Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Ahmedabad:યુવતીએ પહેલા યુવકને મિત્ર બનાવ્યો પછી છરો બતાવી લૂંટી લીધો

(એજન્સી)અમદાવાદ, ગાંધીનગરમાં રહેતો યુવક અમદાવાદમાં નોકરી કરતો હતો. નોકરી દરમિયાન બસ સ્ટેશન પર અજાણી યુવતી સાથે મિત્રતા થઈ. યુવતીએ નંબર આપીને બીજા દિવસે યુવકને મળવા બોલાવ્યો હતો.

યુવક મળવા જતા યુવતીએ તેના સાથી સાથે મળીને યુવકને છરો બતાવી મોબાઈલ અને પાકીટ પડાવી લીધા. સમગ્ર મામલે યુવકે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

હર્ષ ઠાકોર નામનો ૨૨ વર્ષીય યુવક દિલ્હી દરવાજા ખાતે સ્પેર પાર્ટની દુકાનમાં નોકરી કરે છે. ૧૧ ફેબ્રુઆરીએ સાંજે બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો. ત્યારે અજાણી યુવતી તેને મળી હતી. યુવતીએ તેનું નામ શીતલ જણાવ્યું હતું અને ત્યારબાદ હર્ષનો નંબર માંગ્યો હતો. એકબીજાને નંબર આપીને બંને છૂટા પડ્યા હતા.

ત્યારબાદ બીજા દિવસે સાંજે શીતલ નામની યુવતીએ હર્ષને ફોન કરીને મળવા બોલાવ્યો હતો.હર્ષ દધીચી સર્કલ પાસે એક્ટિવા લઇને યુવતીને મળવા ગયો હતો. ત્યારે અજાણ્યો ૨૦-૨૨ વર્ષનો યુવક પણ ત્યાં આવી પહોંચ્યો હતો.

અજાણ્યા યુવકે હર્ષને કહ્યું કે, આ છોકરી અને તારા વચ્ચે શું સંબંધ છે. આટલું કહી હર્ષનો કોલર પકડીને લાતો અને ફેંટ મારવા લાગ્યો હતો. શીતલ પણ અજાણ્યા યુવક સાથે મળીને ગાળો બોલી ધમકાવવા લાગી હતી.

યુવકે છરો કાઢીને હર્ષના ગળા પર મૂક્યો અને મારી નાખવાનો ડર બતાવી મોબાઈલ ફોન થતા પાકીટમાં રહેલા ૫૦૦ રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં પોલીસને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આ સમગ્ર મામલે હર્ષે માધવપુરા પોલીસ સ્ટેશનમાં શીતલ અને અજાણ્યા યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

યુવતીએ તેના બોયફ્રેન્ડ માટે આ પ્રકારે ગતડકું કર્યું હતું. હાલ આ સમગ્ર મામલે અમે વધુ તપાસ હાથ ધરી છે. આ અગાઉ તેણે આવું કશું કર્યું છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ યુવતી એના પ્રેમી પાછળ ગમે તે જગ્યાએ રહેતી હતી અને તેના માટે આ પ્રકારે પગલું ભર્યું હોય તેવું હાલ સામે આવી રહ્યું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers