Western Times News

Latest News from Gujarat India

ભ્રષ્ટાચાર : સમાજને ભરખી જતું દૂષણ

માનવ સ્વભાવના કેટલાક નબળાં પાસાં અને અવગુણો છે, જે આપણી કાયદો અને ન્યાય વ્યવસ્થા, સમાજ વ્યવસ્થાને ખોખલી પાડી રહ્યા છે. આજે દરેક વ્યક્તિને ફકત પોતાનું કામ નીકળી જાય કે સ્વાર્થ સિદ્ધ થાય તેમાં જ રસ હોય છે અને આ માટે તે વ્યક્તિ કોઈ પણ હદે જવા પણ તૈયાર હોય છે. લાંચ રૂશ્વત કે ભ્રષ્ટાચાર પણ એક એવી ઉધઈ સમાન છે જે સમગ્ર ન્યાય વ્યવસ્થાને જ કોરી ખાય છે. સામાન્ય રીતે લાંચ બે કારણોથી આપવામાં આવે છે. એક તો ખોટું કામ કરાવવા માટે અને બીજું સાચા કે યોગ્ય કામને વધુ આસાન બનાવવા માટે.

લાંચ-રુશ્વત કે ભ્રષ્ટાચાર બહુ લાંબા સમયથી ભારતીય સમાજમાં ઉડે સુધી ઘર કરી ગયેલું દૂષણ છે. આપણા પ્રાચીન ધાર્મિક ગ્રંથો અને જૂના પુસ્તકોામં પણ તેનો ઉલ્લેખ જાેવા મળે છે. રાજાનું અસલી કાર્ય અને પહેલી ફરજ તેની પ્રજાને ન્યાય આપવાનું હોય છે. યોગ્ય લાગતું કામ કરાવવા માટે પણ જાે કોઈ ભલામણ કે પછી નાણાં આપવા પડતા હોય તો એ વ્યવસ્થા સો ટકા ખામીયુક્ત છે તેમ કહી શકાય.

આજકાલ દરેક વ્યકિતના દિમાગમાં એવો વહેમ ઘર કરી ગયો છે કે પૈસાના જાેરે તો કોઈ પણ અયોગ્ય કે ખોટાં કામને પણ આસાનીથી કરાવી શકાય છે. આપણા દેશમાં એક સમય એવો પણ હતો જયારે સામાન્ય વ્યક્તિનું કોઈ કામ નિયત સમય પહેલા થઈ જાય તેનું ધ્યાન ટોચના અધિકારીઓ રાખતા હતા. કામમાં વિલંબની ફરિયાદને ખૂબ ગંભીરતાથી લેવામાં આવતી હતી અને સમાજના દરેક વર્ગના વ્યક્તિને એક સમાન ન્યાય મળતો હતો. પરંતુ હવે સ્થિતિ સાવ બદલાઈ ચુકી છે. લોકોને પોતાનું કામ થઈ જાય એના વગર બીજી કોઈ વાતમાં લેશમાત્ર રસ હોતો નથી. તમે જયારે તમારું નાનું એવું કામ ઝડપથી અને ધક્કા ખાધા વગર કરાવવા ઈચ્છતા હો ત્યારે થોડા પૈસાનો ‘વ્યવહાર’ એટલે કે લાંચ આપતા તમને ખચકાટ થતો નથી. તમારી આ એક વખતની લાંચ જે તે સરકારી વિભાગ અને એ અધિકારીને ભ્રષ્ટ બનાવે છે અને તમારા બાદ જે સાવ સામાન્ય વ્યક્તિ પોતાનું કામ લઈને તેની પાસે જાય ત્યારે તેને ફકત નિરાશા જ હાથ લાગતી હોય છે.

આપણા દેશમાં ઈમર્જન્સી બાદ લાંચ રૂશ્વતનું જે ગ્રહણ આપણી સિસ્ટમને લાગ્યું તે આજ દિન સુધી દૂર થયું નથી. ભ્રષ્ટાચારની આ બીમારીને મૂળમાંથી ખતમ કરવાની જરૂર હતી, પણ કોઈએ તેના પર ખાસ ધ્યાન આપ્યું જ નહીં અને આજે તે ન્યાય પ્રણાલીનો ભોગ લેવા બેઠી છે.
એ સમયે ભ્રષ્ટાચાર બહુ નીચેના સ્તર સુધી જ સિમિત હતો અને ઈમાનદાર વ્યક્તિ માટે તમામ રસ્તા બંધ પણ નહોતા. એ સમયમાં પ્રામાણિક લોકોનું માન-સન્માન આપણા સમાજમાં ખૂબ હતું.

ત્યારબાદ દેશભરમાં આતંકવાદે જે રીતે માથું ઉંચકયું તેની જ અસરના ભાગરૂપે આપણી સિસ્ટમમાં પણ લાંચ અને ભ્રષ્ટાચારનો સડો ફેલાવા લાગ્યો. આંતરરાષ્ટ્રીય તસ્કરો પોલીસ અને એજન્સીઓથી બચવા માટે ભ્રષ્ટ સરકારી અધિકારીઓને શોધવા લાગ્યા. દરેક સરકારી સિસ્ટમમાં ક્યાંકને ક્યાંક કોઈ એવી અસંતુષ્ટ વ્યક્તિ મોટા પદ પર બેઠી જ હોય છે જેની પૈસા કમાવાની લાલચ સમગ્ર સમાજની પ્રગતિ પર ભારે પડી જાય છે. આવી એક વ્યક્તિ તેના લોભને કાબુમાં કરી શકતી નથી અને તેનું પરિણામ આખી સિસ્ટમ કે સમાજને ભોગવવું પડે છે.

એક વાત હવે સામાન્ય જનતા સમજી ગઈ છે કે આપણા દેશમાં ગ્રામ પંચાયતની નાની સરખી ચૂંટણી લડવા માટે પણ કરોડો રૂપિયાનું ફંડ જાેઈએ છે. એવા સંજાેગોમાં વિધાનસભા કે લોકસભાની ચૂંટણીની તો વાત જ જવા દો. ભ્રષ્ટાચારને જાે રાજનૈતિક રક્ષણ ન મળે તો કોઈ અધિકારીની એટલી હિંમત નથી કે તે પ્રજા પાસે લાંચ પેટે નાણાં માગી શકે. આજે ટ્રાફિક સિગ્નલ પર જયારે આખા દિવસની મહેનત કરીને પરત ફરતો કોઈ મધ્યમવર્ગીય માણસ પસાર થાય છે ત્યારે તે પોલીસથી બચીને જવાનો કોશિશ કરે છે, કારણ કે તેને ભ્રષ્ટાચાર પર ભરોસો છે, પરંતુ આપણી ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ નથી, આ કડવી છતાં એકદમ સત્ય હકીકત છે, જે આપણે મને-કમને સ્વીકારવી જ રહી.

જયારે કોઈ સરકારી બાબુ કે નેતા પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ થાય છે ત્યારે તેની તપાસ વર્ષો સુધી ચાલ્યા કરે છે અને કોઈ નક્કર પરિણામ આવતું નથી. લોકોની યાદશક્તિ બહુ નબળી હોય છે અને તેનો લાભ નેતાઓ સૌથી વધુ ઉઠાવતા હોય છે. ઊધઈ ભલે બહુ નુકસાન કરે છે, પરંતુ તેના વિશે એવું કહેવાય છે કે તે ફકત સુકાં લાકડાંને જ કોરી ખાય છે. લીલાછમ વૃક્ષોને તે નુકસાન પહોંચાડતી નથી. ભ્રષ્ટાચારી વ્યક્તિ આ ઉધઈ કરતા પણ વધારે નુકસાનકારક છે, કેમ કે તે ન્યાય વ્યવસ્થાને, આખા સમાજને અને માણસ જેવા માણસને પણ ભરખી જાય છે. ભ્રષ્ટાચારના આ ભોરિંગને સમયસર કચડી નાખો એ જ આપણા સમાજ અને દેશના હિતમાં છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers