એર ઈન્ડિયાને ૩૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો

પ્રતિકાત્મક
(એજન્સી)નવી દિલ્હી, એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પેશાબ કાંડ મામલે શુક્રવારે એરલાઈન્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ડીજીસીએ દ્વારા નાગરિક ઉડ્ડયન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એર ઈન્ડિયાને ૩૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત પાઈલટનું લાઇસન્સ પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
એરક્રાફ્ટ રૂલ્સ ૧૯૩૭ ના નિયમ ૧૪૧ અને લાગુ ડીજીસીએના નાગરિક ઉડ્ડયન નિયમો હેઠળ તેની ફરજ નિભાવવામાં નિષ્ફળતા માટે પાઇલટ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય એર ઈન્ડિયાની ફ્લાઈટ સર્વિસમાં ડાયરેક્ટર પર ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસમાં પીડિત મહિલાએ એર ઈન્ડિયા પર સમયસર પગલાં ન લેવાનો અને સમાધાન કરાવવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ડીજીસીએએ એર ઈન્ડિયાને નોટિસ આપી ખુલાસા માંગ્યા હતા. આ પછી ડીજીસીએએ એર ઈન્ડિયાને પૂછ્યું છે કે શા માટે તમારી સામે કાર્યવાહી ન કરવામાં આવી. તમે તમારી જવાબદારી યોગ્ય રીતે પૂર્ણ કરી નથી, પરંતુ તેમ છતાં ન્યાયિક પ્રક્રિયાને ધ્યાનમાં લેતા, તમને જવાબ આપવા માટે બે અઠવાડિયાનો સમય આપવામાં આવશે. તેના આધારે જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.