Western Times News

Gujarati News

ગુમ થયેલા પોલીસ કોન્સ્ટેબલની ૧૦ દિવસ બાદ લાશ મળી

(એજન્સી)વડોદરા, વડોદરા શહેરમાં ગુમ થયેલ પોલીસ કોન્સ્ટેબલની ૧૦ દિવસ બાદ લાશ મળી છે. શહેરના પ્રતાપનગર હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા ૧૦ દિવસથી ગુમ હતા. ત્યારે અચાનક જાંબુવાબ્રિજ પાસેથી ડીકમ્પોઝ હાલતમાં તેઓનો મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે.

પત્નીએ પોતાના પતિની હત્યા કરીને લાશને ફેંકી દેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ હાલ પોલીસનું જણાવવું છે કે પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે. તેનો રીપોર્ટ આવ્યા બાદજ સમગ્ર ઘટના અંગેની ખબર પડી શકે છે.

સમગ્ર ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલની પત્ની કાંતા બહેન વસાવાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે તેઓના પતિની નાણાની લેવડ દેવડમાં હત્યા કરીને લાશને ફેંકી દેવામાં આવી છે. ઉત્તરાયણના દિવસે સામાન્ય ઝઘડો થયો હતો. તે બાદમાં તેઓના પતિ સતત માનસિક તણાવમાં રહેતા હતા.

તો બીજી તરફ તેઓ સતત અવાર નવાર કહેતા પણ હતા કે કેટલાક લોકો મને મારવા માટે આવે છે. રૂપિયા ૧૦ હજાર માટે મારા પતિની હત્યા થઇ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ત્યારે પત્નીએ પોતાના પતિની હત્યા થઇ હોવાથી ન્યાય મળે એવી માંગણી કરી છે.

પોલીસ કોન્સ્ટેબલ કમલેશ વસાવા બાપોદ પોલીસ લાઈનમાં રહે છે. ગત ૩૦ જાન્યુઆરીએ રાત્રે ૧૨ વાગ્યાના સુમારે પત્નીને ‘મને કોઈ મારવા આવે છે, હું નીચે જઈને આવું છું’ તેવું કહીને બાઈક લઈને સિવિલ ડ્રેસમાં ઘરેથી નીકળ્યા હતા. જાેકે બે દિવસ સુધી તેઓ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ બાપોદ પોલીસને અરજી આપી હતી. પરંતુ તે દરમિયાન તપાસ યોગ્ય ન થતી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ કમિશનરને રજૂઆત કરી હતી.

બાપોદના સી.એમ પારેખે આ મામલે તપાસ કરતા કમલેશ વસાવા ૯ જાન્યુઆરીથી માંદગીની રજા પર હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ ૯ જાન્યુઆરી બાદ નોકરી પર પણ આવ્યા ન હતા, જાેકે ત્યાર બાદ પોલીસે અલગ અલગ લોકોના નિવેદન અને સીસીટીવીની મદદ લઈને તપાસ શરુ કરી હતી. પરંતુ પરિવારજનોનું કહેવું છે કે ઉત્તરાયણના દિવસે સામાન્ય તકરાર થઇ હતી, પરંતુ તે કોઈ મોટો વિવાદ ન હતો.

જાેકે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ કોન્સ્ટેબલ કમલેશ વસાવાનો મૃતદેહ એટલો વિકૃત થઇ છે કે એક તબક્કે લાશ ઓળખવી પણ હાલ ઘણી મુશ્કેલ હતી, પરંતુ તેઓના પરિવારજનોએ કમલેશભાઈએ પહેરેલા કપડા, હાથમાં બાંધેલો દોરા ઉપરથી ઓળખ કરી છે.

તો બીજી તરફ પોલીસ કોન્સ્ટેબલના ખિસ્સાઓની ચકાસણી કરતા તેઓના ખિસ્સામાંથી આઇકાર્ડ મળી આવ્યા બાદ લાશ પોલીસ કોન્સ્ટેબલ કમલેશ વસાવાની હોવાનું સ્પષ્ટ થયું હતું.પરિવારના દ્વારા પોલીસ કમિશનર ઓફિસમાં રજૂઆત થતા હાલ સમગ્ર ઘટનાની તપાસ  સોંપવામાં આવી હતી.

હાલ કમલેશ વસાવાના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ જાણ થશે કે કમલેશ વસાવાએ આત્મહત્યા કરી છે કે પછી તેમની કોઈએ હત્યા કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.