Western Times News

Gujarati News

Accident : જાનૈયાઓને લઈ જતો ટેમ્પો ખાડીમાં ખાબકતા ૮ લોકોનાં મોત

(એજન્સી)લુણાવાડા, લુણાવાડા તાલુકાના ગડા ગામથી સાત તળાવ ગામે લગ્નની પાઘડી લઈને જતા આ ગોઝારી ઘટના બની છે. ગડા ગામના પ્રતાપભાઈ તરાળની દીકરીના આવતી કાલે ૨૩ ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા.

જેના માટે સામાજિક રિવાજ મુજબ લગ્નના આગલા દિવસે કન્યા પક્ષના લોકો વર પક્ષે પાઘડી લઈને જતા હોય છે. ત્યારે ગડા ગામના ઉષાબેન પ્રતાપભાઈ તરાળના લગ્નની પાઘડી લઈને પરિવારજનો અને સગા સબંધીઓ સાત તળાવ ગામે જઈ રહ્યા હતા.

તે સમયે અરીઠા ગામ પાસે સામેથી આવતી ટાટા ઇન્ડિકા કાર અને ટાટા ૪૦૭ ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે જ ૫ અને સારવાર દરમિયાન ૨ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. તેમજ ૩૫ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લુણાવાડાની જનરલ હોસ્પિટલ સહિત અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

અકસ્માતની ઘટના બનતા રોડ પર આમતેમ મૃતદેહો વિખેરાયેલા દેખાતા હતા અને લોકોની ચિચિયારોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્‌યું હતું. આ અકસ્માતમાં યુવનો, વૃદ્ધો સાથે નાના બાળકો પણ ઇજગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટના બનતા આસપાસના લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સ્થાનિક લોકોએ તાત્કાલિક ૧૦૮ને જાણ કરતા ૧૦૮ વાન ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ અકસ્માત એટલો ભયાનક હતો જેમાં અકસ્માતનો ભોગ બનનારની સંખ્યા એટલી વધારે હતી. કે, ૧૦૮ પણ ખૂટી ગઈ હતી. જેથી ખાનગી વહનોમાં લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં લુણાવાડાની ૨ અને વડાગામ, કડાણા અને ગોધરાથી ૧-૧ ૧૦૮ને બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો રોડ પર અકસ્માત સર્જાયા બાદ ટ્રાફિકજામના પણ દ્રશ્યો સર્જાયા ત્યારે ઘટનાની જાણ થતાં મહીસાગર પોલીસ, ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કર્યું હતું અને ઇજગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

લુણાવાડાની સરકારી જનરલ હોસ્પિટલમાં સુવિધાના આભાવે પૂરતી સારવાર ન થઈ શકતા ગંભીર ઇજા પામેલ લોકોને વધુ સારવાર અર્થે ગોધરા-વડોદરા ખસેડવામાં આવ્યા હતા.

જેમાં ગોધરા સારવારમાં ખસેડાયેલા બે લોકોના મોત નીપજ્યા છે. આમ અત્યાર સુધીમાં આ અકસ્માતમાં કુલ ૭ લોકોના મોત થઈ ચૂક્યા છે અને હજી આ મૃત્યુ આંક વધી પણ શકે છે. અકસ્માતની ઘટના બનતા લુણાવાડા ધારાસભ્ય જનરલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

જ્યાં તેઓએ પ્રસાસન પર આક્ષેપો કરતા રોષ વ્યકત કર્યો હતો તેમને જણાયું હતું કે, છેલ્લા ૭ જેટલા વર્ષોથી નવી સિવિલ હોસ્પિટલ નિર્માણ પામી રહી છે, પરંતુ હજી સુધી તેનું કામ પુરૂ થયું નથી અને હાલ કાર્યરત જનરલ હોસ્પિટલમાં સ્ટાફ પૂરતો નથી અને ડોક્ટરો પણ પૂરતા નથી. જેથી આવા સમયે તાત્કાલિક સારવાર મળી રહેતી નથી અને વધુ સારવાર માટે પેશન્ટને આગળ રીફર કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.