પરિવારથી વિખુટી પડેલી મહિલાનુ પરિવારજનો સાથે પુનઃસ્થાપન કરતુ સખીવન સ્ટોપ સેન્ટર આહવા
(ડાંગ માહિતી ) આહવાઃ સખી વન સ્ટોપ સેન્ટર-આહવાની બહેનોએ ગાઢવી ગામની વિખુટી પડેલ મહિલાનું પોતાના પરિવારજનો સાથે મિલન કરાવ્યુ હતુ.ગત તા.૨૪-૧-૨૦૨૩ ના રોજ ૧૮૧-અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા લશ્કરીયા ગામેથી રાત્રિના ૭ઃ૩૦ કલાકે ભૂલી પડેલ, એક ૩૫ વર્ષની મહિલા મળી આવી હતી. જેમને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામા આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના કેસ કાઉન્સિલર દ્વારા આશ્રિત બહેનનુ કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ કે તેણીનુ નામ કલ્પનાબેન છે, અને તે આહવા તાલુકાના ગાઢવી ગામના રહેવાસી છે.
સેન્ટરની બહેનો દ્વારા મહિલાના પરિવારજનો સાથે ટેલીફોનિક સંપર્ક સાધી બહેન સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય અર્થે રોકાયેલ હોવાની જાણ કરતા, તા. ૨૭-૧-૨૦૨૩ ના રોજ પરિવારજનો રૂબરૂ સેન્ટર પર હાજર થયા હતા. પરિવારજનો સાથે આશ્રિતબહેન વિશે વિગતે ચર્ચા કરતા જાણવા મળેલ કે બહેનનુ માનસિક સંતુલન બરાબર નથી, જેના કારણે અવાર-નવાર ઘર છોડી નીકળી જતા હોય છે. જેથી સેન્ટરના સ્ટાફ કર્મચારી દ્વારા પરિવારજનોને સમજાવતા જણાવેલ કે આશ્રીત બહેનની યોગ્ય દેખરેખ રાખે, અને તબીબી સારવાર કરાવશો.
જેથી આશ્રિત બહેનના પરિવારજનોએ પોતાની સાથે પોતાની જવાબદારી પર સાર સંભાળ, અને દેખરેખ રાખશે, અને સિવિલ હોસ્પિટલમા રૂબરૂ તબીબી સારવાર કરાવશે. આમ જણાવીને આશ્રિત બહેનને સેન્ટરના સ્ટાફ કર્મચારી અને મહિલા પોલીસ કોન્સ્ટેબલની હાજરીમા પરેવારજનો સાથે પુનઃસ્થાપન કરેલ.
આમ આશ્રિત બહેનનો પરિવારજનો સહી સલામત સોપણીની કરતા તેમણે હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરતા ડાંગ જિલ્લા મહિલા અને બાળ વિકાસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.