અંકલેશ્વર ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશન મથકોમાં થયેલ ૨૩ વીજ ટ્રાન્સફોર્મરની ચોરીઓનો ભેદ ઉકેલાયો
ભરૂચ એલસીબી પોલીસે સુરતથી એક આરોપીને ઝડપી પાડી ૧.૫૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
(પ્રતિનિધિ) ભરૂચ, વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તેમજ ભરૂચ જીલ્લા પોલીસવડા ડૉ.લીના પાટીલ દ્વારા ભરૂચ જીલ્લાના વિવિધ વિસ્તારમાં થયેલ વીજ ટ્રાન્સફોર્મર ચોરીઓના ગુનાઓ શોધી કાઢવા જીલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ અપાયેલ તે અંતર્ગત ભરૂચ જીલ્લા એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ એમ.એમ.રાઠોડે ટીમ સાથે વણશોધાયેલ વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનાઓ શોધી કાઢવા કાર્યવાહી હાથધરી હતી.
આ દરમ્યાન એલસીબીને હ્યુમન ઈન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી કે આવા ગુનાઓનો શંકાસ્પદ આરોપી નરપતસિંહ ચારણ સુરત ખાતે રહે છે. જેને લઈને પીએસઆઈ એમ.એમ.રાઠોડે ટીમ સાથે સુરત ખાતે જઈને બાતમી મુજબના સ્થળે તપાસ કરીને ઉપરોક્ત શંકાસ્પદ ઈસમને સુરત તેના ઘરેથી પકડી લીધો હતો.સદર ઈસમને વધુ પુછપરછ કરવા એલસીબી કચેરી અંક્લેશ્વર ખાતે લાવવામાં આવ્યો હતો.
પુછપરછ દરમ્યાન તે ભાંગી પડેલ અને તેણે વર્ષ ૨૦૨૨ જાન્યુઆરી,ફેબ્રુઆરી તથા એપ્રિલ મહીનામાં આશરે ૨૩ વાર અંક્લેશ્વરમાં આવીને ચોરીનો મુદ્દામાલ તેના સહ આરોપી પાસેથી લઈ જઈ સુરત ખાતે ભંગારના વેપારીને વેચાણ કરેલ હોવાની કબુલાત કરી હતી.આરોપી પાસેથી ચોરીના કોપર કોયલ માંથી ગાળીને બનાવેલ કોપર પ્લેટ નંગ ૦૩ અંદાજે ૨૧૫ કિલો જેની કિંમત રૂ.૧,૫૦,૫૦૦ તેમજ બે મોબાઈલ કિંમત રૂ.૫,૫૦૦ મળીને કુલ કિં.રૂ.૧,૫૬,૦૦૦ નો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો.એલસીબી દ્વારા આગળની વધુ તપાસ માટે સદર ઈસમને અંક્લેશ્વર શહેર “એ” ડીવીઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.