આમોદમાં વીજીલન્સ ટીમે દરોડા પાડી ૪૦ લાખથી વધુની વીજ ચોરી પકડી

વીજ ચોરી કરતા લોકોને ઝડપવા વીજીલન્સ ટીમના દરોડા પરંતુ ખુલ્લેઆમ વીજ ચોરી કરતી પાલિકા સામે કોઈ કાર્યવાહી નહીં.
આમોદ નગર સહિત પંથકમાં વહેલી સવારે વીજીલન્સ ટીમે દરોડા પાડી ૪૦ લાખથી વધુની વીજ ચોરી પકડી
– દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજીલન્સ ટીમે ૭૨ ગેરકાયદેસર કનેક્શન ઝડપી કાર્યવાહી કરી
(વિરલ રાણા ) ભરૂચ,આમોદમાં આજરોજ વહેલી સવારે લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજીલન્સ ટીમના દરોડા પડતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજીલન્સ ટીમ સાથે પોલીસની અલગ અલગ ટીમ બનાવી આમોદ નગર સહિત તાલુકાના આછોદ, મછાસરા, માંગરોલ, માતર, રોઝાટંકારીયા, કોલવણા,કેરવાડા સહિતના ગામોમાં વીજ ચેકીંગ હાથ ધર્યું હતું.
જેમાં વીજીલન્સ ટીમને મોટી સફળતા મળી હતી.વીજીલન્સ ટીમે મીટરનું શીલ તોડીને, અલગથી સર્વિસ વાયર નાખીને, મીટર સાથે છેડછાડ કરીને,મીટર ના હોવા છતાં લંગર નાખીને વીજ ચોરી કરતા ૭૨ થી વધુ કનેકશન ઝડપી પાડી વીજ ચોરો સામે કેસ બનાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.અને તેમની સામે ૪૦ લાખથી વધુનો વીજ ચોરીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ ૯૮ વીજ કર્મીઓની ટીમ બનાવી વીજ ચોરી પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં વીજ કંપની સાથે પોલીસના ૧૨૦ થી વધુ જવાનો સાથે ૨ નાયબ પોલીસ અધિક્ષક,૪ પોલીસ ઈન્સ્પેક્ટર,૮ પી.એસ.આઈ સહિતના અધિકારીઓ પણ બંદોબસ્તમાં જોડાયા હતાં.
આમોદમાં આજ રોજ વીજ ચોરી ઝડપી પાડવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજીલન્સ ટીમ બનાવી ૯૮ વીજ કર્મચારીઓ સાથે ૧૨૦ થી વધુ પોલીસ જવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવી આમોદ નગર સહિત તાલુકાના ગામડામાં રેડ કરી ગેરકાયદેસર વીજ ચોરી કરતાં ૭૨ કનેક્શન ઝડપી પાડી વીજ ચોરી કરનારા સામે ૪૦ લાખનો દંડ ફટકાર્યો છે.
પરંતુ આમોદ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ ઉપર ડાયરેકટ જોડાણ મેળવી વીજ ચોરી કરવામાં આવે છે.તેમની સામે કેમ વીજ કંપની કાર્યવાહી કરતી નથી તેવા નગરજનોમાં સવાલો ઉભા થયા છે.અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની આમોદ પેટા વિભાગીય કચેરીએ આમોદ નગરપાલિકાને સ્ટ્રીટ લાઈટના ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરવા નોટીસ પણ આપી હતી.
છતાં પાલિકાએ વીજ કંપનીની નોટીસની પણ અવગણના કરતાં કોઈ કાર્યવાહી કરી નહોતી જેથી વીજ કંપનીએ ૨૨૦ થી વધુ ડાયરેકટ ચાલતી સ્ટ્રીટ લાઈટના જોડાણ કાપી નાખ્યા હતાં.છતાં વીજ કંપનીએ પાલિકાના કોઈ અધિકારી કે પદાધિકારી સામે કાર્યવાહી કરી નહોતી.જેથી વીજ કંપનીના વીજ ચોરી સામેના અલગ અલગ માપદંડને લઈને અનેક સવાલો ઉભા થયા છે.