Western Times News

Gujarati News

આગામી ઓલીમ્પીકસ ર૦૩૬ના યજમાન બનવાની ગુજરાતે પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી દીધી છે

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં યોજાનારા 2036-ઓલિમ્પિક્સની પ્રારંભિક પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી-મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ-રમત ગમત મંત્રીશ્રી હર્ષ સંઘવી ઉચ્ચસ્તરીય બેઠકમાં ઉપસ્થિત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ ની અધ્યક્ષતામાં આ અંગેની ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિત ભાઈ એ ઓલીમ્પીકસ-ર૦૩૬માં જે રમતો સમાવિષ્ટ છે તેના આયોજન માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આકાર લેનારા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

આ સ્પોર્ટ્સ એન્કલેવમાં સમયબદ્ધ રીતે જરૂરી માળખાકીય સુવિધાઓ ઉભી કરવાનું કાર્ય આયોજન હાથ ધરવામાં આવે તેવા દિશા નિર્દેશ પણ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ આપ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી એ ગુજરાતમાં ઓલીમ્પીકસ ર૦૩૬ની રમતો માટેના જે સ્થળો આઇડેન્ટીફાય રાજ્ય સરકારે કરેલા છે ત્યાં પણ જરૂરી સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર, ખેલાડીઓ-કોચ વગેરેની આવાસ સુવિધાઓ સહિતની વ્યવસ્થાઓ ઓલીમ્પીકસના ધારા-ધોરણો અનુસાર ઊભી થાય તે માટે આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે આ બેઠક અગાઉની યોજાયેલી પ્રથમ બેઠકમાં થયેલા સુચનો અંગ જે કામગીરી આગળ વધી રહી છે તેની પણ સમીક્ષા કરી હતી.

શ્રી અમિતભાઇ શાહે રાજ્ય સરકાર દ્વારા જે કાર્ય આયોજનો થાય તેની સમીક્ષા સમયાંતરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી કરે તેવું સૂચન પણ કર્યુ હતું.

આગામી ઓલિમ્પિક્સ ગુજરાતમાં ભવ્ય રીતે આયોજિત થાય તે માટેની વિસ્તૃત વ્યૂહ રચનાની પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ આ બેઠક પૂર્વે નારણપુરા સ્પોર્ટ્સ સંકુલની પણ મુલાકાત લીધી હતી અને જરૂરી સુચનો કર્યા હતા.

મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી મૂકેશકુમાર, રમત-ગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્ચિનીકુમારે આ બેઠકમાં ભાગ લઈ પૂરક વિગતો આપી હતી.   ઓલીમ્પીકસ-ર૦૩૬ માટે ગુજરાતની તૈયારીઓ અંગેનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

ઔડાના સી.ઇ.ઓ શ્રી ડી.પી. દેસાઇ તથા વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.