Western Times News

Latest News from Gujarat India

રાત્રે 10 વાગે અમદાવાદ સિવિલ પહોંચી અંગદાતાના પરિવારનો ઋણસ્વીકાર કરતા આરોગ્યમંત્રી

શાસકની સંવેદના-સિવિલ હોસ્પિટલના ૧૦૦ માં અંગદાનના સમાચાર મળતા આરોગ્યમંત્રી પહોંચ્યા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં

“અંગદાન મહાદાન”ના સેવામંત્રને આત્મસાત કરીએ – શ્રી ઋષિકેશભાઈ પટેલ, આરોગ્યમંત્રી, ગુજરાત

રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે શાસનની સંવેદનાનો પુન: એક વાર પરિચય કરાવ્યો. વાત જાણે એમ બની કે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે સિવિલ હોસ્પિટલમાં ચાલતી કામગીરી સંદર્ભે સિવિલ સુપ્રિટેન્ડેન્ટને ફોન કર્યો, ત્યારે વાતચીત દરમિયાન સુપ્રિટેન્ડેન્ટશ્રીએ મંત્રીશ્રીને એવી જાણકારી આપી કે સિવિલ હોસ્પિટલમાં આજે ૧૦૦ મું અંગદાન થશે.

આ જાણકારી મળતા મંત્રીશ્રીએ અંગદાનનો નિર્ણયકર્તા પરિવારનો ઋણસ્વીકાર કરવા સિવિલ જવાનું નક્કી કર્યું. મંત્રીશ્રી રાત્રે દસ કલાકે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને ૨૬ વર્ષીય બ્રેઈનડેડ યુવકના અંગદાન પૂર્વેની પ્રાર્થનામાં સહભાગી થયા.

આરોગ્ય મંત્રીશ્રીએ અંગદાતાના પરિવારજનોના સેવાભાવને બિરદાવતા કહ્યું કે, અંગદાન થકી માણસ મૃત્યુ બાદ અન્ય વ્યક્તિને નવું જીવન આપે છે. તેમણે ઉમેર્યું અંગદાનનો નિર્ણયકર્તા  મહાન આત્માઓ ભારતીય સંસ્કૃતિના “સેવા પરમો ધર્મ”ના મંત્રને ચરિતાર્થ કરે છે.

સિવિલ હોસ્પિટલમાં થયેલ ૧૦૦ માં અંગદાનની વિગતો જોઈએ તો, અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષીય નિલેશભાઈ ઝાલાને માર્ગ અકસ્માત નડતા સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા .

જ્યાં ૨૪ જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. સિવિલ હોસ્પિટલની સોટ્ટોની ટીમ દ્વારા તેમના પિતાશ્રી અને પરિવારજનોને અંગદાનની સમજ આપવામાં આવી ત્યારે તેમના પિતા મહેન્દ્રભાઈ ઝાલાએ દીકરાના અંગદનનો નિર્ણય કર્યો.

અત્રે મહત્ત્વની બાબત એ છે કે, નીલેશભાઈના અંગદાનની રીટ્રાઇવલ એટલે કે અંગો કાઢવાની પ્રક્રિયામાં બે કિડની, લીવર, ફેફસાં, હ્રદય, સ્વાદુપિંડ નું દાન મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે..આઠથી દસ કલાકની મહેનતના અંતે ખબર પડશે કે ઉપરમાંથી ક્યાં અંગોનુ દાન સફળતાપૂર્વક મળ્યું છે..

Copyright © All rights reserved. | Developed by Aneri Developers