Western Times News

Latest News from Gujarat India

કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતીની બેઠક યોજાઇ

ગરબાડા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી માટેનું આયોજન કરાયું

(પ્રતિનિધિ) દાહોદ, જિલ્લા સેવા સદન દાહોદ ખાતે જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતીની બેઠક કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં મળી હતી. સંકલન સમિતિની બેઠકના પ્રથમ ભાગમાં જનપ્રતિનિધિશ્રીઓના વિવિધ પ્રશ્નો લેવામાં આવ્યા હતા. જેના સલગ્ન વિભાગના અધિકારીશ્રીઓએ સંતોષકારક જવાબ આપ્યા હતા. કલેક્ટર ડો. ગોસાવીએ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

બેઠકમાં ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીએ વિવિધ પ્રશ્નો જેમાં સ્માર્ટ સીટી અંતર્ગતના કામો, દાહોદમાં વિવિધ બાંધકામો મંજૂરી અનુસાર થાય છે કે કેમ, દાહોદના કડાણા યોજના અંતર્ગત પીવાના પાણીમાં આવી રહેલા વિક્ષેપો, દાહોદ નગરમાં રખડતા કૂતરા, ઢોરને કારણે બનતી અકસ્માતની ઘટનાઓ નિવારવા માટે લેવાયલા પગલા, દાહોદ નગરમાં લુંટધાડના કેસો, નળ સે જળ યોજના અંતર્ગત બાકી કામગીરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લોન માટેની મંજૂર કરાયેલી અરજીઓ સહિતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભૂરિયાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દાહોદ નગર પાલિકા હોવા છતાં સ્માર્ટ સીટીમાં સમાવેશ થયો હોય તેવું દેશનું એક માત્ર નગર હોવાનું

જણાવીને સ્માર્ટ સીટીના વિવિધ પ્રશ્નોના સત્વરે નિવારણ લાવવા જણાવ્યું હતું. દાહોદ નગરમાં કડાણા યોજના અંતર્ગત પાણીના પ્રશ્નો દૂર થાય એ માટે યોગ્ય ઉપાયો કરવામાં આવી રહ્યાં હોવાનું જણાવી કલેક્ટરશ્રીએ નગરમાં પાણીના ત્રણ ઓવરહેડ ટાંકા પણ બની રહ્યા હોય તેની કામગીરી પણ ઝડપથી પૂર્ણ થશે અને પાણીની નિયમિતતાથી મળવા બાબત જણાવ્યું હતું. દાહોદ નગરમાં કૂતરા-ઢોરની સમસ્યા અંગે ટેન્ડર બહાર પાડીને એજન્સીને કામગીરી સોંપવાની પ્રક્રિયા કરવામાં આવી રહી હોવાનું જણાવાયું હતું.

દાહોદ નગર અને જિલ્લામાં પોલીસ સ્ટેશનો અને ચોકીઓની માહિતી તેમજ લૂંટફાટની ઘટનાઓ વિશે એઅસપી શ્રી જગદીશ બાંગરવાએ માહિતી આપી હતી. નળ સે જળ યોજના અંતર્ગત વિવિધ ગામોમાં પાણી મળવામાં આવી રહેલી સમસ્યાઓનો સત્વરે નિકાલ કરવા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ સૂચના આપી હતી અને વિવિધ ગામોમાં પડી રહેલી મૂશ્કેલીઓને નિવારવા જનપ્રતિનિધિશ્રીઓને સાથે રાખીને એક બેઠકનું આયોજન કરવા પણ જણાવ્યું હતું. હાઇવે નજીક સતી તોરલ હોટલથી ઝાલોદ તરફ જતા હાઇવેના સમારકામ અંગના પ્રશ્નના જવાબમાં આજથી જ તેનું સમારકામ શરૂ કરાયું છે અને એક અઠવાડિયામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ સલગ્ન વિભાગના અધિકારીશ્રીએ જણાવ્યું હતું.

આગામી તા. ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ગરબાડા ખાતે ઉજવવામાં આવશે. પ્રજાસત્તાક દિવસની ઉજવણી શાનદાર રીતે કરવા માટે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું હતું અને આ અંગેના આયોજનની સમીક્ષા કરી હતી. વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો ર્નિદશન, સ્ટેજ વ્યવસ્થા સહિતની બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ તા. ૨૪ જાન્યુઆરીના રોજ સવારે રિહર્સલનું પણ આયોજન કરાયું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers