Western Times News

Gujarati News

જિલ્લાના મહત્વપૂર્ણ પ્રશ્નો અંગે અધિકારીઓની બેઠક યોજાઇ

(માહિતી બ્યુરો, પાલનપુર) પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે બનાસકાંઠા જિલ્લાના પ્રશ્નો અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ, સરહદી અને રાષ્ટ્રીય સુરક્ષા, જળ વ્યવસ્થાપન વિતરણ પ્રણાલી, કૃષિ, રોજગારી, આરોગ્ય, ઉદ્યોગ, શિક્ષણ, રેલવે, રોડ રસ્તા, ધાર્મિક દેવસ્થાનોનો વિકાસ સહિતના મુદ્દાઓ અને પ્રગતિ હેઠળના મહત્વના પ્રોજેક્ટ, વિકાસ કામો, સૈદ્ધાંતિક મંજૂરી, વહીવટી પ્રક્રિયા સહિતની બાબતોનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતે ટીમ બનાસકાંઠા સાથેની પ્રથમ મુલાકાતની પ્રસન્નતા અનુભવતાં જિલ્લાના વિકાસ માટે ત્રણ બાબતો પર ભાર મુક્યો હતો. જેમાં ગુજરાત સરકાર હસ્તક આવતા પ્રશ્નો અને રજૂઆતો, કેન્દ્ર સરકાર હસ્તકની બાબતોને લગતા પ્રશ્નો અને રજૂઆતો યોગ્ય રીતે, યોગ્ય સ્તરે મળે જેથી જિલ્લાના વિકાસની યોગ્ય રૂપરેખા નક્કી કરી આગળ વધી શકાય અને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની યોજનાઓનો લાભ છેવાડાના માણસોને મળે અને સરકારી ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ કરી પ્રજા કલ્યાણના કામો થાય એ ત્રણ બાબતો પર જિલ્લાની વિકાસ દોટ આગળ વધે તેમ જણાવ્યું હતું.

બેઠકમાં જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈના પાણી અંગે ખાસ ચર્ચા કરી જિલ્લામાં જળ આપૂર્તિ માટે ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓ સત્વરે પૂર્ણ કરી આગામી ઉનાળા સુધીમાં જિલ્લાના છેવાડાના ગામોમાં પાણીની સમસ્યાઓનો સામનો ન કરવો પડે એ પ્રકારનું આયોજન ગોઠવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વધુમાં જિલ્લાના મહત્વના જળાશયો, તળાવો અને ચેકડેમોમાં પાણી સંગ્રહ, કુવા બોર રિચાર્જ થાય અને કરમાવત તળાવ, મલાણા તળાવ, તથા વાવ, થરાદ-સૂઇગામ તાલુકાઓના ગામોમાં ચાલી રહેલ પાણી સંબંધિત યોજનાઓનું પ્રગતિ હેઠળનું કામ નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરી તેનો લાભ મળે એ બાબતની ચર્ચા કરવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લો હોવાથી સરહદી વિસ્તારમાં સુરક્ષા સંબંધિત વિભાગોમાં મહેકમ વધારવાની મંજૂરી તેમજ અંબાજી અને નડાબેટ જેવા ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રમાં યાત્રિકો-પ્રવાસીઓની સુરક્ષાની સગવડો વિશેષ રીતે સચવાય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવાનું આયોજન કરવામાં આવે એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. શાળાઓના ઓરડાઓની ઘટ પુરી કરવા જિલ્લામાં ૧૮૮૯ ઓરડાઓ રાજ્ય સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. તેમજ આઈ.ટી.આઈ. માં ડ્રોન અને સોલાર એનર્જી આધારિત કોર્ષ આગામી શત્રથી શરૂ કરી જિલ્લામાં રોજગારી માટેની વિશેષ તકોનું નિર્માણ થાય એ દિશામાં પ્રયાસો કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

કલેક્ટરશ્રી આનંદ પટેલે જિલ્લાના પાણી પુરવઠાના પાણીદાર આયોજનની વિગતો આપતા જણાવ્યું હતું કે, પાણી પુરવઠાની વિવિધ ૧૮ જેટલી જુથ પાણી પુરવઠા યોજનાઓ દ્વારા ૮૦૦ ગામો અને સ્વતંત્ર પાણી પુરવઠા યોજનામાં ૪૩૪ ગામોને આવરી લેવામાં આવ્યા છે. જલ જીવન મિશન અંતર્ગત વાસ્મો દ્વારા ૧૦૦ ટકા ઘરોમાં નળ દ્વારા પીવાનું પાણી આપવામાં આવે છે. આદિજાતિ વસ્તી ધરાવતા દાંતા અને અમીરગઢ તાલુકાના છુટાછવાયા વિસ્તારમાં ૭૧ સોલાર મીની યોજનાના કામો પૂર્ણ કરાયા છે. તેમણે જિલ્લાના પાણી અંગેના પ્રગતિ હેઠળના અગત્યના પ્રોજેક્ટ વિશે વાત કરતા જણાવ્યું કે, રૂ. ૨૪૧.૩૫ કરોડના ખર્ચે નર્મદા નહેરના ભાપી ઓફટેક આધારીત સીપુ જુથ સુધારણા યોજના અંતર્ગત ૧૧૯ ગામ અને ધાનેરા શહેરની ફેઝ- ૧ ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જ્યારે ફેઝ-૨ ની કામગીરી માર્ચ- ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.