતના નયનાબેન નાથાભાઈ વીરાણીને ૮ લાખના ધીરાણ સામે મકાન પડાવી લઈને પછી એ પરત જોઇતું હોય તો ૮૦ લાખની માંગણી કરનારા વ્યાજખોરને સુરત પોલીસે સકંજામાં લઇ લીધો હતો. જેના કારણે ધીરાણ આપનારાએ મકાનનો દસ્તાવેજ મૂળ માલિકને પરત કરી દઇ માંડવાળી કરી હતી.

આ જ પ્રમાણે ચંપાબેન અજુડિયા નામના અરજદારે બ્લડ કેન્સરની સારવાર માટે લીધેલાં પાંચ લાખની વસૂલાત કરવા વ્યાજખોરે ૧૫ લાખની કિંમતનો ફ્લેટ પડાવી લીધો હતો. જો કે સુરત ક્રાઈમ બ્રાન્ચે અરજદારને ત્વરિત કાર્યવાહીમાં ૧૫ લાખનો ફ્લેટ પરત અપાવ્યો છે.

તો બીજી તરફ સુરતના પરમેશ્વર પરમારે ૨.૬૦ લાખનું ધીરાણ બે વ્યાજખોર પાસેથી મેળવ્યું હતું. જેની સામે ૧૦ લાખની વસૂલાત કર્યાં છતાં પણ આરોપીએ ૪૫ લાખના મકાનના દસ્તાવેજ લઈ લીધાં હતાં. પોલીસે અરજદારને ૪૫ લાખના દસ્તાવેજ પરત કરાવ્યાં છે.

સુરતના વધુ એક કિસ્સામાં ફરિયાદી સુધીર ગોયાણી પાસેથી ૨૫ લાખ રોકડ અને ૩ દુકાનોના ઓવર વેલ્યુએશન તેમજ ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત ૬ કરોડનો હિસાબ બે આરોપીઓએ કાઢ્યો હતો. ફરિયાદીએ આ કિસ્સામાં ૪૫ લાખ ચૂકવી દીધાં હોવા છતાં ૩.૫૭ કરોડની કુલ ઉઘરાણી ગણાવી વધુ ૩.૧૨ કરોડ માગ્યા હતાં. પોલીસે રૂ. ૩.૧૨ કરોડની આ ઉઘરાણીમાંથી ફરિયાદીને મુક્ત કરાવ્યાં છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers