સીટી બસમાં મફત મુસાફરીનો ૬ હજારથી વધુ મુસાફરોએ લાભ લીધો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઉત્તરાયણ પર્વે ખરીદી,કામકાજ,મિત્રો અને સગા સંબંધી સાથે મુલાકાત અને પતંગોત્સવના પર્વની ઉજવણી કરવા નીકળતા ભરૂચના શહેરીજનોની સુવિધા તેમજ સલામતી માટે પાલિકાએ સિટી બસમાં દિવસભર મફત મુસાફરીનો લાભ આપવામાં આવતા લોકોએ દિવસ દરમ્યાન મોટી સંખ્યામાં મુસાફરી કરી હતી.
ભરૂચ સિટી બસ સેવા બે વર્ષ અગાઉ વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી.આ બાદ શહેરીજનોને સસ્તી અને સુવિધાજનક સવારી મળી રહી છે.ભરૂચ સિટી બસ પરિવહનનું એક સારું માધ્યમ બન્યું છે.આ અગાઉ રક્ષાબંધન પર્વે બહેનો માટે ભરૂચ સિટી બસ સેવાની મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો.
એક દિવસમાં ૧૪ હજારથી વધુ બહેનોએ લાભ લીધો હતો.તો ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી દ્વિચક્રી વાહન ચાલકોની સલામતી મોટો પ્રશ્ન બને છે.મોપેડ અને મોટર સાયકલ ઉપર સવાર લોકોના જીવ બચાવી સલામતી પ્રદાન કરવા ભરૂચ પાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ ૧૪ જાન્યુઆરીએ સિટી બસમાં તમામ શહેરીજનોને નિઃશુલ્ક અને સલામત મુસાફરીની ભેટ આપી હતી.
જે ઉત્તરાયણ પર્વના દિને પણ દિવસભર નિઃશુલ્ક અને સલામત રીતે તમામ મુસાફરો મુસાફરી કરી શકે તે માટેનું પાલિકા દ્વારા આયોજન કરવામાં આવતા ઉત્તરાયણની વહેલી સવાર થી જ શહેરના વિવિધ ૧૦ રૂટ ઉપર મુસાફરો મોટી સંખ્યામાં મુસાફરી કરતા જાેવા મળ્યા હતા.તો સવારના ૬ થી રાત્રી ના ૮ઃ૩૦ કલાક દરમ્યાન ૬૩૮૫ મુસાફરોએ નિઃશુલ્ક અને સલામત મુસાફરીનો લાભ લીધો હતો.