Western Times News

Gujarati News

સડી ગયેલા બટેકાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

પ્રતિકાત્મક

પંચમહાલ, વિદેશી દારૂની હેરાફેરીની વધુ એક મોડસ ઓપરેન્ડી આવી સામે આવી છે. પંચમહાલના હાલોલથી એલસીબી અને એસઓજીએ સડેલા બટાકાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ટ્રકમાં સડેલા બટાકાની બોરીઓની આડમાં વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલક સહિત ત્રણની ધરપકડ કરી દારૂનો જથ્થો ભરી આપનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે.

હરિયાણાથી સડેલા બટાકાની આડમાં હાલોલના કોટામેડા ગામે લઈ જવાતાં વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પોલીસે સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન હાલોલ નવજીવન હોટલના પાર્કીગમાંથી ટ્રક ઝડપી લઈ વિદેશી દારૂની ૪૪૬ પેટીઓ સહિત ૧૪.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કરી બે વોન્ટેડ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, વિદેશી દારૂના ખેપીયાઓ દ્વારા પોલીસની ગેરમાર્ગે દોરવા માટે ટ્રકમાં સડેલા બટાકા ભરવામાં આવ્યા હતા અને જેના લીધે વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.

પંચમહાલ જિલ્લામાં વિદેશી દારૂના વેચાણ અને હેરાફેરીને નેસ્તનાબૂદ કરવા માટે રેન્જ આઇજી અને જિલ્લા પોલીસવડા દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર એલસીબીએ પેટ્રોલિંગ અને નાકાબંધીની કામગીરી શરૂ કરી છે. જેના ભાગરૂપે એલસીબી અને એસઓજીનો સ્ટાફ હાલોલ પંથકમાં પેટ્રોલિંગ કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન એલસીબી ટીમને હાલોલ નવજીવન હોટલના પાર્કિંગમાં એક શંકાસ્પદ ટ્રક ઉભી છે જેમાં સડેલા બટાકાની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરવામાં આવ્યો છે. તેવી બાતમી મળી હતી
અને તેને આધારે એલસીબી ટીમે હોટલના પાર્કિંગમાં ઊભેલી બાતમીવાળી ટ્રકની તપાસ કરી હતી.

પોલીસે નવજીવન હોટલના પાર્કિંગમાં તપાસ કરતાં બાતમીવાળી ટ્રક પાર્ક કરેલી મળી આવી હતી. જેથી પોલીસે ટ્રકના કેબિનમાં તપાસ કરતાં ત્રણ વ્યકિતઓ ઊંઘતા મળી આવ્યાં હતાં. જેની પોલીસે ટ્રકમાં શું ભર્યુ છે અને કયાંથી આવ્યા અને ક્યાં જાવ છો. આ અંગે પૂછપરછ કરી હતી. આ દરમિયાન વ્યક્તિઓએ પોતે રાજસ્થાનના જયપુરથી હાલોલ ખાતે બટાકા ભરીને આવ્યાં હોવાનું જણાવ્યું હતું. તેથી પોલીસે તેઓ પાસે બટાકાની બીલની માંગણી કરી હતી.

આ દરમિયાન ચાલકે બિલ નહીં હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ પોલીસે ટ્રકની બોડીમાં તપાસ કરતાં સડી ગયેલા બટાકાની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે પૂછતાં જથ્થો હરિયાણાના જીદથી વિરેન્દ્રસિંગ દેવાસિંગે ભરી આપ્યો હતો અને હાલોલના કોટામેડા ગામના મહોબતસિંહ જશવંતસિંહ ચૌહાણને પહોંચાડવાનો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે ઝડપાયેલા ત્રણ આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન, ટ્રક અને બોટલો વિદેશી દારૂનો જથ્થો મારી કુલ ૨૪.૩૩ લાખનો મુદ્દામાલ માલ કબજે લઈ ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.