Western Times News

Gujarati News

પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો ”પીપલ્સ ચોઈસ એવોર્ડ”માં અવ્વલ ક્રમે

(માહિતી) ગાંધીનગર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશ અને દુનિયાને પુનઃપ્રાપ્ય ઊર્જાના વધુને વધુ ઉપયોગથી સ્વચ્છ અને હરિત ઊર્જાના વિનિયોગની પ્રેરણા આપી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરક માર્ગદર્શનમાં ગુજરાતે વડાપ્રધાનશ્રીની આ પ્રેરણા ઝિલી લઇને ‘‘ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત’’ થીમ આધારિત ઝાંખી ૭૪મા ગણતંત્ર દિને નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરી હતી.

૭૪મા પ્રજાસત્તાક પર્વની આ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર રજુ થયેલી ૧૭ રાજ્યોની વિવિધ ઝાંખીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલ ટેબ્લો ‘ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત’ને પીપલ્સ ચોઇસ એવોર્ડઝ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પ્રતિવર્ષ દેશભરના રાજ્યો અને વિવિધ વિભાગો દ્વારા ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવે છે. ર૦ર૩ની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના ૧૭ રાજ્યો તથા ૬ મંત્રાલયો મળીને કુલ ર૩ ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે આ વર્ષની પરેડમાં ક્લિન અને ગ્રીન એનર્જી યુકત ગુજરાતની ઝાંખી દર્શાવતો ટેબ્લો પ્રસ્તુત કર્યો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગુજરાતે બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો, સૌર-પવન ઊર્જાના મહત્તમ ઉપયોગથી ક્લિન ગ્રીન એનર્જી ઉત્પાદન અને ઉપયોગનો ધ્યેય સફળતાપૂર્વક પાર પાડ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં કચ્છ ખાતે દુનિયાનો સૌથી મોટો હાઇબ્રીડ રીન્યુબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. રિન્યુએબલ એનર્જીને હાર્નેસ કરવાની દિશામાં ગુજરાતની આ બેજાેડ ઉપલબ્ધિને આ વખતની ૨૬મી જાન્યુઆરીની પરેડમાં ઝાંખી-ટેબ્લોના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવી હતી. આ ટેબ્લોમાં કચ્છના ખાવડા ખાતે આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક,  BESS (Battery Energy Storage System) મારફતે દેશનું સૌ પ્રથમ ૨૪ટ૭ સોલાર ઉર્જા મેળવતું મોઢેરા ગામ,PM KUSUM યોજના મારફત સોલાર રૂફટોપથી ઉર્જાથી ખેડૂતોને ખેતીમાં સિંચાઈ, કેનાલ રૂફટોપથી ઊર્જા ઉત્પાદનથી રાજ્યમાં થયેલી સુખદ ઉર્જાક્રાંતિને પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સાથે કચ્છના ભાતીગળ પહેરવેશ, ભૂંગા, સફેદ રણ, માટીના કલાત્મક લીંપણ, રણના વાહન ઊંટ તેમજ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સરીખા રાસ-ગરબાને પણ દર્શાવવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા બદલ સૌનો આભાર માનતા કહ્યું કે, આ જીત ગુજરાતના પ્રત્યેક નાગરિકની જીત છે.આ પ્રતિષ્ઠિત એવોર્ડ નવી દિલ્હીમાં ૩૧ જાન્યુઆરીએ આયોજીત એવોર્ડ વિતરણ સમારોહમાં કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રીશ્રી અજય ભટ્ટના હસ્તે ગુજરાત સરકારના માહિતી પ્રસારણ સચિવશ્રી અને મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી શ્રીમતી અવંતિકાસિંઘ તથા માહિતી નિયામકશ્રી આર. કે. મહેતાએ સ્વીકાર્યો હતો. આ ટેબ્લોની પ્રસ્તૃતિમાં નાયબ માહિતી નિયામક શ્રી પંકજભાઇ મોદી અને શ્રી સંજય કચોટનું મહત્વનું યોગદાન રહ્યું હતું. ટેબ્લોનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝીંગ પ્રા.લિ. અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.