Western Times News

Gujarati News

જગતપુર રેલવે બ્રિજની કામગીરી પૂર્ણતાના આરેઃ એપ્રિલમાં લોકાર્પણની શકયતા

File

૬૬ કરોડના ખર્ચે બનનારા બ્રિજમાં ખાનગી કંપની સિદ્ધિ ગ્રુપ દ્વારા પીપીપી ધોરણે આપવાની થતી રકમ મોડી જમા કરાવતા બ્રિજની કામગીરી મોડી શરૂ થઈ હતી.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે શિરદર્દ બની ચૂકેલા જગતપુર રેલવે ઓવરબ્રિજની કામગીરી લગભગ ૮૦ ટકા પૂર્ણ થઈ ગઈ છે. આગામી ત્રણ મહિનામાં બ્રિજ બનીને તૈયાર થઈ જશે અને નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવશે. એપ્રિલ ૨૦૨૩માં રેલવે ઓવરબ્રિજ નું ઉદ્‌ઘાટન થઈ શકે છે જેનાથી રોજના ૮૦ હજાર લોકોને અવર-જવરમાં ફાયદો થશે.

મ્યુનિસિપલ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ આ બ્રીજ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઓવરબ્રિજની લંબાઈ ૭૩૫ મીટર છે જે પૈકી ૫૮ મીટર રેલવેનો ભાગ છે. જગતપુર બ્રીજની કામગીરી લગભગ પૂર્ણ થઈ ચૂકી છે.

રેલવેના ભાગમાં બ્રિજ બનાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. આ કામગીરી એપ્રિલ મહિના સુધીમાં પૂર્ણ થઈ જશે જેથી એપ્રિલના અંતમાં અથવા મે મહિનાના શરૂઆતમાં રેલવે ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. આ બ્રિજ શરૂ થતાની સાથે જ રોજના ૭૫,૦૦૦ થી ૮૦,૦૦૦ લોકોને એસજી હાઇવે તરફ અને એસજી હાઇવેથી રાણીપ, ન્યુ રાણીપ, ચાંદખેડા તરફ જવા માટે ફાયદો થશે.

જગતપુરમાં ગોદરેજ ગાર્ડન સીટી પાસે ન્યુ રાણીપ અને રાણીપ વિસ્તારને એસજી હાઇવે સુધી જાેડતા જગતપુર રેલવે ક્રોસિંગ પર પીપીપી ધોરણે ઓવરબ્રિજ બનાવવા માટે વર્ષ ૨૦૧૭માં ખાતમુહૂર્ત થયું હતું પરંતુ રૂ. ૬૬ કરોડના ખર્ચે બનનારા બ્રિજમાં ખાનગી કંપની સિદ્ધિ ગ્રુપ દ્વારા પીપીપી ધોરણે આપવાની થતી રકમ મોડી જમા કરાવતા બ્રિજની કામગીરી મોડી શરૂ થઈ હતી.

આ બ્રિજ બનાવવા માટે ૫૦ ટકા રકમ રાજ્ય સરકાર ૨૫ ટક રકમ રેલવે વિભાગ અને ૨૫ ટકા રકમ ખાનગી કંપની દ્વારા આપવામાં આવી છે. વર્ષ ૨૦૨૧માં બ્રિજની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી ખૂબ જ ઝડપી બ્રિજની બંને તરફ પીલરો ઊભા કરી અને કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે

માત્ર રેલવે નો ભાગ હવે બાકી રહ્યો છે જેમાં કામગીરી ચાલી રહી છે. રોડ એન્ડ બિલ્ડિંગ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ, ચાંદલોડિયા કોર્પોરેટર ભરત પટેલ સહિતના કોર્પોરેટર અને અધિકારીઓએ સ્થાનિક ધારાસભ્યને સાથે રાખી બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.