Western Times News

Gujarati News

૧ હજાર જેટલા વિદ્યાર્થીઓને ચાર્ટ્ડ એકાઉન્ટન્ટની પદવી અર્પણ કરાઈ

ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ) નો પદવીદાન સમારોહ – ૨૦૨૩ યોજાયો

શિક્ષણએ સિંહણનાં દૂધ જેવું છે જે તેને પીવે છે તે ગરજે છે: સાંસદશ્રી કિરીટભાઈ સોલંકી

આ પ્રસંગે સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકીએ  જણાવ્યું હતું કે, આજે ૧ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પદવી મેળવી છે હું તેમને અને તેમના પરિવરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, વધુમાં ઉમેર્યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકર જેવા મહાન પુરુષોએ આપણે સૌને શિક્ષણ અને કેળવણીનું મહત્વ શીખવ્યું છે અને આપ સૌ તેનું જીવતું જાગતું ઉદાહરણ છો.

શિક્ષા એ સિંહણનાં દૂધ જેવું છે જે તેને પીવે છે તે ગરજે છે, એટલે કે આપ સૌનું જ્ઞાન અને કૌશલ્ય દેશના અર્થતંત્રને વધુ મજબૂત કરશે સાથે જ દેશના અર્થતંત્રને લગતાં નિર્ણયો લેવામાં ખુબ જ મોટો ફાળો આપશે તેવો અમને વિશ્વાસ છે. તેમ તેઓએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આપ સૌ દેશના અલગ અલગ વિભાગોમાં ભવિષ્યમાં કાર્ય કરશો કોઈ સરકારી ક્ષેત્રમાં જશે તો ત્યાં તે સરકારનાં બજેટને લગતા પ્રશ્નો અને સમસ્યાઓનું નિવારણ લાવવામાં મદદરૂપ નીવડશે, કોઈ ખાનગી ક્ષેત્રમાં જશે તો ત્યાં તેઓ જે-તે પેઢીને ફાઇનાન્સનાં પ્રશ્નો સમજવા અને સમજાવવામાં સહાયરૂપ નીવડશે, એટલે કે આપ સૌ દેશના અર્થતંત્રની પરિસ્થિતિ સમજી વધુ મજબૂત બનાવવામાં મહત્વનો ફાળો આપશો તેમ તેઓએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આપ સૌ દેશની સંસદ માટે ફાઇનાન્સના યોગ્ય નિર્ણયો લઈ આ ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરી શકો છો, સાથે સાથે દેશના ખર્ચા અને બચતની તકેદારી રાખી દેશનાં વિકાસમાં મહત્વનો ફાળો આપશો સાથે જ એક જવાબદાર અધિકારી કે નાગરિક તરીકે ઉભરી આવશો તેવી અમને સૌને ખાતરી છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમુક વર્ષો પહેલા વૈશ્વિક દ્વષ્ટિએ અર્થતંત્રમાં ભારતનો ૧૧મો ક્રમ આવતો હતો પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વથી હાલ ભારત ચોથા ક્રમે છે અને આપ સૌના સાથ અને સહકારથી ત્રીજો ક્રમ ખૂબ જ ઝડપથી પ્રાપ્ત કરી શકાય તેમ છે તેમ તેઓએ જણાવ્યું હતું.

ભારત દ્વારા આયોજીત જી – ૨૦ સમીટમાં પણ આપ આપનું યોગદાન આપી રાષ્ટ્રના અર્થતંત્રને વેગ આપવામાં સહાયરૂપ બનો તેવું તેમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલ વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું.

અંતે તેઓએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પદવી મેળવેલ વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા સાથેજ પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.

આ પદવીદાન સમારોહમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનાં વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત સુનિલ તલાટી, આઇસીએઆઇ નાં  સેન્ટ્રલ કાઉન્સિલ સભ્ય શ્રી વિશાલ દોશી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓનાં પરિવારજનો અને અન્ય મહાનભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.