Western Times News

Latest News from Gujarat

પારદર્શકતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાનાં ચાર સ્તંભ પર ગુજરાતને સમૃધ્ધ બનાવવું છે – મુખ્યમંત્રી

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત દિવાળી સ્નેહમિલનમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ

  • મોકળાશનું વાતાવરત બનાવી વેપાર-ઉદ્યોગનો વિકાસ કર્યો છે
  • ધંધા-ઉદ્યોગના વિકાસ માટેની મંજૂરીઓમાં છૂટછાટ આપી છે
  • કોઇપણ નિર્ણયો સંલગ્ન વર્ગ સાથે ચર્ચા-વિચારણા કરી લીધાં છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં વેપાર-ઉદ્યોગ જગત માટે સમયાનુકૂલ અને તાત્કાલિક નિર્ણયો લઇ મોકળાશનાં વાતાવરણનું સર્જન કર્યું છે તેના સથવારે ગુજરાતનો વિકાસ હજુ વધુ ઉંચાાઇ સુધી લઇ જવો છે.       આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાત પાસે જરૂરી માળખું છે, જરૂરી સ્ત્રોતો ઉપલબ્ધ છે, તે સાથે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસના સકારાત્મક નિર્ણયોથી ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પહેલાં પરમીશન લેવામાં આવતી હતી પછી પ્રોડક્શન થતું હતું. પરંતુ રાજ્ય સરકારના પ્રો-એક્ટીવ અભિગમથી પ્રોડકશન શરૂ કર્યા બાદ પરમીનશ લે તેવી કાર્યપ્રણાલી વિકસાવી છે.  મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે ગુજરાતનાં જી.ડી.પી.ને ઉંચો લઇ જવામાં મહાજનનું મોટું યોગદાન છે ત્યારે ચેમ્બરની માંગણીઓ સંતોષવી તે રાજ્ય સરકારની ફરજ છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ માટે દુકાનો ૨૪ કલાક ખુલ્લી રાખવાની મંજૂરી, હોટલ-પેટ્રોલ પંપનાં લાયસન્સ રીન્યુઅલમાંથી મુક્તિ, સી.એન.જી. પંપ સ્થાપવા તાત્કાલિક મંજૂરી જેા ઉદ્યોગ પ્રેરક પગલાં લીધાં છે.

શ્રી વિજયભાઇએ કહ્યું કે, સમાજનાં જે – તે વર્ગને સ્પર્શતા પ્રશ્નોનોનો તે વર્ગ સાથે ચર્ચા-વિચારણા કરી નિર્ણય લીધાં છે જેથી તેની સ્વીકાર્યતા વધી છે. ચેકપોસ્ટોની નાબૂદીનો ઐતિહાસિક નિર્ણયો લીધો છે. આ ઉપરાંત ૨૦ લાખ લર્નિંગ લાયસન્સનો બેકલોગ ઘટે તે માટે આઇ.ટી.આઇ.માંથી પણ લર્નિંગ લાયસન્સ કાઢવાની વ્યવસ્થા ગોઠવી છે.

તેમણે કહ્યું કે, અમારી સરકાર લોકોની લાગણી-માંગણીનો પડઘો પાડી પારદર્શકતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશિલતાનાં ચાર સ્તંભો પર વિકાસપથ પર અગ્રેસર છે.        મુખ્યમંત્રીશ્રીએ ક્હ્યું કે, ચેમ્બર એ મહાજનનો પ્રકાર છે. તે ગુજરાતનાં વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે ત્યારે વેપાર-ઉદ્યોગની લાગણીને પ્રેરક બનવું તે રાજ્ય સરકારની જવાબદારી છે. તેમણે પ્રજા સાથેનો સંબંધ આત્મીય હોય તો જ સફળતા પ્રાપ્ત થતી હોય છે તેમ જણાવી નવા વર્ષે સૌને રિધ્ધિ-સિધ્ધિ મળે અને ગુજરાત શક્તિશાળી-સમૃધ્ધ બને તેવી વાંચ્છના કરી હતી.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં પ્રેસિડન્ટશ્રી દૂર્ગેશ બુચે જણાવ્યું કે, ટેકનોલોજીનાં અપગ્રેડેશન આવતાં ચેમ્બરમાં વ્યવસાયિકતા આવી છે છતાં, ચેમ્બરની કાર્યપધ્ધતિ મહાજનની રાખી નાના ઉદ્યોગોનું વિશેષ ધ્યાન રાખ્યું છે. ૫ ટ્રીલીયન ઇકોનોમીનાં વડાપ્રધાનશ્રીનાં સ્વપ્ન સાકાર કરવાં વેપારી મહામંડળ પુરતું યોગદાન આપશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે ‘લાઇફ ઇઝ ગુડ’ અંગેની દ્દશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી.

આ સ્નેહમિલન કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલ, ચેમ્બરનાં સિનિયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી નટુભાઇ પટેલ, ઉપપ્રમુખ ભાર્ગવભાઇ ઠક્કર, ઓનરરી ટ્રેઝરર પથિકભાઇ પટવારી, ઇન્ડોનેશિયાના ભારતીય એમ્બેસેડર સિધ્ધાર્થજી, ચેમ્બરનાં પદાધિકારીઓ-અધિકારીઓ તથા વેપાર-ઉદ્યોગ જગતનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

GCCI diwali gettogether cm vijay rupani rajpath club ahmedabad gujarat samachar