Western Times News

Gujarati News

સુરતમાં ગેસ સિલિન્ડર ફાટતાં યુવાનનું મોત નિપજ્યુ

સુરત, શહેરમાં ઉત્તરાયણનાં દિવસે ફુગ્ગામાં ગેસ ભરતી વખતે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જેનાં કારણે ત્રણ લોકોને ઇજા થઇ હતી. જેમાંથી એક યુવાનનું મોત નીપજ્યું છે. આ ગોઝારી દુર્ઘટનાં પુણાગામ સ્થિત મહાવીર સર્કલ નજીક ઘટી હતી.

જેમાં કૈલાશ ગંગારામ વાઘડિયા નામના યુવાનનું મોત નીપજ્યું હતુ. આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનનાં ઉદેપુરમાં રહેતો ૨૩ વર્ષનો કૈલાશ ગંગારામ વાગડીયા અને તેનો પરિવાર સિઝનલ ઘંઘો કરે છે. જેના કારણે ઉત્તરાયણનાં દિવસે તેઓ ફુગ્ગા અને તેની સાથે અન્ય વસ્તુઓનું વેચાણ કરી રહ્યા હતા.

આ પરિવાર આ ધંધા માટે પાંચેક દિવસ પહેલા જ સુરત આવ્યા હતા. આ લોકો પુણા રોડ પર મહાવીર મોબાઇલ સર્કલ પાસે રહે છે. શનિવારે વહેલી સવારે કૈલાશ અને તેનો પરિવાર સિલિન્ડરમાંથી ફુગ્ગામાં હવા ભરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સિલિન્ડર ફાટતાં મોટો ધડાકો થયો હતો. જેના કારણે કૈલાશ, સાવંત વાગડિયા (૩૫ વર્ષ) અને ભેરુ વાગડિયા (૧૬ વર્ષ)ને ઇજા થઇ હતી.

આ અચાનક થયેલા બ્લાસ્ટને કારણે ત્યાં નાસભાગ મચી ગઇ હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા તેઓ તરત જ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

આ ઇજાગ્રસ્તોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવારમાં કૈલાશનું મોત નીપજ્યું હતુ. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, કૈલાશને એક ભાઇ એને એક બહેન છે. આ અંગે પુણા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્તરાયણનાં દિવસે અન્ય એક ગોઝારી ઘટના બની હતી. કામરેજ ચાર રસ્તા પાસે યુવકના ગળામાં દોરી ભરાઇ ગઇ હતી. અકસ્માતમાં ગંભીર ઇજા થતાં યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. મૃતક યુવક જૂનાગઢ જિલ્લાનો રહેવાસી હતો, જ્યારે તે નનસાડ ગામે મામાને ત્યાં આવ્યો હતો.

યુવક નનસાડ ગામથી કામરેજ ચારરસ્તા પાસે બાઈક પર ચક્કર મારવા નીકળ્યો હતો. મૃતક યુવકનું નામ રાઠોડ સંજય કરશન ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી, જ્યારે કામરેજ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. કામરેજ તાલુકામાં ૧૪ દિવસમાં કાતિલ દોરીના કારણે બે લોકોના મોત થયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.