Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ રચ્યો ઇતિહાસ

• શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઈતિહાસમાં બની પ્રથમ ઘટના.

• શાસ્ત્રી (BA) અને આચાર્ય (MA)ની પરીક્ષામાં સુવર્ણ અને રજત ચંદ્રક મેળવી BAPS સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. જ્યાં સમગ્ર વિશ્વમાંથી વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાનો વિશેષ અભ્યાસ કરવા માટે પધારતા હોય છે. સાથે 13 દેશોમાં સંસ્કૃતનો ઓનલાઇન અભ્યાસ કરાવાઈ રહ્યો છે.

જેમાં તાજેતરમાં વર્ષ 2021-22 દરમિયાન પૂર્ણ થયેલ શાસ્ત્રી BA તથા આચાર્ય MA કક્ષાના વિદ્યાર્થીઓનો પંદરમો પદવીદાન સમારોહ તારીખ 20/02/2023 સોમવારના રોજ યુનિવર્સિટી ખાતે યોજાયો હતો.

જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ માનનીય આચાર્ય શ્રી દેવવ્રત, માનનીય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ શ્રી શ્રીનિવાસ વરખેડેજી તથા અન્ય કુલપતિશ્રીઓની ઉપસ્થિતમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે સંલગ્ન 38 જેટલી કોલેજોના આચાર્યો તથા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત હતા.

અહીં યુનિવર્સિટીની તમામ વિદ્યાશાખા તેમજ તમામ વિષયોમાં શાસ્ત્રી તથા આચાર્ય કક્ષામાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો હતો. જેમાં શાસ્ત્રી કક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી જયદીપભાઈ માંડલિયા સુવર્ણચંદ્રક વિજેતા બન્યા હતા

તથા ધ્રુવભાઈ પટેલ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી રજતચંદ્રક વિજેતા બન્યા હતા. તેવી જ રીતે આચાર્ય કક્ષામાં તરુણભાઈ ઢોલાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યું તથા તેજસભાઈ કોરિયાએ દ્વિતીય ક્રમ મેળવી રજતચંદ્રક પ્રાપ્ત કર્યું હતું. આ વિદ્યાર્થીઓએ સમગ્ર યુનિવર્સિટીમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર ચાર મેડલ એક વિદ્યાલયે પ્રાપ્ત કર્યા હોય તેવો પ્રસંગ બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપતા શ્રી કૃષ્ણ ગજેન્દ્ર પંડાજીને અક્ષરપુરુષોત્તમ દર્શનમાં વિદ્યાવારિધિ(Ph.D) ની ઉપાધિ પ્રાપ્ત થઈ.

ખરેખર, શાસ્ત્રોનો અભ્યાસ કરી BAPS સંસ્થાનું તથા યુનિવર્સિટી નું ગૌરવ વધારવા બદલ તમામ યુવકોને ખુબ ખુબ અભિનંદન.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers