Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ધો.૧૨ પાસ યુવાઓને પોલીસ, લશ્કરની ભરતી માટે તાલીમ અપાશે

તા.૨૦/૦૧/૨૦૨૩ સુધીમાં અરજી મળે તે રીતે મોકલી આપવાની રહેશે-  તાલીમમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે

પોલીસ અધિક્ષક ગાંધીનગરની યાદીમાં જણાવ્યાનુંસાર અનુસુચિત જનજાતિના ધો.૧૨ પાસ યુવાઓને પોલીસ, લશ્કર અને અર્ધલશ્કરી દળોની ભરતી માટે પોલીસ મુખ્ય મથક, સેકટર-૨૭, ગાંધીનગર ખાતે તાલીમ અપાશે.

અનુસુચિત જનજાતિના  યુવાનો/યુવતીઓ રાજ્ય સરકાર દ્વારા આયોજીત હેતુલક્ષી તાલીમનો લાભ મેળવી પગભર થઇને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ થઇ શકે તેમજ પોલીસ, લશ્કર અને અર્ધલશ્કરી દળો તથા રાજ્ય સરકારના અન્ય વિભાગોમાં નોકરી મેળવી શકે તે માટે તાલીમ સત્રનું આયોજન કરવામાં
આવનાર છે.

આ ભરતી માટે પ્રિ-ટ્રેનીંગ આપવાની હોઇ લાયકાત ધરાવતા યુવક/યુવતીઓએ પોતાની અરજી  ધોરણ-૧૨ પાસ તથા જાતિ અંગેના પુરાવા સહિત કચેરી સમય દરમિયાન રૂબરુ અથવા ટપાલથી રી.પો.ઇન્સ.શ્રી પોલીસ હેડક્વાર્ટર, ગાંધીનગરને તા.૨૦/૦૧/૨૦૨૩ સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે. ત્યારબાદ આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.

અરજદારોને  મુખ્યમથક ગાંધીનગર ખાતે વિના મૂલ્યે  રહેવા-જમવાની સગવડ આપવામાં આવશે. આ તાલીમમાં મર્યાદીત સંખ્યામાં યુવક-યુવતીઓને પ્રવેશ આપવાનો હોવાથી વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ મોકલી આપવા યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers