Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ધુમ્મસના કારણે અનેક ફ્લાઇટ્‌સ ડિલે-કેન્સલ થઇ

અમદાવાદ, થોડા દિવસ પહેલા દિલ્હીનું એરપોર્ટ દેશભરમાં ચર્ચામાં હતું, કારણ હતું વધતી ભીડ સામે વ્યવસ્થાનો અભાવ.અમદાવાદનું એરપોર્ટ પણ ચર્ચામાં આવ્યું છે, એરપોર્ટ પર જાણે બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશન હોય તેવો નજારો જાેવા મળ્યો છે. અનેક ફ્લાઇટ એક સાથે કેન્સલ અથવા મોડી પડવાના કારણે લોકોએ એરપોર્ટમાં જ રાહ જાેવાનો વારો આવ્યો હતો.

રેલવે સ્ટેશન પર ટ્રેનનો સમય હોય તેના કરતાં પહેલા પેસેન્જર્સ પહોંચી જતાં હોય છે અને પ્લેટફોર્મ પર જ ચાદર પાથરીને આરામ ફરમાવે છે. આવા જ દ્રશ્યો અમદાવાદના એરપોર્ટ પર પણ જાેવા મળ્યા હતા, ફોટોઝ જાેઈને તમે પણ એક વાર વિચારમાં પડી જશો કે આ એરપોર્ટ છે કે રેલવેસ્ટેશન. ફ્લાઇટની રાહ જાેતાં જાેતાં થાકી ગયેલા પેસેન્જર્સ અમદાવાદ એરપોર્ટની જમીન પર જ સૂઈ ગયેલા દેખાઈ રહ્યા છે. એરપોર્ટ પર બેઠક વ્યવસ્થા જેટલી હતી તે તમામ ફૂલ થઈ જવાના કારણે મજબૂરીમાં આવી લોકોએ જમીન પર જ બેસવું પડ્યું હતું.

અમદાવાદ સહિત ગુજરાતભરમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ભરશિયાળે વરસાદ પડવાના કારણે આખા અમદાવાદમાં શનિવારે સવારે ભારે ધુમ્મસ છવાઈ ગઈ હતી. હાઇવેથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં તો ઝીરો વિઝીબિલિટી જાેવા મળી હતી. જ્યાં લોકોને રસ્તા પર વાહન ચલાવવામાં પણ તકલીફ પડી રહી હતી ત્યારે એરપોર્ટ પર પણ ફ્લાઇટને લેન્ડ અને ટેકઑફમાં પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે અનેક ફ્લાઇટ ડિલે થઈ હતી અને કલાકો સુધી લોકોને એરપોર્ટ પર રહેવા ફરજ પડી હતી. આટલું જ નહીં અમુક ફ્લાઇટ્‌સ તો કલાકો સુધી મોડી પડી અને બાદમાં કેન્સલ જ કરી દેવામાં આવી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers