Western Times News

Gujarati News

ગુડ સમરીટન એવોર્ડથી નર્મદા જિલ્લાના પાંચ વ્યક્તિઓને સન્માનીત કરાયા

રાજપીપલા, – જીવલેણ માર્ગ અકસ્માતમાં ઇજા પામનાર વ્યક્તિને “ગોલ્ડન અવર” માં ઇજાગ્રસ્તનો જીવ બચાવી શકાય તે માટે મદદ પહોંચાડનાર વ્યક્તિને કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત “ગુડ સમરીટન એવોર્ડ” યોજનાનું ગુજરાતમાં આજરોજ ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રિ-લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યના જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ ઓનલાઇન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જાેડાયા હતા. નર્મદા જિલ્લામાં ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેના હસ્તે નર્મદા જિલ્લામાં અકસ્માતગ્રસ્ત વ્યક્તિઓને મદદરૂપ થનાર પાંચ વ્યક્તિઓને જિલ્લા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે એવોર્ડ આપી સન્માનિત કરાયાં હતા.

માર્ગ અકસ્માતમાં ગભીર રીતે ઘવાયેલ વ્યક્તિને પ્રથમ કલાક એટલે કે “ગોલ્ડન અવર” માં યોગ્ય સારવાર મળી રહે તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવતા હોય છે. પરંતુ અનેક વખત લોકોના મનમાં કાયદાકીય ગુંચવણોમાં પડવાનો ડર રહેતો હોય છે. તેને દુર કરી રાજ્યની શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે માનવીય અભિગમને બિરદાવવાના ઉમદા આશય સાથે માર્ગ સલામતી સુનિશ્વિત થાય તેવા શુભ આશય સાથે કેન્દ્ર સરકારની યોજના “સ્કીમ ઓફ એવોર્ડ ટુ ગુડ સમરીટન” ને રાજ્યમાં લાગુ કરી “ગુડ સમરીટન એવોર્ડ” તરીકે રિ-લોન્ચ કરી રાજ્યના નાગરિકોને અકસ્માતના સમયે ત્વરિત અસરથી મદદરૂપ થવા માટે યોગ્ય સન્માન મળી રહે તેવું આયોજન કર્યું છે.

આ યોજનામાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને નજીકની હોસ્પિટલ કે ટ્રોમા સેન્ટરમાં પહોંચાડનાર પરોપકારી-મદદગાર વ્યક્તિને તેમના માનવીય અભિગમ સાથેની મદદને બિરદાવીને પ્રોત્સાહિત કરવામાં આવશે. “ગુડ સમરીટન એવોર્ડ” માટેના નક્કી થયેલા માપદંડોમાં એક ગુડ સમરીટન એક અથવા વધુ વ્યક્તિઓના જીવ બચાવે તો તેને રૂા.૫,૦૦૦/- સુધીનો રોકડ પુરસ્કાર, જાે એક કરતા વધુ ગુડ સમરીટન એક વ્યક્તિનો જીવ બચાવે તો તેમની વચ્ચે રૂા.૫,૦૦૦/- સમાન રીતે વહેંચવામાં આવશે અને જાે એક કરતા વધુ ગુડ સમરીટન એક કરતા વધુ વ્યક્તિઓનો જીવ બચાવે તો મહત્તમ રૂા.૫,૦૦૦/- પ્રતિ ગુડ સમરીટન વ્યક્તિને પુરસ્કાર સ્વરૂપે ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

નર્મદા જિલ્લામાં ઉક્ત જણાવેલા માપદંડો હાંસલ કરનાર અને માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલ સુધી પહોંચાડનારા જિલ્લા ટ્રાફીક શાખાના હાઇવે પેટ્રોલ કારમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શ્રી બિપીનભાઇ કનુભાઇ વસાવા, ૧૦૮-એમ્બ્યુલન્સના પાયલોટ શ્રી યશપાલસિંહ રણજીતસિંહ ડોઢીયા, ખાનગી એમ્બ્યુલન્સના ચાલક શ્રી વિકેશભાઇ કનુભાઇ માછી, રાજપીપલાના નાગરિક મુજફર મહેબુબભાઇ શેખ અને જીતનગર ત્રણ રસ્તા ખાતે મકાઇ ડોડા વેચીને ગુજરાન ચલાવતા શ્રી રોહિતભાઇ ગુરજીભાઇ વસાવાને તેમના માનવીય અભિગમ બદલ સન્માનિત કરવામા આવ્યા હતા.

આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.પટેલ, જિલ્લા ટ્રાફીક પોલીસના પીએસઆઇશ્રી એમ.બી. ચૌહાણ, વાહન નિરીક્ષકશ્રી વી.ડી.અસલ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.