Western Times News

Latest News from Gujarat India

આત્મીયતાનો અમીરસ ….

નકારાત્મક લાગણીઓની સતામણીને હડસેલી , હંમેશા બીજાને સમજવાની મથામણ કરનાર વ્યક્તિ આત્મીયતા નામનાં અમીરસનું પાન કરી પોતાનાં લોકોને સાચા અર્થમાં પોતાનાં બનાવી શકે છે …એવું મારું માનવું છે . વ્યક્તિ દ્વારા બોલાતા શબ્દોને ઓળખવાની ,અનુભવવાની અને સમજવાની કવાયત એટલે મનુષ્યના સમગ્ર આંતરિક મનોભાવ ને ગ્રેડ કરવાની પ્રક્રિયાની શરૂઆત .મોટાભાગે આપણે બીજાઓની ક્ષતિઓ શોધવામાં રચ્યા-પચ્યા રહીયે છીએ .જીવનસંગ્રામમાં લોકો શબ્દોના ડંખથી બીજાને જખ્મી કરે છે .દરેકને આત્મીયતાની હૂંફ જાેઈએ છે ખરી , પણ અન્યને જયારે એ આપવાની વાત આવે ત્યારે તેઓનાં જુના અનુભવો માનસપટ પર આવી જાય છે .

મનુષ્યની બોડીલેંગ્વેજ એના અંતરના મનોભાવનો આઇનો છે એ સૌ કોઈ જાણે છે .જીવનની દરેક પરિસ્થિતિને એક રંગમંચ તરીકે જાેનાર વ્યક્તિ કુશળ અભિનેતા બની શકે છે ,અને પોતાની લાગણીઓ ઉપર નિયત્રંણ રાખી શકે છે .કેટલીકવાર આપણે બીજાના જીવનના ઉતાર – ચઢાવને પોતાની ભાષામાં રજૂ કરતાં હોઈએ છીએ ત્યારે ,
કંઈક એવું બોલી નાખીયે છીએ કે સામેવાળી વ્યક્તિ ઉશ્કેરાઈ જાય છે .દરેક વ્યક્તિ પોતાના નિજી મનોદ્વંદ્વમાં ફસાયેલો હોય છે .દરેકના જીવનની કડવાશ એની અભિવ્યક્તિમાં છલકાતી હોય છે .એ સાવ સામાન્ય પણ અગત્યની વાત છે .પોતાના વ્યક્તિની આંખોમાં ડોકાતી શૂન્યતા બીજાને કેટલી ખુંચતી હોય છે ….એ જે લોકો,પરિસ્થિતિવશ માત્ર ડાયરીના હાંસિયામાં જીવતા હોય એજ કહી શકે .

વ્યક્તિના સ્વભાવમાં રહેલાં ઉમદાપણાને લીધે એ બીજાના માણસના માનસપટ પર અંકિત હોય છે .ઉમદાપણું એટલે આપણી નિકટના વ્યક્તિની અવ્યક્ત વ્યથાને સમજીને એને એમાંથી ઉગારવાની પહેલ કરવી અને અંજામ સુધી લઇ જવામાં સાથ આપવો .કોમ્પ્યુટરમાં જેમ ફાઈલ રિફ્રેશ કરીયે છીએ તેવી જ રીતે દરેક વ્યક્તિ એના જીવનના અનુભવો પણ અપડેટ કરતાં હોય છે .સારા અનુભવોની સંખ્યા ભલે ઓછી હોય …પણ એ સૌથી વધુ યાદગાર હોય છે .એકબીજાના સાથ માટે જીવનની દોડમાં અટકી જઈ બીજાના આવવાની રાહ જાેવી એટલે સાચી આત્મીયતા .

આત્મીયતા એટલે એક બીજાના આત્મા સુધી સાચી લાગણીની સંવેદના વહેતી મુકવી .જયારે એમાં કમી વર્તાય એટલે વ્યક્તિ અદ્રશ્ય ઉષ્માની કમીથી પીડાવા લાગે .આ ઉણપથી થતાં રોગને કહેવાય …આત્મીયતાનું અલ્પત્વ . મનુષ્યત્વને નજીકથી અનુભવવા આત્મીયતા કેળવવી જરૂરી છે.જીવન જીવવાની કે જીતવાની કોઈ તરકીબ હોય તો માત્ર …..તમારો અન્ય સાથેનો સોહાર્દપૂર્ણ વ્યવહાર જ છે . સફળતા અને નિષ્ફ્ળતાંનો છેદ ઉડાડીને જીવન જીવીયે ત્યારે આપણને કાંઈ ગુમાવ્યાનો વસવસો નથી રહેતો .અપેક્ષા અને આકાંક્ષા પર લગામ જરૂરી તો છે જ .દુનિયા સુધરે કે ના સુધરે પોતાની જાતને સતત માંજતા રહીયે…એ જ વ્યક્તિ સાચા અર્થમાં પોતાનામાં રહેલાં દાનવત્વ પર વિજય મેળવી ચુક્યો છે ,એવું કહી શકાય .કુરુક્ષેત્રની ભયાવહ યુદ્ધભૂમિ પર દાનવત્વને વિસ્તરતા સૌકોઈ જાેઈ ચુક્યાં છે ..આત્મીયતાની ઓળખ અને સમજણની ગેરહાજરી શું શું કરાવી શકે છે …એ તમામ વિકટ જવાબોથી કોણ અજાણ છે ….?

ભીતરનાં અને બહારનાં સંધર્ષના સ્વરૂપ અલગ અલગ હોય છે , તેથી પોતાનાં અસ્તિત્વને ટકાવવાં દરેકને જીવલેણ પ્રયાસો કરવાં પડે છે .એ ટાળી ના શકાય એવી પરિસ્થિતિ છે .દરેકે અનિચ્છાએ અથવા તો હસતાં મોંએ સંબંધોના સમીકરણ સાચવવા પડે છે.માણસને માણસ સાથે જાેડવાનું કામ ખુબ વિકટ છે . સામેવાળી વ્યક્તિને તેની બધી ખામીઓ સાથે સ્વીકારીયે ,ત્યારે આપણી મનુષ્યત્વ શોધવાની પ્રક્રિયા પુરી થાય એવું કહી શકાય .કન્ફેશન કરવાં માટે ચર્ચ કે મંદિરમાં જવાને બદલે મનની અદાલતમાં જાતે જ જજ બની ચુકાદો આપો ત્યારે ….સંબંધોમાં આવી ગયેલું અંતર ઘટે .

જયારે અન્ય આપણી સાથે ખરાબ વર્તન કરે ત્યારે આપણે સાક્ષીભાવ રાખી આપણાં જ શબ્દોને ફરી એકવાર ચાખી જાેવા જાેઈએ .ક્યારેક કડવાશથી ભરેલા શબ્દો અન્યને પળવારમાં આપણાથી લાખો જાેજન દૂર લઇ જાય છે .જીવનના વળાંક આપણને ,આપણાં કેટલાં છે એ બતાવી જાય છે .આ સમજવાં વિશિષ્ટ દ્રષ્ટિ હોવી આવશ્યક છે .જીવનના ટર્નીંગ પોઇન્ટમાં આત્મીયતાસભર સાથ વ્યક્તિને ભીતરથી મજબૂત બનાવે છે .મજબૂતાઈથી અને ભીતરના વિશ્વાસથી ભરેલાં ડગલાં આપણને ઉર્ધ્વગતિ તરફ લઇ જશે …એમાં કોઈ શંકા નથી .

જીવનના કોઈપણ તબક્કે તમે ,તમારાં પરિચિતોનો મર્મગામી પરિચય આપવાં જયારે આગળ વધો ત્યારે , એમાં આત્મીયતાનો અમીરસ અવશ્ય ઘોળજાે…કારણકે એજ એકના દિલથી બીજાના દિલ સુધી પહોંચવાની કેડી છે .દરેક સબંધ આ આત્મીયતાના અમીરસથી નવપલ્લવિત રહે અને લીલાછમ રહે એવી શુભેચ્છા મારા તરફથી આપ સૌને .

Copyright © All rights reserved. | Developed by Aneri Developers